News of Saturday, 8th November 2025
પ્લાસ્ટીકના દાણાના વેપારમાં ભાગીદારીના નામે દૂધના વેપારી સાથે મિત્રની ૬૦ લાખની ઠગાઇ
શાપરમાં મશીન મુક્યું છે તેમાં રોકાણ પર પાંચ ટકા આપશે તેવી લાલચ આપી હતી : ૧૫૦ રીંગ રોડ આસ્થા રેસીડેન્સીમાં રહેતાં અશ્વીનભાઇ પાઘડાળની સાથે રોહને મિત્રતા કેળવી ૧ કરોડના રોકાણ સામે ૪૨ લાખ પરત આપ્યાઃ બાકીના ૬૦ લાખ ન આપી ફોન બંધ કરી ભાગી ગયોઃ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૮: રાજકોટ શહેરમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. જેમાં મિત્રતાની આડમાં એક દૂધના વેપારીને રૂ. ૬૦ લાખની માતબર રકમનું નુકસાન થયું છે. આરોપી મિત્રએ શાપરમાં પ્લાસ્ટિકના દાણા બનાવવાની ફેક્ટરીમાં નફાની લાલચ આપીને ભોગ બનનારને પોતાના મકાન પર લોન લેવડાવી હતી અને કટકે કટકે કુલ રૂ. ૧.૦૨ કરોડનું રોકાણ કરાવ્યું હતું. રોકાણની રકમ પરત કરવાની વાત આવતા આરોપી રોહન કરશનભાઇ વેકરીયા પોતાનું ઘર છોડીને ફરાર થઈ જતાં વેપારીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં તાલુકા પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ પર સનસાઇન સીટીમાં રહેતાં અને રાજકોટમાં અલગ અલગ જગ્યાએ દૂધ પહોંચાડી વેપાર કરી ગુજરાન ચલાવતાં અશ્વીનભાઇ વશરામભાઈ પાઘડાળ (ઉ.વ. ૪૬)ની ફરિયાદ પરથી તેના જ મિત્ર રોહન કરસનભાઇ વેકરીયા વિરૂધ્ધ ૬૦ લાખની ઠગાઇનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. અશ્વીનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે આશરે પાંચેક વર્ષ પહેલા તેમની ઓળખાણ આસ્થા રેસીડેન્સીમાં રહેતા રોહન કરશનભાઇ વેકરીયા સાથે થઈ હતી. સમય જતાં બંને મિત્રો બન્યા હતા.
ત્યારબાદ ૨૦૨૩માં આરોપી રોહન વેકરીયાએ અશ્વિનભાઇ પાસે આવીને પ્રસ્તાવ મૂકયો કે તેણે શાપરમાં પ્લાસ્ટિકના દાણા બનાવવાનું મશીન મૂકયું છે, જેમાં તેઓ પૈસાનું રોકાણ કરે તો થતા નફામાંથી પોતે તેને પાંચ ટકા લેખે ભાગ આપશે. જ્યારે પૈસાની જરૂર પડશે ત્યારે માંગશે તેવી વાત કરી હતી. અશ્વિનભાઇએ શરૂઆતમાં આટલા મોટા પૈસા ન હોવાનું જણાવતા, આરોપી રોહને તેમને લલચાવ્યા અને ખાતરી આપી કે તેઓ પોતાના મકાન પર લોન લઈ લે, અને તે લોનના હપ્તા ભરવાની જવાબદારી રોહનની રહેશે.
આથી રોહનની વાતમાં આવી જઈને અશ્વિનભાઇએ પોતાના મકાન પર રૂ. ૪૫,૦૦,૦૦૦ની લોન મંજૂર કરાવી હતી. લોન મંજૂર થયા બાદ, અશ્વિનભાઇએ રોહનને કટકે કટકે મોટી રકમો આપવાનું શરૂ કર્યુ હતું. પ્રથમ રોકડ તા. ૧૫/૦૫/૨૦૨૩ના રોજ રોહનના કહેવાથી રૂ. ૫,૦૦,૦૦૦/- રોકડા આપ્યા હતાં. ત્યારબાદ તા. ૦૩/૦૬/૨૦૨૩ના રોજ રોહનના બેન્ક ઓફ બરોડાના ખાતામાં રૂ. ૧૦,૦૦,૦૦૦ જમા કરાવ્યા હતાં. એ પછી તા. ૨૩/૦૬/૨૦૨૩, તા. ૩૦/૦૬/૨૦૨૩, તા. ૦૯/૦૮/૨૦૨૩, તા. ૧૧/૦૮/૨૦૨૩, તા. ૧૯/૦૮/૨૦૨૩, તા. ૩૧/૦૮/૨૦૨૩, તા. ૦૫/૦૯/૨૦૨૩, તા. ૦૨/૧૧/૨૦૨૩ અને તા. ૧૦/૧૧/૨૦૨૩ સુધી વિવિધ તારીખોએ મોટા ટ્રાન્ઝેક્શન્સ થતા રહ્યા હતાં.
ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમણે આરોપી રોહનને કુલ રૂ. ૧,૦૨,૦૦,૦૦૦ (એક કરોડ બે લાખ) આપ્યા હતા, જેની સામે રોહને સમયાંતરે તેમના ખાતામાં કુલ રૂ. ૪૨,૦૦,૦૦૦ (બેતાલીસ લાખ) જમા કરાવ્યા હતા. આ હિસાબ બાદ રોહન વેકરીયા પાસેથી ફરિયાદી અશ્વિનભાઇ પાઘડાળને કુલ રૂ. ૬૦,૦૦,૦૦૦ (સાંઇઠ લાખ) લેવાના નીકળતા હતા. અશ્વિનભાઇએ વારંવાર ફોન કરીને પોતાના પૈસા પરત માંગ્યા, પરંતુ રોહને આપ્યા નહીં. આખરે, જ્યારે અશ્વિનભાઇએ રોહનના ઘરે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આરોપી રોહન પોતાનું ઘર છોડીને ભાગી ગયો છે.
આ રીતે રોહને રોકાણ પર નફો અને હપ્તા ભરવાની લાલચ આપીને અશ્વિનભાઇ પાસેથી પૈસા પડાવી, તે રકમ ઓળવી જઈને તેમની સાથે છેતરપિંડી અને ઠગાઈ આચરી છે. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એમ. હરીપરાની રાહરીમાં એએસઆઇ એન. એલ. ચાવડાએ તપાસ હાથ ધરી છે.
(1:54 PM IST)










