News of Friday, 21st November 2025
ભાવ વધતા રાજકોટ યાર્ડ મગફળીની આવકોથી છલોછલ મગફળીની ર.૦૪ લાખ મણની વિક્રમજનક આવક
છેલ્લા ૧પ દિવસમાં મગફળીમાં મણે ર૦૦ રૂ.નો ઉછાળો થતા ખેડુતોમાં ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે યાર્ડમાં ઠલવવા લાગ્યા : વિવિધ જણસી ભરેલા ૧૩૦૦ થી વધુ વાહનોની યાર્ડમાં કતારો લાગી

રાજકોટ, તા., ર૧: રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની ર.૦૪ લાખ મણની વિક્રમ જનક આવક થતા યાર્ડ મગફળીના જથ્થાથી છલોછલ થઇ ગયું હતું. મગફળીના ભાવ વધતા ખેડુતો યાર્ડમાં મગફળીનો જથ્થો ઠાલવી રહયા છે.
આજે રાજકોટ યાર્ડમાં વિવિધ જણસી ભરેલા ૧૩૦૦ થી વધુ વાહનોની કતારો લાગી હતી. જેમાં મગફળીની સૌથી વધુ ર.૦૪ લાખ મણની રેકર્ડબ્રેક આવક થઇ હતી. સોયાબીનની ૯૦૦૦ મણ, ઘઉં ૪પ૦૦ મણ, ચણા ૬૦૦૦ મણ, લસણ ૪ર૦૦ મણ, મગ ૩ર૦૦ મણ, સફેદ તલ ૪૦૦૦ મણ, સિંગફાડા પ૦૦૦ મણ, જીરૂ ૩પ૦૦ મણ તથા કાળા તલની ૩૦૦૦ મણની આવકો થઇ હતી. કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, યાર્ડના ડીરેકટરો તથા યાર્ડના સ્ટાફે ઉતરાઇ કરાવી હતી. વેપારી સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૧પ દિવસમાં મગફળીના ભાવમાં મણે ર૦૦ રૂપીયાનો ઉછાળો થતા ખેડુતો સરકારી ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે યાર્ડમાં મગફળી વેચી રોકડી કરી રહયા છે. ૧પ દિવસ પહેલા મગફળી મીડીયમ મગફળીનો ભાવ ૮પ૦ થી ૧૦૫૦ રૂા. હતા તે વધીને ૧૧પ૦ થી ૧રપ૦ રૂા. અને બેસ્ટ કવોલીટીની મગફળીનો ભાવ ૧૧૦૦ થી ૧રપ૦ રૂા. હતા તે વધીને ૧૧પ૦ થી ૧૩પ૦ રૂપીયા થઇ ગયા છે. સ્ટોકીસ્ટો દ્વારા પણ મગફળીની મોટા પાયે ખરીદી થઇ રહી હોય મગફળીના ભાવ વધી રહયા છે
(12:25 PM IST)










