News of Tuesday, 11th November 2025
રાજકોટના બે સોની વેપારીના ૨૭.૨૭ લાખના દાગીના ઉસેડી ભાગી ગયેલો મનોજ રાજસ્થાનથી ઝડપાયો
ઠગાઇ કરી હોટલ ચાલુ કરી દીધી હતીઃ ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, શક્તિસિંહ ગોહિલ, હમેન્દ્રભાઇ, પ્રકાશભાઇની કામગીરીઃ એ-ડિવીઝન પોલીસને સોંપાયો

રાજકોટ તા. ૧૧: શહેરના ભક્તિનગર સોસાયટી મેઇન રોડ પર રહેતાં અને પેલેસ રોડ પર શિવા મહારાજ શેરીમાં શ્રીપ્રભુકૃપા જ્વેલર્સ નામે વેપાર કરતાં નિખીલભાઇ રાજેન્દ્રભાઇ રાણપરાની દૂકાનેથી તેમજ અન્ય વેપારી નિલેષભાઇ હિમતભાઇ કાતરોડીયાની દૂકાનેથી વર્ષ ૨૦૨૪માં મુળ રાજસ્થાનનો અને જે તે વખતે પ્રહલાદ પ્લોટમાં રહેતો મનોજકુમાર મોહનલાલ શર્મા રૂા. ૨૭,૨૭,૦૦૦ની કિંમતના ૨૨ કેરેટના સોનાના દાગીનામાં જડતર કામ કરવા માટે લઇ ગયા બાદ આ દાગીના લઇને ભાગી ગયો હતો. આ શખ્સને એલસીબી ઝોન-૧ ટીમે રાજસ્થાનથી પકડી લીધો છે. આ શખ્સ દાગીના ઉસેડી ભાગી ગયા બાદ રાજસ્થાનમાં કિશનગઢ અજમેર હાઇવે પર હોટલ ચાલુ કરીને બેસી ગયો હતો.
વેપારી નિખલભાઇ રાણપરાની દૂકાનેથી મનોજ શર્મા જે દસેક વર્ષથી સોનાના દાગીના લઇ જતો હતો અને તેમાં જડતર કામ કરી પરત આપી જતો હતો. છેલ્લે તા. ૨૦/૨/૨૪ના રોજ તે સોનાના દાગીના જડતર કામ માટે લઇ ગયો હતો. પરંતુ સમયસર દાગીના પરત આપવા ન આવતાં વેપારીએ ફોન કરતાં બે દિવસમાં આપી જશે તેમ કહ્યું હતું. બાદમાં ૨૨/૨/૨૪ના વેપારીએ ફોન જોડતાં તેનો ફોન બંધ આવતો હતો. તપાસ કરતાં ખબર પડી હતી કે મનોજ બીજા એક વેપારી નિલેષભાઇ કાતરોડીયાના દાગીના પણ લઇ ગયો છે. આમ બંને વેપારીના મળી કુલ ૨૭,૨૭,૦૦૦ના ૪૬૦ ગ્રામ સોનાના દાગીના સાથે તે ગાયબ થઇ જતાં એ-ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ થયો હતો.
આ ગુનામાં ફરાર મનોજરાજસ્થાનના લુણવા જીલ્લાના કોટ કા બાસ ગામે રહેતો હોવાની વિગતો જે તે વખતે મળી હતી. પરંતુ પોલીસ તપાસ કરવા ગઇ ત્યારે મળ્યો નહોતો. દરમિયાન આ શખ્સ હાલમાં રાજસ્થાનમાં લુણાવાના કિશનગઢ પાસે અજમેર હાઇવે પર હોટેલ ચલાવતો હોવાની અને ત્યાં જ રહેતો હોવાની બાતમી મળતાં એલસીબી ઝોન-૧ ટીમ ત્યાં પહોંચી હતી અને તેને દબોચી લીધો હતો. લાખોના દાગીના ઉસેડી ભાગ્યા બાદ તે હોટેલ ખોલીસને ધંધો કરવા માંડયો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. પ્રકાશભાઇ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.
(3:39 PM IST)










