<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

કાલાવડ રોડ આંબેડકરનગરમાં પીન્‍ટુ સોલંકી પર ભૂપત કટારીયાનો તલવારથી હુમલોઃ ખૂનની ધમકી

રિક્ષા તારે બહાર નહિ રાખવાની કહી ડખ્‍ખો કરી પથ્‍થરથી મોબાઇલ ફોનની ડીસ્‍પ્‍લે પણ ભાંગી નાંખીઃ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૭: કાલાવડ રોડ આંબેડકરનગરમાં રહેતાં યુવાનને તેના પડોશમાં રહેતાં શખ્‍સે તારે તારી રિક્ષા બહાર નહિ ઘરમાં જ રાખવાની તેમ કહી ગાળો દઇ તલવારનો ઉંધો ઘા મારી તેમજ ખૂન કરી નાખવાની ધમકી આપતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને આ યુવાનને બચાવ્‍યો હતો. આ અંગે તાલુકા પોલીસે કાલાવડ રોડ જડ્ડુસ ફૂડ ફિલ્‍ડ નજીક યુ-ફ્રેશવાળી શેરી આંબેડકરનગર-૩માં રહેતાં અને છુટક મજૂરી કરતાં પીન્‍ટુ કાનજીભાઇ સોલંકી (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી તેના જ વિસ્‍તારમાં રહેતાં ભૂપત પીઠાભાઇ કટારીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

પીન્‍ટુ સોલંકીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મજુરી કરુ છું. ગુરૂવારે તા. ૬ના રાતે સાડા દસેક વાગ્‍યે હું મારા ઘરેથી જમીને બહાર ફાકી ખાવા જતો હતો ત્‍યારે અમારી બાજુમા રહેતો ભુપત પીઠાભાઈ કટારીયા મને કહેવા લાગેલ કે આ તારી રીક્ષા શેરીમાં નહી રાખવાની તમારા ઘરમાં જ રાખવાની. ભૂપત મારી પાસે આવ્‍યો ત્‍યારે તેના બંને હાથ પાછળ હતાં, પછી મને ખબર પડી હતી કે તેણે હાથમાં તલવાર રાખી હતી.

ત્‍યારબાદ ભૂપત મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ હતો, મેંગાળો આપવાની ના પાડતા ઉંધી તલવાર માથા જમણા પગની પાછળ મારી દીધી હતી. હું રાડારાડ કરવા માંડતા માણસો પણ ભેગા થઇ ગયા હતાં. દરમિયાન મારા મામા દિનેશભાઇ તથા મારા માસી જોશનાબેન વિગેરે આવી ગયા હતાં. આ વખતે પણ ભૂપત શેરીમાં બેફામ ગાળો બોલતો હતો અને બધાની વચ્‍ચે મને કહેલું કે-આજે તો તને જાનથી મારની જ નાખવો છે.

 ત્‍યારબાદ તેણે શેરીમાંથી એક પથ્‍થર લઇને મારા હાથમાં રહેલા મોબાઇલ ફોનની ડીસ્‍પ્‍લે તોડી નાખી ને નુકશાની કરેલ હતી. આ પછી વધુ માણસો ભેગા થઇ જતાં ભૂપત ભાગી ગયો હતો. મેં ૧૧૨માં કોલ કરતાં પોલીસ આવી ગઇ હતી અને તાલુકા પોલીસ સ્‍ટેશને મને લઇ ગયા હતાં.   રિક્ષા શેરીમાં નહિ રાખવાની તેમ કહી ભૂપતે મને ગાળો દઇ ધમકી આપી તલવારથી માર મારી મારો ફોન તોડી નાંખ્‍યો હોઇ મેં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં પીન્‍ટુએ કહેતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્‍સ. કિશનભાઇ અજાગીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:16 PM IST)