News of Friday, 14th November 2025
૯ હજાર માટે મામાના દિકરાએ લાફા મારી ધમકી આપતાં કિરીટભાઇ જાદવે આપઘાત કર્યો હતો
આજીડેમ ચોકડી ભારતનગરમાં ગયા મહિને બનેલી ઘટનામાં વિગતો બહાર આવી : આજીડેમ પોલીસે પત્નિ પૂજાબેન જાદવની ફરિયાદ પરથી અશોક ગોહેલ વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૪: આજીડેમ ચોકડી નજીક રહેતાં યુવાને ગયા મહિને એસિડ પી આપઘાત કરી લીધાના બનાવમાં ૯ હજારની લેતીદેતી મામલે તેના મામાના દિકરાએ લાફા મારી અપમાનીત કરી ધમકી આપતાં તે મરી જવા મજબૂર થયાનું ખુલ્યું છે. આ બનાવમાં આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી નજીક ભારતનગર-૯માં રહેતાં મુળ કોટડાસાંગાણીના દેવળીયા ગામે રહેતાં પૂજાબેન કિરીટભાઇ જાદવ (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી અજય છગનભાઇ ગોહેલ વિરૂધ્ધ પૂજાબેનના પતિને પૈસા મામલે લાફા મારી ત્રાસ આપી ધમકી આપી મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે. મૃતક કિરીટભાઇ અને આરોપી અજય મામા-ફઇના ભાઇઓ થાય છે.
પૂજાબેન દેવળીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિ કિરીટભાઈ શંભુભાઈ જાદવ (મૂળ રહે. દેવળીયા ગામ) અને તેમના મામાના દીકરા અજયભાઈ છગનભાઈ ગોહેલ વચ્ચે રૂ. ૯,૦૦૦ની લોનના હપ્તાની રકમની લેતીદેતી હતી. આશરે એક વર્ષ પહેલા કિરીટભાઈએ તેમના સગાભાઈના નામે માધવ મંડળીઁમાંથી રૂ. ૧,૦૦,૦૦૦ ની લોન લીધી હતી, જેમાંથી ૫૦,૦૦૦ રૂપિયા અજયભાઈને આપ્યા હતા. તેનો માસિક હપ્તો ૬,૦૦૦ રૂપિયા હતો, જેમાં બંનેએ ૩-૩ હજાર રૂપિયા ભરવાના નક્કી કરાયા હતા. પણ કિરીટભાઈની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ તેમના ભાગના ત્રણ હપ્તાના કુલ રૂ. ૯,૦૦૦ ભરી શકયા નહોતા, જે અજયભાઈએ ભર્યા હતા અને તેની સતત ઉઘરાણી કરતા હતા.
પૂજાબેને વધુમાં જણાવ્યું છે કે તારીખ ૨૦/૧૦/૨૦૨૫ ના રોજ સાંજે ૬ વાગ્યાની આસપાસ અજયભાઈએ મારા પતિ કિરીટભાઈને ફોન કર્યો અને ત્યારબાદ મોટરસાયકલ લઈને તેમના ઘરે આવ્યા. તેણે મારા પતિ પાસેથી ૯,૦૦૦ રૂપિયા તાત્કાલિક માંગ્યા હતા. મારા પતિએ થોડા સમયમાં પૈસા આપી દેવાનું કહ્યું હતું.
ત્યારબાદ અજયભાઈ મારા પતિને મોટરસાયકલ પર બેસાડીને બહાર લઈ આજીડેમ પાસે શક્તિ હોટેલ નજીક લઈ ગયા હતા. ત્યાં અજયભાઈએ લોનના પૈસા બાબતે ઉગ્ર બોલાચાલી કરી જેમ-ફાવે તેમ બોલવા લાગેલ અને ગુસ્સે થઈને મારા પતિને એક-બે લાફા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ અપમાન અને ત્રાસથી વ્યથિત થઈને મારા પતિ કિરીટભાઈ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા હતા અને ચિંતામાં હોય તેવું લાગતું હતું. તેને અજયભાઇ જ મુકવા આવ્યો હતો. ઘરે આવીને તેમણે બાથરૂમમાં રાખેલ એસિડની બોટલમાંથી એસિડ પી લીધું હતું. ઉલ્ટીઓ થતાં મેં પૃછા કરતાં તેણે આ હકીકત જણાવી હતી. આજુબાજુ માણસો ભેગા થતાં જ આરોપી અજયભાઈ ગોહેલ ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં પાડોશી શૈલેશભાઈ જાદવ દ્વારા ૧૦૮માં ફોન કરીને મારા પતિ કિરીટભાઇને તાત્કાલિક રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મળત જાહેર કર્યા હતા. પૂજાબેને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે અજયભાઈના અવાર-નવારના ફોન અને રૂબરૂ પૈસાની માંગણીના કારણે તેમજ માનસિક-શારીરિક ત્રાસને કારણે તેમના પતિએ ડરીને આત્મહત્યાનું પગલું ભર્યું હતું. પતિની અંતિમવિધિ અને પરિવાર શોકમાં હોવાથી ફરિયાદ નોંધાખ્વવામાં વિલંબ થયો હતો. આખરે પૂજાબેને હવે પોલીસને જાણ કરતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં એએસઆઇ જે. કે. કુરીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(3:55 PM IST)










