તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Saturday, 15th November 2025
કૂવારાના કોડ પૂરા કરાવવાનો સમય હો...કાલથી લગ્નોત્સવની મોસમ
આજ મેરે યાર કી શાદી હૈ, મેરે દિલદાર કી શાદી હૈ, આજ મેરે યાર કી શાદી હૈ : ર૦રપના વર્ષમાં ૧૦ મંગલ મૂહુર્તઃ ર૦ર૬ના વર્ષમાં પ ફેબ્રુઆરીથી શુભારંભઃ વસંત પંચમીએ લગ્નનું મૂહુર્ત નથી

રાજકોટ તા. ૧પઃ વિક્રમ સવંતના નવા વર્ષમાં લગ્નોત્સવની મોસમે દ્વારે ટકોરા કર્યા છે. આવતીકાલ તા. ૧૬ નવેમ્બરથી લગ્નની મોસમ શરૂ થશે. ર૦રપના વર્ષમાં આવતીકાલથી તા. પ ડીસેમ્બર સુધીમાં લગ્નના ૧૦ મૂહુર્તો છે. ર૦ર૬ના વર્ષમાં તા. પ ફેબ્રુઆરીથી લગ્નના મંગલ મૂહુર્તો છે. ડીસેમ્બરમાં કમૂહુર્તા છે.
જાન્યુઆરીમાં લગ્નનું એકેય મૂહુર્ત નથી. ગુરૂ-શુક્રનો અસ્ત હોવાથી આ વખતે ર૩ જાન્યુઆરી વસંત પંચમીના દિવસે પણ લગ્નનું મૂહુર્ત નથી. સામાન્ય રીતે વસંત પંચમી લગ્ન માટે સર્વોત્તમ મૂહુર્ત ગણાય છે.
દિવાળી પછીની લગ્નોત્સવની પ્રથમ મોસમને અનુલક્ષીને બજારમાં ખરીદીનો માહોલ દેખાય છે. લગ્ન માટે વાડી, હોલ, પાર્ટી પ્લોટ, મંડપ સર્વીસ, ભૂદેવો, કેટરર્સ, બેન્ડ વાજા, ફોટા-વિડીયો શૂટીંગ, ગાડી, બેન્ડ વાજા, મીઠાઇવાળા, ફુલવાળા, લાઇટ સુશોભનવાળા, કપડા, બ્યુટી પાર્લર વગેરેના આગોતરા બુકીંગ થઇ ગયા છે. સોનાનો ભાવ આસમાને છતાં જરૂરી ખરીદી થઇ રહી છે. જે પરિવારમાં પ્રસંગ છે ત્યાં તડામાર તૈયારી થઇ રહી છે. તા. ૧૬ નવેમ્બરથી પ ડીસેમ્બર વચ્ચે લગ્નના ૧૦ શુભ મૂહુર્તો છે તેમાં ૩ મૂહુર્ત રવિવારના છે. ૬ ડીસેમ્બરથી ૪ ફેબ્રુઆરી સુધી શાસ્ત્રોની દૃષ્ટિએ શુભ મૂહુર્ત ન હોવાથી લગ્નોત્સવમાં બ્રેક રહેશે. સુપ્રસિધ્ધ શાસ્ત્રી શ્રી લલિતકુમાર એલ. ભટ્ટએ જણાવ્યા મુજબ ર૦રપના વર્ષના લગ્નના શુભ મૂહુર્તો નીચે મુજબ છે.
તારીખ વાર
તા. ૧૬ નવેમ્બર રવિવાર
તા. રર નવેમ્બર શનિવાર
તા. ર૩ નવેમ્બર રવિવાર
તા. ર૪ નવેમ્બર સોમવાર
તા. રપ નવેમ્બર મંગળવાર
તા. ર૬ નવેમ્બર બુધવાર
તા. ર૭ નવેમ્બર મંગળવાર
તા. ૩૦ નવેમ્બર રવિવાર
તા. ૦ર ડીસેમ્બર મંગળવાર
તા. ૦પ ડીસેમ્બર શુક્રવાર
(2:34 PM IST)










