<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

રંગ ઉપવનના ગેઇટ પાસેથી ચોરાયેલી રિક્ષાનો ભેદ ખુલ્‍યોઃ ગાંધીગ્રામ પોલીસે વિજયને પકડયો

ડી. સ્‍ટાફની ટીમે બજરંગવાડીના શખ્‍સને પકડી લીધોઃ ફેરા કરવા માટે ઉઠાંતરી કરી હતી!: અગાઉ દારૂના બે ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૧૭: રૈયા રોડ હનુમાન મઢી પાછળ રંગઉપનવ સોસાયટીના ગેઇટ પાસેથી ત્રણ દિવસ પહેલા સીએનજી રિક્ષા ચોરાઇ ગઇ હતી. આ ચોરીનો ભેદ ગાંધીગ્રામ  પોલીસે ઉકેલી બજરંગવાડી સર્કલ પાસે શેરી નં. ૧૪માં કાંતાબેન બાવાજીના મકાનમાં ભાડેથી રહેતાં વિજય અશોકભાઇ બોઝ (ઉ.વ.૪૦)ને ઝડપી લઇ રૂા. ૪૫ હજારની  બજાજ સીએનજી રિક્ષા કબ્‍જે લીધી છે.

રૈયાધારમાં મચ્‍છુ ક્‍વાર્ટર સામે રહેતો વિજય મફાભાઇ ધધાણીયા નામનો ૩૦ વર્ષનો યુવાન ૧૨/૧૧ના રોજ પોતાની રિક્ષા જીજે૦૩એડબલ્‍યુ-૪૯૩૦ લઇને હનુમાન મઢી પાછળ છોટુનગર ઝૂપડપટ્ટી પાસે રહેતાં વેવાઇને ત્‍યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. તેણે રિક્ષા રંગ ઉપવન સોસાયટીના ગેઇટ પાસે પાર્ક કરી હતી. રાતે બેથી સવારના દસ સુધીમાં કોઇ આ રિક્ષા ચોરી ગયું હતું. દરમિયાન ગાંધીગ્રામ ડી. સ્‍ટાફના ભવદીપસિંહ ગોહિલ, રોહિતદાન ગઢવી, કોન્‍સ. મુકેશભાઇ સબાડ, જયદેવસિંહ પરમારે બાતમી પરથી વિજય બોઝને ચોરાઉ રિક્ષા સાથે પકડી લીધો હતો. આ શખ્‍સ વિરૂધ્‍ધ અગાઉ દારૂના બે ગુના નોંધાયા હતાં.

વિજયએ રિક્ષાના ભાડા કરવા હોઇ તે કારણે રિક્ષા ચોરી લીધાનું રટણ કર્યુ હતું. ડીસીપી રોકશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. જાડેજા, હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી, શબ્‍બીરખાન મલેક, રોહિતદાન ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, કોન્‍સ. મુકેશભાઇ સબાડ, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, જયદેવસિંહ પરમારે આ કામગીરી કરી હતી. 

(3:07 PM IST)