News of Tuesday, 11th November 2025
કનેસરામાં રિસામણે બેઠેલી રાજકોટની વિલાશબેન પર પતિ, દિકરી સહિતનો હુમલોઃ પગ ભાંગી નાંખ્યા
કોઠારીયા રણુજા મંદિર પાછળ શ્યામ પાર્કમાં રહેતાં પતિ રમેશ કુકડીયા, દિકરી હિરલ, બહેન ભારતી અને જમાઇ હરેશે રાતે ઘરમાં ઘુસી જઇ પાઇપના ઘા ફટકાર્યાઃ મહિલા રાજકોટ સારવાર હેઠળ : ચારિત્ર્ય પર શંકા કુશંકા થતી હોઇ વિલાશબેન નવ મહિનાથી માવતરે છેઃ રાજકોટથી કનેસરા પહોંચી રાતે બે વાગ્યે ઘરમાં ઘુસી તૂટી પડયાઃ ભાડલા પોલીસે ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૧: રાજકોટના કોઠારીયા વિસ્તારમાં સાસરૂ ધરાવતી અને હાલ નવેક મહિનાથી જસદણ તાલુકાના કનેસરા ગામે રિસામણે રહેલી મહિલા સાથે પારિવારિક સંબંધોમાં વિશ્વાસના ભંગનો અને હિંસાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ચારિત્ર્ય પર શંકા રાખીને તેણી પર તેના પતિ, દીકરી, જમાઈ અને બહેન સહિત ચાર વ્યક્તિઓએ રાજકોટથી કનેસરા પહોંચી રાત્રીના સમયે ઘરમાં ઘુસી જઇ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં મહિલાના બંને પગમાં ફ્રેક્ચર થઇ જતાં સારવાર હેઠળ છે.
જાણવા મળ્ય મુજબ આ બનાવમાં ભાડલા પોલીસે હાલ જસદણના કનેસરા ગામે રહેતી વિલાશબેન રમેશભાઈ કુકડીયા (ઉં.વ.૪૫)ની ફરિયાદ પરથી રાજકોટ કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ શ્યામ પાર્કમાં રહેતાં મુળ જસદણના દહીંસરાના વતની તેણીના પતિ રમેશ ભલાભાઇ કુકડીયા-કોળી, તેણીના જમાઇ બાબરાના વાંકીયાના હરેશ સીદાભાઇ શીયાળ, બહેન ભારતી હરેશભાઇ શીયાળ અને દિકરી નાની લાખાવડ ગામે રહેતી હીરલ કેતનભાઇ સરીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. તેણીએ જણાવ્યું છે કે પતિ રમેશભાઈ દ્વારા ચારિત્ર્ય બાબતે વારંવાર શંકા-કુશંકા કરવામાં આવતી હોવાથી તેઓ છેલ્લા નવ મહિનાથી પોતાના માવતર સાથે કનેસરા ખાતે રહે છે. તેણીને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.
ફરિયાદ મુજબ તા. ૧૦ના વહેલી સવારે બે વાગ્યાના અરસામાં વિલાશબેન તેમના માતા સાથે ઘરમાં સૂતા હતા, ત્યારે તેમના પતિ રમેશભાઈ ભલાભાઈ કુકડીયા, દીકરી હીરલબેન, બહેન ભારતીબેન અને જમાઈ હરેશભાઈ શિયાળ એકસાથે તેમના ઘરે ધસી આવ્યા હતા.
પતિ રમેશભાઈ અને જમાઈ હરેશભાઈના હાથમાં લોખંડના પાઇપ હતા. પતિએ આવતાવેંત જ અપશબ્દો બોલી ‘તારે હવે સુધરવાનું છે કે નહીં?' તેમ કહી હુમલો કર્યો હતો. આ દરમિયાન, પતિ રમેશે વિલાશબેનને જમણા પગે તથા જમાઈ હરેશે ડાબા પગે લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. તેમની દીકરી હીરલબેન અને બહેન ભારતીબેને શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો.
હુમલાને કારણે વિલાશબેનની રાડા-રાડથી તેમના માતા જાગી જતાં હુમલાખોરો સ્થળ પરથી હથિયારો સાથે નાસી છૂટયા હતા. પડોશીઓએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરીને તાત્કાલિક સારવાર માટે તેમને જસદણ સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ હુમલામાં વિલાશબેનના બંને પગ ભાંગી ગયા હોવાનું નિદાન થયું હતું.
પોલીસેવિલાશબેનની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫ (૨), ૧૧૭ (૨), ૩૫૨, ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કર્યો છે. વધુ તપાસ હેડકોન્સ. એમ.એન. જાંબુકીયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. (૧૪.૫)
(10:55 AM IST)










