તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 7th November 2025
રજપૂતપરામાં ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ૨.૨૫ લાખનો કોપર સ્ક્રેપ ચોરાઇ ગયો
ભાવનગરથી આવેલા ૧૧ાા લાખના માલમાંથી કોઇ કોપરના સાત ટૂકડા ચોરી ગયું: એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૭: રજપૂતપરામાં આવેલા શ્રી ખોડિયાર ટ્રાન્સપોર્ટમાં ભાવનગરથી આવેલો રૂા. ૧૧ લાખ ૫૪ હજારનો કોપર સ્ક્રેપ કે જે રાજકોટની અન્ય કંપનીને પહોંચાડવાનો હતો તેમાંથી કોઇ રૂા. ૨,૨૫,૧૬૭નો કોપર સ્ક્રેપ ચોરી જતાં પોલીસને જાણ કરવામાં આવી છે. આ અંગે એ-ડિવીઝન પોલીસે કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ પાછળ સેરેનીટી ગાર્ડન ૩૦૨ ખાતે રહેતાં રાજદિપસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે.
રાજદિપસિંહ જાડેજા રજપૂતપરા-૫માં શ્રી ખોડીયાર ટ્રાનસપોર્ટ નામે પેઢી ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે ૨૮/૧૦ના રોજ અમારી કંપનીની ગાડીમાં ભાવનગર ખાતેથી મહેન્દ્ર મેટલ ટ્રેડલીંક દ્વારા ગન મેટલનો કોપરનો ભંગાર જેમાં અલગ અલગ સાઇઝના ૫૫ નંગ ટુકડા હતાં તે આશરે ૧૫૮૦ કિલો અને રૂા. ૧૧,૫૪,૮૨૨ની કિમતનો સ્કરેપ આવ્યો હતો. આ સ્ક્રેપ ભક્તિનગર જીઆઇડીસીમાં કોસીનેટ એન્જીનીયર કંપનીમાંમોકલાયો હતો. આ પહેલા મેં આ સ્ક્રેપ મારી ઓફિસ ખાતે ઉતારી ત્યાં રખાવી દીધો હતો. એ પછી ૩૧/૧૦ના રોજ રિક્ષામાં આ સ્ક્રેપના અલગ અલગ સાઇઝના ટુકડા ભરીને કોસીનેટ એન્જિનીયર કંપનીમાં મોકલ્યા હતાં.
થોડા સમય બાદ કોસીનટેમાં માલ રિસીવ કરનાર કર્મચારીએ મારી ઓફિસમાં ફોન કરી કહ્યું હતું કે અમે ભાવનગરથી મંગાવેલા ૧૫૮૦ કિલો કોપરના સ્ક્રેપમાં માલ ઓછો જણાય છે. વજન ૧૩૯૨ કિલો જ બતાવે છે અને કોપર સ્ક્રેપના ૫૫ નંગમાંથી ૭ નંગ ઓછા છે. આશરે ૧૮૮ કિલો રૂા. ૨,૨૫,૧૬૭નો સ્ક્રેપ ઓછો છે. આ માલ મેં પહેલા મારી ઓફિસમાં ઉતારીને રાખ્યો હતો. ૨૮/૧૦થી ૩૧/૧૦ના સમયગાળામાં કોઇએ ઓફિસમાં પ્રવેશી ૨,૨૫,૧૬૭ના કોપર સ્ક્રેપના ૭ ટુકડા ચોરી લીધા હતાં. તેમ વધુમાં રાજદિપસિંહે જણાવતાં હેડકોન્સ. એન. બી. શિયાળે પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં તપાસ હાથ ધરી છે.
(4:15 PM IST)










