<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

નાયબ કાર્યપાલક ઇજનેર પિયુષ બાંભરોલીયા સહિત ત્રણ આરોપીઓની જામીન અરજીને સેસન્‍સ કોર્ટે ફગાવી દીધી

રણુજાના મેળામાં ૫૦હજારની લાંચ લઇને યાંત્રિક ચકડોળનું ફીટનેશ સર્ટીફીકેટ કાઢી આપવાના કેસમાં : વર્ગ-૧ના અધિકારી પ્રજાના જાનની ચિંતા કર્યા વગર ફીટનેશ સર્ટી આપી દયે ત્‍યારે ગુનાની ગંભીરતા વધી જાય છેઃ સરકારી વકીલની દલીલો સ્‍વીકારી જામીન અરજી રદ

રાજકોટ તા.૧૫: કાલાવડ તાલુકાના રણુજા ગામે થયેલ લોકમેળા દરમ્‍યાન યાંત્રિક ચકડોળોના ફીટનેશ સર્ટીફીકેટ કાઢી આપવાના અવેજ પેટે રૂા. ૧,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરનાર કાર્યપાલક ઈજનેર પિયુષ બાંભરોલીયા, ઉ.વ.૩૯ મદદગારી કરનાર નાયબ કાર્યપાલક ઈજનેર નિરવ રાઠોડ, ઉ.વ.૩૫ તથા તેઓ વતી લાંચ સ્‍વીકારનાર પ્રજાજન સુધીર બાવીસી, ઉ.વ.૫૦ ની રૂા.૫૦,૦૦૦ની લાંચ સ્‍વીકારવા બદલ થયેલ કેસમાં અધિક સેશન્‍સ જજ શ્રી વી.એ.રાણાએ જામીન અરજીઓ રદ કરેલ છે.

આ કેસની હકિકત એવા ઙ્કકારની છે કે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે આયોજવામાં આવેલ લોકમેળામાં યાંત્રિક ચકડોળો માટે ફીટનેશ સર્ટીફિકેટ મેળવવુ જરૂરી હતું. આ ફીટનેશ સર્ટીફીકેટ આપવા માટે કાર્યપાલક ઈજનેર પિયુષ બાંભરોળીયા અને નાયબ કાર્યપાલક ઈજનેર નિરવ રાઠોડ નાઓની જવાબદારી હતી. લોકમેળાના સ્‍ટોલ ધારકો વતી ફરીયાદી હારૂનશા હુસેનશા કુરેશીએ આરોપી પિયુષ બાંભરોળીયાને સંપર્ક કરી બધા યાંત્રિક ચકડોળો માટે ફીટનેશ સર્ટીફીકેટ કાઢી આપવા જણાવેલ હતું. જવાબમાં આરોપી પિયુષ બાંભરોળીયાએ બધી ચકડોળો માટે ફીટનેશ સર્ટીફીકેટ કાઢી આપવા લાંચ પેટે રૂા. ૧,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ હતી. ફરીયાદીએ આટલી મોટી રકમ ભેગી થઈ શકે તેમ ન હોવાનુ જણાવી લોકમેળો પુરો થયા બાદ લાંચની રકમ આપવાનું જણાવેલ. લોકમેળો પુરો થઈ ગયા બાદ તમામ ચકડોળોના સંચાલકોને નુકશાની જતા ફરીયાદીએ આરોપી પિયુષ બાંભરોળીયાને વાત કરી રૂા.૫૦,૦૦૦સ્‍વીકારવા વિનંતી કરેલ હતી. આ બાબતે ચર્ચા કર્યા બાદ સહઆરોપી નિરવ રાઠોડે રૂા.૫૦,૦૦૦/- સ્‍વીકારવા સહમતી દર્શાવેલ અને આ રકમ તેમના સાગરીત એવા પ્રજાજન સુધીર બાવીસીને લાંચની રકમ આપી દેવા જણાવેલ. આ મુજબ ફરીયાદી જયારે આરોપી સુધીર બાવીસીને લાંચની રકમ આપવા ગયેલ ત્‍યારે તેઓ લાંચ સ્‍વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયેલા હતા.ત્રણેય આરોપીઓએ જામીન અરજી રજુ કરી જણાવેલ હતુ કે, લોકમેળો શરૂ થતા પહેલા ફીટનેશ સર્ટીફીકેટ અપાઈ ગયેલ છે અને ફરીયાદીને રણુજા ખાતે કોઈ યાંત્રિક ચકડોળ આવેલ નથી, કે ફરીયાદી રણુજા ખાતે ગયેલ નથી. આ ઉપરાંત જેમણે રકમ સ્‍વીકારી છે તે આરોપી નં. ૩ સરકારી નોકર નથી. તેથી આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ લાગુ પડતો નથી.

 શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, રૂા.૫૦,૦૦૦/- ની લાંચની રકમ સ્‍વીકાર્યા બાદ તુરંતજ આરોપી નં. ૩ સુધીર બાવીસીએ નાયબ કાર્યપાલક ઈજનેર નિરવ રાઠોડને ફોન કરી રકમ મળી ગયા અંગે જણાવેલ હતુ. આ ફોન-કોલ્‍સની વાતચીતોની સ્‍ક્રીપ્‍ટ રજુ થયેલ છે. આ વાર્તાલાપ સાબિત કરે છે કે સુધીર બાવીસીએ સ્‍વીકારેલ રકમ લાંચ પેટેની છે. વધુમાં તેમ રજુઆત કરવામાં આવેલ કે લાંચની રકમ આપવાનો વ્‍યવહાર ત્‍યારે જ થાય જયારે યાંત્રિક ચકડોળોનુ પરીક્ષણ કર્યા વિના તે અંગેનુ ફીટનેશ સર્ટીફિકેટ આપવામાં આવે. હાલના કિસ્‍સામાં લાખો રૂપિયાના પગાર મેળવનાર વર્ગ-૧ ના કાર્યપાલક ઈજનેર પ્રજાની જાન ઉપરના જોખમની કોઈ ચિંતા ફિકર કર્યા વિના યાંત્રિક ચકડોળો માટે ફીટનેશ સર્ટીફીકેટ આપી દે ત્‍યારે વર્ગ-૧ ના આવા બેદરકાર કર્મચારીના ગુન્‍હાની ગંભીરતા અનેક ગણી વધી જાય છે. સરકારે જયારે યાંત્રિક ચકડોળોની સધ્‍ધરતા માટે વર્ગ-૧ ના અધિકારીને નિયુકત કરેલ હોય ત્‍યારે સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના અનેક ગામોમાં યોજાતા લોકમેળામાં મુકાયેલ યાંત્રિક ચકડોળો માટે દરેક પ્રસંગે હાલના આરોપીઓ લાંચ મેળવતા હોવાનુ માનવાને કારણ છે. આ તમામ કારણોસર આ કેસના ત્રણેય આરોપીઓને જામીન ઉપર મુકત કરવા ન્‍યાયોચિત નથી. શ્રી સરકાર તરફેની આ દલીલોના અંતે અધિક સેશન્‍સ જજશ્રી વી.એ. રાણા ત્રણેય આરોપીઓની રેગ્‍યુલર જામીન અરજી રદ કરેલ છે. હાલના કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.

(2:10 PM IST)