<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

જામનગર રોડના નાગેશ્વરમાં પતિ લાલજીભાઇ પઢીયારના ફાયરીંગમાં ઘાયલ તૃષાબેનનું મોત

પત્‍નિના અન્‍ય સાથેના અફેરનો ખાર રાખી લાલજીભાઇએ પત્‍નિને ગોળી ધરબી પોતાના લમણે ભડાકો કરી આપઘાત કરી લીધો હતો : ગાંધીગ્રામ પોલીસે જેતપુર રહેતાં તૃષાબેનના ભાઇ જયભાઇ રાઠોડની ફરિયાદ પરથી બનેવી લાલજીભાઇ રમેશભાઇ પઢીયાર વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો હતોઃ હત્‍યાની કલમ ઉમરોઇઃ જયભાઇનો આક્ષેપ-મારા બહેનને નહિ, બનેવીને આડાસંબંધ હતાં અમે અંતિમવિધી બાદ પુરાવા આપશું : તૃષાબેનનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને ફાયરીંગ કરી આપઘાત કરી લેનારા તેના પતિ લાલજીભાઇ રમેશભાઇ પઢીયારનો ફાઇલ ફોટો : ઘટનાની આગલી રાતે જ જયભાઇએ રાજકોટ આવી બહેન-બનેવીને સામ-સામે બેસાડી સમાધાનની વાત કરાવી હતી પણ સમાધાન થઇ શક્‍યું નહોતું : મોડી રાત થઇ ગઇ હોઇ જયભાઇ રાઠોડ તિર્થ એપાર્ટમેન્‍ટમાં બનેવી લાલજીભાઇ પઢીયારના ના ઘરે જ રોકાઇ ગયા હતાં: સવારે પાંચ વાગ્‍યે તેણે બનેવીને કેમ જાગો છો? પુછતાં તેણે નિંદર આવતી નથી તેવું કહ્યું હતું: બાદમાં જયભાઇ નવ વાગ્‍યે જાગ્‍યા ત્‍યારે ફાયરીંગની ઘટના બની ગઇ હતી

રાજકોટ તા. ૧૫: શહેરના જામનગર રોડ નાગેશ્વરમાં ખળભળાટ મચાવતી ઘટના શનીવારે બની હતી. જેમાં  નાગેશ્વર ભવાની ચોક તિર્થ એપાર્ટમેન્‍ટમાં રહેતાં ૩૯ વર્ષિય તૃષાબેન પઢીયાર તેની સામેના સમેત શીખર એપાર્ટમેન્‍ટમાં બહેનપણી પૂજાબેન સાથે પાર્કિંગમાં હતાં ત્‍યારે પતિ લાલજીભાઇ રમેશભાઇ પઢીયારે ત્‍યાં જઈ ઝઘડો કરી પોતાની પરવાનાવાળી પિસ્‍તોલથી ફાયરીંગ કરી પત્‍નિ તૃષાબેનને ગોળી ધરબી દીધા બાદ પોતે પણ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. સારવાર દરમિયાન આજે વહેલી સવારે તૃષાબેનનું પણ મોત થયું છે. તૃષાબેનને કુટુંબી ભત્રીજા સાથે આડાસંબંધ હોવાને કારણે આ ખૂનીખેલ ખેલાયો હોવાનું લાલજીભાઇના મોટા ભાઇ સહિતના પરિવારજનોએ કહ્યું હતું. દરમિયાન બહેનના મૃત્‍યુને પગલે ભાઇ જયભાઇએ એવો આક્ષેપ કર્યો છે કે અમારા બહેન તૃષાબેનને નહિ પણ બનેવી લાલજીભાઇને આડાસબંધ હતાં. અમે અંતિમવિધી બાદ આ બાબતે પુરાવા પણ આપશું.

જામનગર રોડ પર નાગેશ્વર ભવાની ચોક જૈન મંદિર સામે આવેલા તિર્થ એપાર્ટમેન્‍ટમાં રહેતાં તૃષાબેન લાલજીભાઇ પઢીયાર-રજપૂત (ઉ.વ.૩૯) નામના મહિલા શનિવારે સવારે પોતાના એપાર્ટમેન્‍ટની સામેના ભાગે આવેલા સમેત શીખર એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં પોતાના બહેનપણી પૂજાબેનની સાથે હતાં ત્‍યારે તૃષાબેનના પતિ લાલજીભાઇ રમેશભાઇ પઢીયાર (ઉ.વ.૪૨) ત્‍યાં આવ્‍યા હતાં અને ઝઘડો કરી તૃષાબેન ઉપર બે ફાયરીંગ કરી દેતાં તૃષાબેનને ગળા પર ગોળી ઘુસી જતાં લોહીલુહાણ થઇ ઢળી પડયા હતાં. આ પછી લાલજીભાઇ પઢીયારે પોતાના ઉપર જાતે ફાયરીંગ કરી લીધુ હતું. આ કારણે તે પણ ઢળી પડયા હતાં. તેનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું.

જ્‍યારે તૃષાબેનને ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાંથી ખાનગી હોસ્‍પિટલમાં અને ફરી સિવિલમાં લાવવામાં આવ્‍યા હતાં. અહિ આજે વેહલી સવારે તૃષાબેનનું મૃત્‍યુ થતાં પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

ફાયરીંગ કરનારા લાલજીભાઇ પઢીયારના મોટા ભાઇ અરવિંદભાઇ પઢીયાર, મોટા બહેન સહિતના કુટુંબીઓએ કહ્યું હતું કે-તૃષાબેનને લાલજીભાઇના ફઇના દિરાના દિકરા એટલે કે કુટુંબી ભત્રીજા વિશાલ  સાથે પ્રેમસંબંધ હતો. વિશાલ સામા કાંઠે  રહે છે.  લાલજીભાઇને આની જાણ થતાં માથાકુટ થઇ હતી અને તૃષાબેન ઘરમાંથી દસ્‍તાવેજ, દાગીના, અગત્‍યના કાગળો વગેરે લઇને સામેના સમેત શીખર એપાર્ટમેન્‍ટમાં સાતમા માળે રહેતી બહેનપણી પૂજાને ત્‍યાં રહેવા જતી રહી હતી. અવાર-નવાર લાલજીભાઇએ પત્‍નિ તૃષાને મનાવવા અને પરત ઘરે આવી જવા કહેતાં હતાં. પરંતુ તેણી આવવા તૈયાર નહોતી. આ કારણે લાલજીભાઇ ઉશ્‍કેરાઇ ગયા હતાં અને આજે સવારે તૃષા અને તેની બહેનપણી પૂજા જીમમાંથી આવ્‍યા ત્‍યારે સમેત શીખરના પાર્કિંગમાં બંનેને જોઇ લાલજીભાઇ ફરીથી ત્‍યાં ગયા હતાં. બોલાચાલી બાદ તેણે ફાયરીંગ કર્યા હતાં. ચારેક રાઉન્‍ડ ફાયરીંગમાં તેના પત્‍નિ તૃષાને ગળામાં ગોળી લાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. જ્‍યારે લાલજીભાઇએ પોતે પણ લમણે ભડાકો કરતાં તેનું ઘટના સ્‍થળે જ મૃત્‍યુ થયું હતું.

આ બનાવમાં જે તે દિવસે ગાંધીગ્રામ પોલીસે તૃષાબેનના ભાઇ જીરવાજ પાર્ક આદીત્‍ય બંગલો નચીકેતા સ્‍કૂલ પાસે રહેતાં મુળ જેતપુર ખોડપરાના જયભાઇ મુકેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી તેના બનેવી લાલજીભાઇ રમેશભાઇ પઢીયાર વિરૂધ્‍ધ ફાયરીંગ કરી પત્‍નિ તૃષાબેનની હત્‍યાનો પ્રયાસ કરવાનો અને બાદમાં આત્‍મહત્‍યા કરી લેવાનો ગુનો નોંધ્‍યો હતો. જયભાઇ રાઠોડ મંગલમ લેબોરેટરીમાં નોકરી કરે છે. તેણે જણાવ્‍યું હતું કે મારે ત્રણ બહેનો છે જેમાં મોટા તૃષાબેન, ત્‍યારબાદ કાજલબેન અને ત્‍યારબાદ રીનાબેન છે. આ ત્રણેય પરિણીત છે. દોઢેક મહિના પહેલા મારા બહેન તૃષાબેન અને બનેવી લાલજીભાઇને મારી બહેનને અન્‍ય કોઇ વ્‍યક્‍તિ સાથે અફેર બાબતે ઝઘડો થયો હતો, ત્‍યારથી મારી બહેન તેના બહેનપણી પૂજાબેનની સાથે સમેત શીખર એપાર્ટમેન્‍ટમાં રહેવા જતી રહી હતી. મારા બનેવી અવારનવાર મને ફોન કરી તેના ઘરે બોલાવી મારા બહેનને સમજાવવા કહેતાં હતાં.

૧૪/૧૧ના સાંજે સાડા છએક વાગ્‍યે બનેવીનો ફોન આવતાં હું તેના ઘરે ગયો હતો. રાતે અગીયારેક વાગ્‍યે હું, મારો ભાણેજ ઓમ, બનેવી લાલજીભાઇ મારી બહેન સાથે વાત કરવા પૂજાબેનના ઘરે સમેત શીખરમાં ગયા હતાં. પણ બનેવી અને બહેને વાતચીત કર્યા પછી સમાધાન ન થતાં અમે પરત બનેવીના તિર્થ એપાર્ટમેન્‍ટમાં ગયા હતાં. હું રાતે ત્‍યાં જ સુઇ ગયો હતો. હું, બનેવી, ભાણેજ એક જ રૂમમાં સુતા હતાં. સવારે પાંચેક વાગ્‍યે હું પાણી પીવા જાગતાં બનેવી મોબાઇલમાં વ્‍યસ્‍ત હતાં. મેં તેમને કેમ જાગો છો? પુછતાં તેણે નિંદર આવતી નથી તેમ કહેલું. બાદ હું પાણી પી સુઇ ગયો હતો. સવારે નવેક વાગ્‍યે ખબર પડી હતી કે સમેત શિખરના પાર્કિંગમાં ઘટના બની છે અને મારા બહેન તૃષાબેનને મારા બનેવીએ પિસ્‍તોલથી ગોળી મારી પોતે પણ ગોળી ખાઇ લીધી છે. બનેવીનું ત્‍યાં  જ મોત થયું હતું. જ્‍યારે મારા બહેનને ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. મારા બનેવી લાલજીભાઇએ મારી બહેનના અન્‍ય કોઇ સાથેના અફેરનો ખાર રાખી ફાયરીંગ કર્યા હતાં. તેમ વધુમાં જયભાઇ રાઠોડે કહ્યું હતું.

પીઆઇ એસ. આર. મેઘાણી, રાઇટર હંસરાજભાઇ ઝાપડીયા સહિતે ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં ગુનો નોંધ્‍યો હતો. દરમિયાન આજે સવારે સારવારમાં તૃષાબેનનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકના ભાઇ જયભાઇએ જણાવ્‍યું હતું કે અમારા બહેનને નહિ પણ બનેવીને આડાસંબંધ હતાં. અમે અંતિમવિધી બાદ આના પુરાવા રજૂ કરશું. આ ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી દીધી છે.

(3:01 PM IST)