News of Friday, 21st November 2025
જસદણમાં નિષ્ઠુર જનેતાએ ત્યજી દીધેલી નવજાત બાળકીનું રાજકોટમાં મોત થયું
પોલીસે બાળકીને ત્યજી દેનારને શોધવા પ્રયાસ યથાવત રાખ્યા

રાજકોટ તા. ૨૧: જસદણમાં આવેલા ભૂતડા મહાદેવ મંદિરની પાછળના અવાવરૂ વિસ્તારમાં નિષ્ઠુર જનેતાએ ત્યજી દીધેલી એક નવજાત બાળકી મળી આવતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોીસ્પટલમાં ખસેડાઇ હતી. અહિ આ બાળકીને બચાવવા તબિબોએ ઘણા પ્રયાસ કર્યા હતાં. પરંતુ આજે બાળકીનું મોત નિપજ્યું હતું.
રાત્રિના સમયે આ અવાવરૂ ભાગેથી બાળકીના રડવાનો ધીમો અવાજ સંભળાયો હતો. આસપાસમાંથી પસાર થતા જાગળત નાગરિકોને આ રૂદન સંભળાતા તેઓએ અવાજની દિશામાં તપાસ શરૂ કરી હતી. ટોર્ચના પ્રકાશથી જોતા એક ચાદરમાં લપેટાયેલી નવજાત બાળકી મળી આવતા પોલીસને જાણ કરાઇ હતી. ૧૦૮ પણ પહોંચી ગઇ હતી. નવજાત બાળાને જસદણ સારવાર અપાવી તુરત રાજકોટ ખસેડાતાં ઝનાના હોસ્પિટલના નવજાત શીશુ વિભાગમાં દાખલ કરાઇ હતી.
આ બનાવ અંગ જસદણ પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બાળકીને ત્યજી દેનાર માતાને શોધી કાઢવા માટે પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ બાળકીનું સારવારમાં મોત થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી
(3:28 PM IST)










