News of Monday, 10th November 2025
એકસપોર્ટ ઇમ્પોર્ટના વેપારી ફેનીલ બારસીયા સાથે આદૂના સોદામાં ૨૧ લાખની છેતરપીંડી
મવડી રામધણ પાછળ શ્રીનાથજી પાર્કમાં રહેતાં શાકભાજી-ફળના યુવા વેપારી સાથે બનાવ : બાંગ્લાદેશમાં જે આદુનો માલ મોકલવાનો હતો તે બોર્ડર પર અભિષેક રોયએ બારોબાર વેંચી માર્યોઃ ૨૧ લાખ આપી દેશે એવુ કહી આજ સુધી ન અપ્યાઃ ફોન પણ બંધ કરી દીધોઃ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી : દુબઇ, શ્રીલંકા, બાંગલાદેશ, યુકે, યુએસએમાં ફળો-શાકભાજીની આયાત-નિકાસ કરે છેઃ મહારાષ્ટ્રના નામપુરમાં રાહુલ ઠાકુર મારફત બાંગ્લાદેશના અભિષેકનો સંપર્ક થયોઃ તેણે વેપાર માટે બેંકનો લેટર ઓફ ક્રેડીટ મોકલી માલ ખરીદ કરાવી બે ટ્રક રવાના કરાવ્યાઃ પણ બાંગ્લાદેશની બોર્ડર પાસે જ બારોબાર આદૂ વેંચી નાંખી રોકડી કરી લીધી

રાજકોટ તા. ૧૦: શહેરના મવડી રામધણ પાછળ રહેતાં અને ૧૫૦ ફુટ રીંગ રોડ સંસ્કાર હાઇટ્સમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટની ઓફિસ ચલાવતાં યુવા વેપારીને બાંગ્લાદેશમાં રહી શાકભાજીનો વેપાર કરતાં કોલકત્તાના વેપારીએ આદુનો માલ બાંગ્લાદેશ મંગાવી બારોબાર આદુ વેંચી નાંખી તેના ૨૧ લાખ પાછા ન આપી ઠગાઇ કરતાં પોલીસને જાણ કરવામાં આવી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે મવડી રામધણ પાછળ શ્રીનાથજી પાર્ક-૧માં રહેતા અને શાકભાજી અને ફળોના ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ફેનીલભાઇ વિનોદભાઇ બારસીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી અભિષેક રોય અને તપાસમાં ખુલે તેની સામે ઠગાઇનો ગુનો નોંધ્યો છે. આ યુવા વેપારી સાથે બાંગ્લાદેશમાં આદુની નિકાસના નામે રૂ. ૨૧ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. લેટર ઓફ ક્રેડિટ (એલઓસી)ની મદદથી વિશ્વાસ કેળવી આરોપીએ વેપારી પાસેથી માલ ખરીદાવ્યો હતો અને ત્યારબાદ આ આખો જથ્થો મૂળ ગ્રાહકને મોકલવાને બદલે બારોબાર વેચી નાખી ગુનો આચર્યો હતો.
ફેનીલભાઇ ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોકમાં ૯૦૬-સંસ્કાર હાઇટ્સમાં ઓફિસ ધરાવ છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે તે શાકભાજી તેમજ ફ્રુટના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને શ્રીલંકા, બાંગ્લાદેશ, દુબઇ, યુકે, યુએસએ ખાતે ફળો, શાકભાજીનું એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરે છે. તે આ વ્યવસાય અર્થે મહારાષ્ટ્રના નામપુર ખાતે ગયા હતા, જ્યાં તેમની મુલાકાત રાહુલભાઈ ઠાકુર સાથે થઈ હતી. ફેનીલભાઈએ બાંગ્લાદેશમાં વેપાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં રાહુલભાઈએ તેમને કોલકાતાના અભિષેક રોયનો સંપર્ક કરાવ્યો હતો. અભિષેક રોયે ફેનીલભાઈને જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશના વેપારીઓ માટે બેંકની લેટર ઓફ ક્રેડિટ એટલે કે એલઓસી અપાવે છે.
ત્યારબાદ તા. ૧૮/૦૬/૨૦૨૫ના રોજ અભિષેક રોયે ફેનીલભાઈને વોટ્સએપ કોલ કરીને બાંગ્લાદેશમાં બે પાર્ટીના ૫૦-૫૦ ટન આદુના ઓર્ડર હોવાની વાત કરી અને એલઓસી અપાવવાની ખાતરી આપી હતી. આ પછી તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ અભિષેક રોયે એલઓસી મોકલી, જે રાજકોટની ઇન્ડસઇન્ડ બેંક દ્વારા માન્ય કરાઈ હતી. આનાથી ફેનીલભાઈનો વિશ્વાસ કેળવાયો હતો. મંજૂર થયા બાદ તા. ૦૫/૦૭/૨૦૨૫ ના રોજ નાસિકમાં બંને વચ્ચે મુલાકાત થઈ અને કર્ણાટકના હસન ખાતેથી આદુનો માલ ખરીદવાનું નક્કી થયું. અભિષેક રોયના કહેવા પ્રમાણે, ફેનીલભાઈએ શ્રી સિદ્ધિવિનાયક ટ્રેડર્સના ખાતામાં જુદી જુદી તારીખે નીચે મુજબની રકમો ઓનલાઇન એનઇએફટી દ્વારા ટ્રાન્સફર કરી હતી.
આ પછી અભિષેક રોયએ ફેનીલભાઇને કહેલું કે આદુના બે ટ્રક બાંગ્લાદેશ બોર્ડરે મેં રવાનાક રી દીધા છે. આ ટ્રકની રિસીપ્ટ અને કાટા ચીઠ્ઠી માંગતા તેણે આપી નહોતી. તા. ૧૯/૭/૨૫ના રોજ અભિષેકે ફોન કરી બાકીનું પેમેન્ટ માંગતા તેને રકમ ચુકવી હતી. આ પછી અભિષેકે ટ્રકની આરસી બૂક અને ડ્રાઇવરનો નંબર વ્હોટ્સએપ કર્યા હતાં. ૨૩/૭ના અભિષેકે વ્હો્ટસએપ કોલ કરી બે ટ્રક સોના મસ્જીદ બોર્ડરે પહોંચી ગયા છે. ૨૫/૭ના ફરીથી ફોન આવેલો કે એડવાન્સ પેટે એક લાખ મોકલવાના છે. આથી ફરી તેને રકમ મોકલી હતી. ત્યારબાદ ૩૦/૭ના રોજ બાંગ્લાદેશ બોર્ડર પર સાત દિવસ સુધી માલ ક્લીરન્સ ન થતાં ટ્રક ડ્રાઇવરને ફોન કરી ફેનીલભાઇએ માલ ખાલી કરવાનું કહ્યું હતું.
આથી ડ્રાઇવરે હા પાડી હતી. બાદ ફેનીલભાઇને ખબર પડી હતી કે આદુનો માલ તેની જાણ બહાર ખાલી થઇ ગયો છે. એ પછી અભિષેકે ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. બાદ ફેનીલભાઇ અને તેના સગા ધ્રુવ ડોબરીયા, આકાશ જીયાણી એમ ત્રણેય કર્ટાટકના હસન ખાતે ગયા હતાં. ત્યારે અભિષેક સાથે ત્યાંથી ફોનમાં વાત થતાં તેણે કહેલુ કે તમારો આદુનો માલ મેં બારોબાર વેંચી નાંખ્યો છે અને તમારા ૨૧ લાખ તમને ૧૦/૮/૨૫ના રોજ આપી દઇશ. આથી અમે હસન ખાતે શ્રી સિધ્ધી વિનાયક ટ્રેડર્સ ખાતે ગયા હતાં. તેના માલિક દિપકભાઇએ બિલ્ટી અને કાટા ચીઠ્ઠી માંગી હતી. પરંતુ અભિષેકે અમને આપી નહોતી. હવે અભિષેક અમને ૨૧ લાખ આપતો ન હોઇ ફરિયાદ કરી હતી. તેમ વધુમાં ફેનીલભાઇએ કહેતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્સ. કીશનભાઇ અજાગીયાએ ગુનો નોંધતા તપાસ શરૂ થઇ છે.
(3:16 PM IST)










