News of Monday, 10th November 2025
ફાયર બ્રિગેડના કર્મચારી ગાંધીગ્રામના સંજયભાઇ વાઘેલાનું હૃદય બેસી જતાં મૃત્યુ
સવારે નોકરીએ જવા માટે જાગીને તૈયાર થતાં હતાં ત્યારે ઘરે ઢળી પડયાઃ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યો

રાજકોટ તા. ૧૦: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્યુ થયું છે. ગાંધીગ્રામમાં રહેતાં ફાયર બ્રિગેડના કર્મચારી સવારે ઘરે હતાં ત્યારે હૃદય બેસી જતાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ ન્યુ મહાવીરનગર શેરી નં. ૨માં રહેતાં સંજયભાઇ રામજીભાઇ વાઘેલા (ઉ.વ.૫૮) સવારે નોકરી પર જવાનું હોઇ જાગીને તૈયાર થતાં હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડ, રવિભાઇ, પ્રતાપભાઇ સહિતે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર સંજયભાઇને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. પોતે એક બહેન અને બે ભાઇમાં વચેટ હતાં. પોતે રેલનગર ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતાં હતાં. સવારે નોકરીએ જવા માટે તૈયાર થઇ રહ્યા હતાં ત્યારે જ હૃદય બંધી પડી ગયું હતું. બનાવને પગલે વાઘેલા-ભીલ પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(2:39 PM IST)










