<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

કુવાડવા જીઆઇડીસીમાં બિહારના વિશાલ પર તેના જ વતનના અવધેશનો હુમલોઃ ગંભીર ઇજા

રાતે બંને રૂમમાં સાથે હતાં ત્‍યારે મશ્‍કરી બાબતે ડખ્‍ખોઃ બોથડ વસ્‍તુના પ્રહાર કર્યાઃ હુમલો કરનારને ફેક્‍ટરી સંચાલકે પોલીસને સોંપી દીધોઃ વિશાલ ભાનમાં આવ્‍યે સાચી વિગતો ખુલશે

રાજકોટ તા. ૮: કુવાડવા જીઆઇડીસીમાં રહેતાં અને કંપનીમાં કામ કરતાં મુળ બિહારના યુવાન પર મોડી રાતે બારેક વાગ્‍યે તેના જ વતનના શખ્‍સે હુમલો કરી લોખંડની કોઇ ચીજવસ્‍તુથી માથામાં આડેધડ ઘા મારતાં ગભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસડાયો છે. બંને સાથે બેઠા હતાં ત્‍યારે કોઇ વાતે મશ્‍કરીમાં બોલાચાલી થયા બાદ આ મારામારી થઇ હતી. હુમલાખોરને પણ ઇજા પહોંચી હતી. જો કે તે ભાગી જાય એ પહેલા કુવાડવા રોડ પોલીસને સોંપી દેવાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા જીઆઇડીસીમાં પ્‍લોટ નંબર-૯૩માં આવેલી બ્રાઇટ ઇન્‍ટરનેશનલ નામની કંપનીમાં રહેતો અને ત્‍યાં જ કામ કરતો મુળ બિહારનો વિશાલકુમાર જયનારાયણ ભારથી (ઉ.વ.૨૪) રાતે બારેક વાગ્‍યે કંપનીના રૂમ ખાતે હતો ત્‍યારે  બાજુની રૂમમાં રહેતાં તેના જ વતન બિહારના અવધેશે ઝઘડો કરી લોખંડની કોઇ વસ્‍તુથી હુમલો કરી આડેધડ ઘા ફટકારી લોહીલુહાણ કરી નાંખ્‍યો હતો. દેકારો થતાં બીજા મજૂરો જાગી જતાં બંનેને છુટા પાડયા હતાં. આ પછી નિતીશકુમાર નામના અન્‍ય મજુરે વિશાલને બહાર કાઢયો હતો. હુમલો કર્યા બાદ  અવધેશ ભાગવાને બદલે ત્‍યાં જ હાજર રહ્યો હતો.

બનાવની જાણ થતાં શેઠ કારખાને દોડી ગયા હતાં અને ઘાયલ થયેલા વિશાલને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. જ્‍યારે હુમલો કરનાર અવધેશને પોલીસને સોંપાયો હતો. ઝપાઝપીમાં અવધેશને પણ ઇજા થઇ હતી. જાણવા મળ્‍યા મુજબ ગંભીર ઇજાગ્રસ્‍ત વિશાલકુમાર ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો છે. તે મુળ બિહારનો છે. જાણવા મળ્‍યા મુજબ વિશાલ અને અવધેશ બંને સાથે રૂમમાં બેઠા હતાં ત્‍યારે વાતચીત દરમિયાન મશ્‍કરી બાબતે ઝઘડો થતાં વિશાલ ઉપર અવધેશ તૂટી પડયો હતો. જેમાં વળતા પ્રહારમાં તેને પણ થોડી ઇજા પહોંચી હતી. કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિશાલ ભાનમાં આવ્‍યે સાચી વિગતો બહાર આવશે.

(11:42 AM IST)