તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 17th November 2025
પૂ.હર્ષાબાઈ મહાસતીજી કાળ ધર્મ પામ્યાં: કાલે રાજકોટમાં ગુણાનુવાદ
ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્ના : જામનગર ખાતે નિકળેલ પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં શ્રાવક- શ્રાવીકાઓ જોડાયા

રાજકોટ તા.૧૭: ગોંડલ સંપ્રદાયના જશ, ઝવેર, સમય, પ્રભા પરિવારના ૨૯ વર્ષના સંયમ પર્યાયધારી સાધ્વી રત્ના પૂ.હર્ષાબાઈ મહાસતીજી તા. ૧૫ ના રોજ અમદાવાદ વિરતીધર ખાતે ચાર શરણાના સ્વીકાર તથા નમસ્કાર મહા મંત્રના સ્મરણ સાથે સમાધિ ભાવે કાળ ધર્મ પામેલ છે.
ગોંડલના ધર્માનુરાગી જયવંતભાઈ રતિલાલ કોઠારી કે જેઓએ દાયકાઓ સુધી ગોંડલ સંઘ અને સંપ્રદાયની બેજોડ સેવા - વૈયાવચ્ચ કરેલ તેઓના ગળહાંગણે રત્નકુક્ષિણી માતુશ્રી સરોજબેનની કૂખે ૧૯/૩/૧૯૭૦ ના રોજ તેઓનો જન્મ થયેલ. હેમેન્દ્રભાઈ, પિયુષભાઈ તથા જિનેન્દ્રભાઈ ત્રણ ભાઈઓના એકના એક બહેન એટલે હર્ષાબેન. પ્રેમથી સૌ તેઓને બેના કહેતા.
ચેતનાબેન કોઠારીએ જણાવ્યું કે સરળ સ્વભાવી ગુરુણી મૈયા પૂ.દયાબાઈ મ.સ.ના પરિચયમાં આવ્યાં. ધર્મના રંગે રંગાયા, વૈરાગ્યના બીજ રોપાયા. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે ૪/૨/૧૯૯૬ ના પાવન દિવસે ગોંડલની ધન્ય ધરા ઉપર સૌરાષ્ટ્ર સિંહણ પૂ.ઈન્દુબાઈ મ.સ.એ તેઓને કરેમિ ભંતેનો પાઠ ભણાવ્યો અને હર્ષાબેન બન્યા પૂ.હર્ષાબાઈ મહાસતીજી.
ગુરુણી મૈયા પૂ.દયાબાઈ મ.સ.તથા રત્નાધિકો સાથે સૌરાષ્ટ્ર, જામનગર હાલારમાં વિચરણ કરી સ્વ - પરના કલ્યાણમાં તેઓ નિમિત્ત બન્યાં. છેલ્લા એક વર્ષથી કેન્સર ડિટેકટ થયું.. અસહ્ય વેદના વચ્ચે પણ ચિત્ત પ્રસન્નતા વર્તાય. વડીલ સાધ્વી રત્ના પૂ.કુંદનબાઈ મ.સ.એ અથાગ પરિશ્રમ લઈ શાતા - સમાધિ આપવામાં તેઓ નિમિત્ત બનતાં.
શાસન પ્રેમી પંકજભાઈ શાહ ના વિરતીધર ,અમદાવાદ ખાતે તેઓ બીરાજમાન હતા. વડીલ સાધ્વી રત્ના પૂ.કુંદનબાઈ મ.સ.તથા પૂ.વિશાખાબાઈ મ.સ.એ અગ્લાન ભાવે સેવા વૈયાવચ્ચ કરેલ.
શ્રાવિકા સેવાભાવી પૂજાબેન, પંકજભાઈ સહિત સમગ્ર શાહ પરિવારે અગ્લાન ભાવે અજોડ સેવા - વૈયાવચ્ચ કરી. તા.૧૫ના રાત્રે ચાર શરણા અને નમસ્કાર મહા મંત્રના સ્મરણ સાથે અમદાવાદ ખાતે સમાધિ ભાવે કાળ ધર્મ પામતાં ગોંડલ સંપ્રદાય તેમજ જિન શાસનને બહુ મોટી ખોટ પડેલ છે.
પૂ.શ્રીની પાલખીયાત્રા ગઇકાલે બપોરે ચાંદી બજાર સંઘ, જામનગર ખાતેથી જય જય નંદા, જય જય ભદ્રાના જયનાદ સાથે નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રાવક- શ્રાવીકાઓ જોડાયા હતા.
રાજકોટ ખાતે કાલે
ગુણાનુવાદ સભા
શ્રી વૈશાલીનગર માં જશ-પ્રેમ- ધીર સંકુલ માં પૂ.જશ-ઝવેર-સમય-પ્રભા પરિવારના પૂ.દયાબાઈ મ.સ. ના સુશિષ્યા સમતાભાવી બા.બ્ર.પૂ. હર્ષાબાઈ મહાસતીજીની ગુણાનુવાદ સભા ઝવેર પરિવારના જ્યેષ્ઠ સાધ્વી રત્ના પૂ.જ્યોતિબાઈ મ.સ. આદિ ઠાણાની નિશ્રામાં તા. ૧૮ને મંગળવારે સવારે ૯:૧૫ થી ૧૦:૩૦ કલાકે રાખેલ છે
(12:00 PM IST)










