News of Wednesday, 19th November 2025
વાંકાનેરના મહિકામાં ત્રણ પિત્રાઇએ ઝેર પીધું
યશ બાંભણીયા તેના બે પિત્રાઇ કલ્પેશ અને વિશાલને રાજકોટ ખસેડાયાઃ વિશાલના પિતા વિનોદભાઇએ કહ્યું-પચાસ વર્ષથી અમે જે વાડી વાવીએ છીએ તે લીઝવાળાએ ખાલી કરવાનું કહી ધમકાવતાં ત્રણેય રીંગણીમાં છાંટવાની દવા પી ગયાઃ ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાયાઃ લીઝવાળા પખવાડીયાથી જમીન છોડી ભાગી જવાની ધમકી આપતાં હોવાનો પણ આક્ષેપ : વાડીએ સજોડે ઝેરી દવા પી લેનારા ત્રણ ભાઇઓ રાજકોટ સારવાર હેઠળ નજરે પડે છે

રાજકોટ તા. ૧૯: વાંકાનેર તાબેના મહિકા ગામે ત્રણ પિત્રાઇ ભાઇઓ પોતાની વાડીએ સજોડે ઝેરી દવા પી જતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પાંચ દાયકાથી આ ત્રણેય ભાઇઓના કુટુંબીઓ પેઢી દર પેઢી જે ખેતીની જમીન વાવે છે તે બાજુની જમીનમાં લીઝ રાખનારા શખ્સો ખાલી કરવાનું કહી સતત ધાકધમકી આપતાં હોઇ અને આજે માથાકુટ કરવા આવતાં ત્રણેયએ ગભરાઇને આ પગલુ ભર્યાનું જણાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ મહિકા ગામે રહેતો યશ હરિભાઇ બાંભણીયા (ઉ.વ.૨૦) અને તેના મોટા બાપુના બે દિકરા કલ્પેશ વિનોદભાઇ બાંભણીયા (ઉ.વ.૨૩) તથા વિશાલ વિનોદભાઇ બાંભણીયા (ઉ.વ.૨૦) ત્રણેય પોતાની મહિકા ગામની વાડીએ હતાં ત્યારે ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, પ્રતાપભાઇ, રવિભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
વિશાલ અને કલ્પેશના પિતા વિનોદભાઇ ધરમશીભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું કે અમે પચાસ વર્ષથી નદી કાંઠે આવેલી જમીન વાવીએ છીએ અને દર મહિને પંચાયતને તેની નિયમ મુજબની ફી ભરીએ છીએ. નદી કાંઠે રેતીની લીઝ જેને મળી છે એ શખ્સો એવુ કહે છે કે આ જમીન પણ તેને લીઝમાં મળી છે અને એટલે અમારે આ ખેતીની જમીન ખાલી કરવી પડશે. પંદરેક દિવસથી આ લોકો સતત અમને ધમકાવતાં હોઇ અને માથાકુટ કરતાં હોઇ આજે આ લોકોએ વાડીમાં આવી મારા દિકરાઓ વિશાલ, કલ્પેશ, ભત્રીજા યશ સાથે માથાકુટ કરી મારવા દોડતાં ત્રણેય ગભરાઇને ભાગ્યા હતાં અને એક સાથે રીંગણીમાં છાંટવાની દવા પી ગયા હતાં. દેકારો થતાં અમે વાડીમાં દૂર હોઇ આ ત્રણેય પાસે દોડી આવતાં માથાકુટ કરનારા ભાગી ગયા હતાં. ખરેખર શું કારણે આ બનાવ બન્યો? તેની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ કરશે.
(3:37 PM IST)










