<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

કુટુંબી ભત્રીજા સાથે આંખ મળી જતાં ઘર છોડી ગયેલી પત્‍નિને ગોળી ધરબી દીધી-હાલત ગંભીરઃ પતિનો ફાયરીંગ કરી આપઘાત : જુઓ વિડીયો

જામનગર રોડ નાગેશ્વરમાં ખળભળાટ મચાવતી ઘટનાઃ આડાસંબંધનો લોહીયાળ અંજામ : નાગેશ્વર ભવાની ચોક જૈન મંદિર સામે તિર્થ એપાર્ટમેન્‍ટમાં રહેતાં તૃષાબેન પતિ લાલજીભાઇ પઢીયાર સાથે ચાલતી માથાકુટને લીધે દોઢેક મહિનાથી તેને છોડી સામેના સમેત શિખર એપાર્ટમેન્‍ટમાં બહેનપણી પૂજાબેન સાથે રહેવા જતાં રહ્યા હતાં: સવારે તૃષાબેન અને પૂજાબેન જીમમાંથી આવ્‍યા ત્‍યારે સમેત શીખરના પાર્કિંગમાં પતિ લાલજી પઢીયારે આવી હાથાપાઇ કરી પછી પત્‍નિ પર બે ફાયરીંગ કર્યાઃ બાદ પોતાના ઉપર ભડાકો કર્યોઃ તેનું ઘટના સ્‍થળે જ મોતઃ પત્‍નિ તૃષાબેનની હાલત ગંભીરઃ સારવાર હેઠળ : પત્‍નિ તૃષાને મનાવવા લાલજીભાઇએ ખુબ પ્રયાસ કર્યા હતાં પણ તે પરત આવતી નહોતીઃ ઘરમાંથી દાગીના, દસ્‍તાવેજ લઇને બહેનપણીને ત્‍યાં જતી રહી હતી : ચોથી ઓક્‍ટોબરે તૃષા કુટુંબી ભત્રીજા વિશાલ સાથે લવગાર્ડનમાં બેઠી હોઇ પતિએ રંગેહાથ પકડી લીધી ત્‍યારથી માથાકુટ ચાલુ થઇ હતી : કાકી સાથે પ્રેમસંબંધ બાંધનારો વિશાલ ગોહેલ પોતે પરણેલો અને એક સંતાનનો પિતા છેઃ તેના પિતા મહેશભાઇ લાલજીભાઇના ફઇના દિકરા થાય : પત્‍નિ તૃષાબેનને સામા કાંઠાના વિશાલ નામના કુટુંબી સગા સાથે આડાસંબંધ હોવાથી પતિ લાલજીભાઇ પઢીયારે ખૂની ખેલ ખેલ્‍યાની પ્રાથમિક વિગતો ખુલીઃ પીઆઇ એસ.આર. મેઘાણી

આડાસંબંધનો કરૂણ અંતઃ જામનગર રોડ નાગેશ્વરમાં તિર્થ એપાર્ટમેન્‍ટમાં રહેતાં તૃષાબેન પઢીયાર (ઉ.વ.૩૯)ને તેણી સામેના સમેત શીખર એપાર્ટમેન્‍ટમાં બહેનપણી પૂજાબેન સાથે પાર્કિંગમાં હતાં ત્‍યારે પતિ લાલજીભાઇ રમેશભાઇ પઢીયારે આવી ફાયરીંગ કરતાં તેણીને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયેલ. તસ્‍વીરમાં લાલજીભાઇનો નિષ્‍પ્રાણ દેહ, લોહીલુહાણ હાલતમાં તેના પત્‍નિ તૃષા અને ઘટના સ્‍થળ, ફૂટેલા કાર્ટીસ, તપાસાર્થે પહોંચેલા એસીપી રાધીકા ભારાઇ, પીઆઇ એસ. આર. મેઘાણી, એફએસએલનો સ્‍ટાફ, જેમાંથી ફાયરીંગ થયા તે લાલજીભાઇની પરવાનાવાળી પિસ્‍તોલનું પરિક્ષણ કરી રહેલા અધિકારી, લાલજીભાઇના ભાઇ, બહેન, માતા, પિતા સહિતના પરિવારજનો વિાલપ કરતાં અને તમેને સાંત્‍વના આપી રહેલા પીઆઇ એસ. આર. મેઘાણી તથા ઇન્‍સેટમાં લાલજીભાઇ રમશેભાઇ પઢીયાર તથા તેના પત્‍નિ તૃષા પઢીયારનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) 

 

રાજકોટ તા. ૧૫:આડા સંબંધનો વધુ એક કરૂણ અંજામ આવ્‍યો છે. શહેરના જામનગર રોડ નાગેશ્વરમાં ખળભળાટ મચાવતી ઘટના બની છે. જેમાં  નાગેશ્વર ભવાની ચોક તિર્થ એપાર્ટમેન્‍ટમાં રહેતાં ૩૯ વર્ષિય મહિલાની કુટુંબી ભત્રીજા સાથે આંખ મળી ગઇ હોઇ દોઢેક મહિના પહેલા તે પતિને છોડીને સામેના સમેત શીખર એપાર્ટમેન્‍ટમાં બહેનપણી સાથે રહેવા જતી રહી હતી. વારંવાર સમજાવવા છતાં તેણી પરત ઘરે આવતી ન હોઇ રોષે ભરાયેલા પતિએ આજે સવારે પત્‍નિ અને તેણીની બહેનપણી જીમમાંથી પરત આવ્‍યા અને સમેત શીખર એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં હતાં ત્‍યારે પતિએ ધસી આવી ફાયરીંગ કરી દેતાં તેણીને મારી નાખવાનો પ્રયાસ કરી બાદમાં પતિએ પોતાના લમણામાં ગોળી ધરબી આપઘાત કરી લીધો હતો. સારવાર હેઠળ રહેલી પત્‍નિની હાલત ગંભીર ગણવાઇ રહી છે.

ખળભળાટ મચાવતી આ ઘટનાની વધુમાં જાણવા મળેલી વિગતો મુજબ જામનગર રોડ પર નાગેશ્વર ભવાની ચોક જૈન મંદિર સામે આવેલા તિર્થ એપાર્ટમેન્‍ટમાં રહેતાં તૃષાબેન લાલજીભાઇ પઢીયાર-રજપૂત (ઉ.વ.૩૯) નામના મહિલા સવારે પોતાના એપાર્ટમેન્‍ટની સામેના ભાગે આવેલા સમેત શીખર એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં પોતાના બહેનપણી પૂજાબેનની સાથે હતાં ત્‍યારે તૃષાબેનના પતિ લાલજીભાઇ રમેશભાઇ પઢીયાર (ઉ.વ.૪૨) ત્‍યાં આવ્‍યા હતાં અને ઝઘડો કરી તૃષાબેન ઉપર બે ફાયરીંગ કરી દેતાં તૃષાબેનને ગળા પર ગોળી ઘુસી જતાં લોહીલુહાણ થઇ ઢળી પડયા હતાં. આ પછી લાલજીભાઇ પઢીયારે પોતાના ઉપર જાતે ફાયરીંગ કરી લીધુ હતું. આ કારણે તે પણ ઢળી પડયા હતાં.

સમગ્ર ઘટના પૂજાબેનની નજર સામે બની હતી. તેણે તુરત લાલજીભાઇના દિકરા ઓમ પઢીયાર સહિતને જાણ કરી હતી અને પોલીસને જાણ કરી હતી. ૧૦૮ને જાણ થતાં ઇએમટી અને પાઇલોટ પણ પહોંચી ગયા હતાં. જો કે લાલજીભાઇને તબિબે ઘટના સ્‍થળે મૃત જાહેર કર્યા હતાં અને તૃષાબેનની હાલત ગંભીર હોઇ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, રવિભાઇ સહિતે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીઆઇ એસ. આર. મેઘાણી, રાઇટર હંસરાજભાઇ સહિતનો સ્‍ટાફ પહોંચ્‍યો હતો.

ગંભીર ઘટનાને પગલે ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇ સહિતના અધિકારીઓ પણ પહોંચી ગયા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ હત્‍યાનો ભોગ બનેલા તૃષાબેનના લગ્ન અઢાર વર્ષ પહેલા થયા હતાં. તેને સંતાનમાં એક દિકરો છે તેનું નામ ઓમ છે. તૃષાબેનના બહેનપણી પૂજાબેન સોનીએ કહ્યું હતું કે તૃષાબેનને તેમના પતિ લાલજીભાઇ પઢીયાર સાથે છુટાછેડા બાબતે માથાકુટ ચાલતી હતી. તૃષાબેનને છુટાછેડા લેવા હતાં આ કારણે બંને વચ્‍ચે કલેશ હોઇ આ કારણે તૃષાબેન દોઢેક મહિના પહેલા પતિનું ઘર છોડી સમેત શીખર એપાર્ટમેન્‍ટમાં હું રહું છું ત્‍યાં મારી સાથે રહેવા આવી ગયા હતાં.

આજે સવારે હું અને તૃષાબેન જીમમાંથી પરત આવ્‍યા હતાં અને મારા સમેત શીખર એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં હતાં ત્‍યારે સામેના તિર્થ એપાર્ટમેન્‍ટમાંથી તૃષાબેનના પતિ લાલજીભાઇ પઢીયાર આવ્‍યા હતાં અને તૃષાબેન સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. એ પછી અચાનક તેણે પિસ્‍તોલ કાઢી તૃષાબેન ઉપર બે રાઉન્‍ડ ફાયરીંગ કરી દીધા હતા. જેના કારળે તૃષાબેનને ગળા પર ઇજા થતાં તે ઢળી પડયા હતાં. બીજી જ ક્ષણે લાલજીભાઇ પઢીયારે આ પિસ્‍તોલથી પોતાના ઉપર પણ ફાયરીંગ કરી લીધુ હતું અને તે પણ ઢળી પડયા હતાં. ૧૦૮ને જાણ કરાતાં તેના ડોક્‍ટરે લાલજીભાઇને ઘટના સ્‍થળે મૃત જાહેર કર્યા હતાં. તૃષાબેનની હાલત ગંભીર હોઇ અમે તેને ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલે લાવ્‍યા હતાં. અહિ તૃષાબેનને દાખલ કરાયા છે.

દરમિયાન આ ઘટના બારામાં ફાયરીંગ કરનારા લાલજીભાઇ પઢીયારના મોટા ભાઇ અરવિંદભાઇ પઢીયાર, મોટા બહેન સહિતના કુટુંબીઓએ કહ્યું હતું કે-તૃષાબેનને લાલજીભાઇના ફઇના દિરાના દિકરા એટલે કે કુટુંબી ભત્રીજા વિશાલ મહેશભાઇ ગોહેલ સાથે પ્રેમસંબંધ હતો. વિશાલ સામા કાંઠે  રહે છે. ગત તા. ૪/૧૦ના રોજ તૃષાબેન (કાકી) અને વિશાલ (ભત્રીજો) બંને લવગાર્ડમાં બેઠા હોઇ ત્‍યાં બંનેને લાલજીભાઇએ રંગેહાથ પકડી લીધા હતાં. એ પછી માથાકુટ થઇ હતી. જે તે વખતે તૃષાબેન અને વિશાલે અરજી કરતાં પોલીસે લાલજીભાઇ સામે અટકાયતી પગલા લીધા હતાં. બાદમાં તૃષાબેન ઘરમાંથી દસ્‍તાવેજ, દાગીના, અગત્‍યના કાગળો વગેરે લઇને સામેના સમેત શીખર એપાર્ટમેન્‍ટમાં સાતમા માળે રહેતી બહેનપણી પૂજાને ત્‍યાં રહેવા જતી રહી હતી.

અઢાર વર્ષના દિકરાને મુકીને તે જતી રહી હોઇ લાલજીભાઇએ દિકરાને ખાતર પત્‍નિ તૃષાની ભુલને માફ કરી દેવા તૈયારી બતાવી હતી તેમજ અલગથી ઘર લઇ દેવાની તૈયારી પણ બતાવી હતી. અવાર-નવાર લાલજીભાઇએ પત્‍નિ તૃષાને મનાવવા અને પરત ઘરે આવી જવા કહેતાં હતાં. પરંતુ તેણી આવવા તૈયાર નહોતી. આ કારણે લાલજીભાઇ ઉશ્‍કેરાઇ ગયા હતાં અને આજે સવારે તૃષા અને તેની બહેનપણી પૂજા જીમમાંથી આવ્‍યા ત્‍યારે સમેત શીખરના પાર્કિંગમાં બંનેને જોઇ લાલજીભાઇ ફરીથી ત્‍યાં ગયા હતાં. બોલાચાલી બાદ તેણે ફાયરીંગ કર્યા હતાં. ચારેક રાઉન્‍ડ ફાયરીંગમાં તેના પત્‍નિ તૃષાને ગળામાં ગોળી લાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. જ્‍યારે લાલજીભાઇએ પોતે પણ લમણે ભડાકો કરતાં તેનું ઘટના સ્‍થળે જ મૃત્‍યુ થયું હતું. આ વિગતો લાલજીભાઇના મોટાભાઇ અરવિંદભાઇ પઢીયારે જણાવી હતી.

ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીએ પણ પ્રાથમિક વિગતો આપતાં કહ્યું હતું કે તૃષાબેનને અફેર હોવાને કારણે આ ઘટના બની છે. હાલ વધુ તપાસ ચાલુ છે. એસીપી રાધીકા બારાઇએ પારિવારીક પ્રશ્નોને કારણે આ ઘટના બન્‍યાનું અને વિશેષ તપાસ ચાલુ હોવાનું કહ્યું હતું. 

પત્‍નિ પર ભડાકા કરી આપઘાત કરનારા લાલજીભાઇ પઢીયાર બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં

૧૮ વર્ષનો દિકરો ઓમ કોલેજમાં ભણે છેઃ પોતે ઓટો પાર્ટસની દૂકાન ચલાવતા હતાં: ઘટના સ્‍થળેથી ફુટેલા કાર્ટીસ મળ્‍યા

પત્‍નિ તૃષાબેન પર ફાયરીંગ કરી પોતાના ઉપર પણ ભડાકો કરી લઇ આપઘાત કરનારા લાલજીભાઇ રમેશભાઇ પઢીયાર બે ભાઇ અને એક બહેનમા નાના હતાં અને   છુટક કામ કરતાં હતાં. ઘટના સ્‍થળેથી ફુટેલા ચાર જેટલા કાર્ટીસ મળ્‍યા છે. લાલજીભાઇ પાસે જે હથીયાર છે તે પરવાનાવાળુ છે. લાલજીભાઇને સંતાનમાં એક દિકરો ઓમ છે જે ૧૮ વર્ષનો છે અને કોલેજમાં ભણે છે. લાલજીભાઇ પોતે ગોંડલ રોડ પર ઓમ ઓટો નામે ટ્રેકટરના પાર્ટસનો વેપાર કરતાં હતાં. લાલજીભાઇએ પોતાની પિસ્‍તોલમાંથી ચારેક રાઉન્‍ડ ફાયરીંગ કર્યા હતાં. ઘટના સ્‍થળેથી પોલીસને પરવાનાવાળુ હથીયાર અને ફુટેલા કાર્ટીસ મળતાં તે કબ્‍જે કર્યા છે. આ બનાવમાં મૃતક લાલજીભાઇના મોટા ભાઇની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરવા તજવીજ કરી છે. 

(3:22 PM IST)