<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

કુવાડવા જીઆઇડીસીમાં સાથી કર્મચારીના હુમલામાં ઘાયલ બિહારી યુવાનનું મોતઃ બનાવ ખૂનમાં પલ્‍ટાયો

રૂમમાં મજાક મશ્‍કરી બાબતે ૨૪ વર્ષના વિશાલકુમાર ભારથી ઉપર બિહારના જ અવધેશ સિંહે હુમલો કરી આડેધડ ઘા ફટમારી દીધા હતાં: આરોપી કુવાડાવ પોલીસના સકંજામાં

રાજકોટ તા. ૧૦: કુવાડવા જીઆઇડીસી વિસ્‍તારમાં આવેલી એક ડીઝલ એન્‍જીન પાર્ટ્‍સ બનાવતી કંપનીના મજૂર ઓરડીમાં શુક્રવારે રાત્રે લોહિયાળ ઝઘડો થયો હતો. એક મજૂરે બીજા મજૂર પર જીવલેણ હુમલો કરીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે ભોગ બનનાર યુવક હાલ બેભાન અવસ્‍થામાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ રખાયો હતો.  આ બનાવ અંગે કંપનીના માલિકે હુમલો કરનાર સાથી મજૂર વિરૂધ્‍ધ હત્‍યાના પ્રયાસનો ગુનો નોંધાવ્‍યો હતો. સારવાર દરમિયાન આ મજૂરનું મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. રૂમમાં મજાક-મશ્‍કરી બાબતે આ માથાકુટ થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે રાજકોટના રાજવાટીકા સોસાયટીમાં રહેતા અને કુવાડવા જીઆઇડીસી ખાતે બ્રાયન ઇન્‍ટરનેશનલ નામની ડીઝલ એન્‍જીન પાર્ટ્‍સ બનાવતી કંપની ચલાવતા જયેશભાઇ અમળતભાઇ વસોયાની ફરિયાદ નોંધી હતી. ફરિયાદ મુજબ ગત તા. ૦૭/૧૧/૨૦૨૫ના રોજ કંપનીનું કામ સાંજે સાત વાગ્‍યે પુરૂ થયા બાદ જયેશભાઇ અને તેમના ભાઈ ઘરે ગયા હતા. કંપનીના ઓરડીઓમાં રહેતા ચાર મજૂરો પૈકીના અવધેશકુમાર શિવકુમાર સિંહ અને વિશાલકુમાર જયનારાયણ ભારતી (ઉ.વ.૨૪) હાજર હતા. બાદ મોડી રાત્રીના સાડા બારેક વાગ્‍યે  જયેશભાઇને કંપનીના મજૂર સંજયભાઇનો ફોન આવ્‍યો હતો કે અવધેશકુમાર અને વિશાલકુમાર વચ્‍ચે ઝઘડો થયો છે અને વિશાલકુમાર લોહીલુહાણ હાલતમાં છે.

આથી તેઓ તાત્‍કાલિક કંપનીએ પહોંચતા જોયું કે વિશાલકુમાર બેભાન અવસ્‍થામાં પડ્‍યો હતો અને તેમના માથામાંથી પુષ્‍કળ લોહી વહી રહ્યું હતું. ૧૦૮ મારફતે તેમને તાત્‍કાલિક પહેલા કુવાડવા સીએચસી કેન્‍દ્ર અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલના ઇમરજન્‍સી વોર્ડમાં ખસેડતાં દાખલ કરાયો હતો. વિશાલકુમારની સારવાર ચાલુ હતી અને તે બેભાન હતો.  ડૉક્‍ટરના રિપોર્ટ મુજબ તેને માથાના ભાગે, ડાબા કાન ઉપર, જમણા કાન ઉપર, માથાના પાછળના ભાગે અને માથાના ઉપરના ભાગે તેમજ ડાબા હાથના બાવડા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ફરિયાદમાં જયેશભાઇએ જણાવ્‍યું છે કે આરોપી અવધેશકુમારે વિશાલકુમાર સાથે કોઇ કારણોસર ઝઘડો કરીને જાનથી મારી નાંખવાના ઇરાદે કોઇ હથીયાર વડે આડેધડ ઘા કરીને આ ગુનો આચર્યો હતો. કુવાડવા રોડ પોલીસે આરોપી અવધેશકુમાર શિવકુમાર સિંહ વિરૂધ્‍ધ હત્‍યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હુમલો કર્યા બાદ આરોપી ફેક્‍ટરી ખાતે જ હાજર હોઇ પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ બી.વી. ભગોરાએ કાર્યવાહી કરી હતી.

ઘાયલ કર્મચારીને હોસ્‍પિટલે લાવવામાં આવ્‍યો ત્‍યારે અન્‍ય કર્મચારીઓએ મજાક મશ્‍કરી બાબતે માથાકુટ થયાનું જણાવ્‍યું હતું. પોલીસે આરોપીની વધુ પુછતાછ શરૂ કરી છે. હત્‍યાનો ભોગ બનનાર યુવાન વિશાલકુમાર ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને તે મુળ બિહારનો વતની હતો.

(3:49 PM IST)