તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૬ શુક્રવાર
News of Monday, 24th November 2025
ભગવતીપરાની સ્નેહાબેનની ક્રુર હત્યા લૂંટના ઇરાદે?: નાકનો દાણો સહિત અઢી લાખના દાગીના ગાયબ!
પતિને ફોન કરી કહ્યું-હું પાણીપુરી ખાવા જાઉ છું, તમે કારખાનેથી નીકળો ત્યારે મને રસ્તામાંથી લેતાં જજોઃ પતિએ બે ફોન કર્યા પણ નો-રિપ્લાય થયા, ઘરે પહોંચતાં ફોન ઘરેથી મળ્યોઃ રાતભર શોધખોળ કરી અને સવારે લાશ મળી : પતિ હિતેષભાઇ આસોડીયા અને ભાઇ અમિતભાઇ બાવરીયાએ કહ્યું-સ્નેહાબેન નિયમીત ગળામાં સોનાનું મંગલસુત્ર, કાનમાં સોનાની બુટી, નાકમાં દાણો, પગમાં ચાંદીના સાંકળા, હાથમાં ચાંદીની બંગડી પહેરતાં હતાં: લાશ મળી ત્યારે આ બધુ ગાયબ હતું : ક્રુર હત્યાની ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરીઃ લૂંટ વિથ મર્ડર કે પછી અન્ય કોઇ કારણ? અલગ અલગ દિશામાં પોલીસની તપાસઃ મોબાઇલ કોલ ડિટેઇલ, વધુ સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજઃ પીઆઇ એસ. એસ. રાણે અને ડી. સ્ટાફ ટીમ તેમજ ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો પણ ભેદ ઉકેલવા કામે લાગી

ભગવતીપરા કોપર ગ્રીન સીટીમાં રહેતી સ્નેહાબેન હિતેષભાઇ આસોડીયા શનીવારે સાંજે પાણીપુરી ખાવા જવાનું કહીને નીકળી તેના સીસીટીવી ફૂટેજ પ્રથમ તસ્વીરમાં કારની આગળ ચાલીને જતાં સ્નેહાબેન જોઇ શકાય છે, બીજી તસ્વીરમાં રવિવારે જ્યાંથી તેમનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો તે ભગવતીપરાથી વેલનાથપરાના રસ્તે આવેલો કાચો માર્ગ, ઘટના સ્થળે પીઆઇ એસ. એસ. રાણે, મૃતકના સગા સંબંધીઓ અને એકઠા થયેલા લોકો તથા ઇન્સેટમાં ભેદી હત્યાનો ભોગ બનેલા સ્નેહાબેનનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ અભીજીત બથગરીયા)
રાજકોટ તા. ૨૪: શહેરમાં હત્યાની વધુ એક ઘટનાએ ચકચાર જગાવી દીધી છે. ભગવતીપરા કોપર ગ્રીન સીટી બ્લોક નં. ૧૬માં રહેતી ૨૭ વર્ષિય પરિણીતા સ્નેહાબેન હિતેષભાઇ આસોડીયા શનિવારે સાંજે પાણીપુરી ખાવા માટે ઘરેથી નીકળ્યા બાદ ભેદી રીતે ગાયબ થઇ ગયા બાદ બીજા દિવસે રવિવારે સવારે સ્નેહાબેનની ક્રુર હત્યા કરાયેલી લાશ ભગવતીપરા મેઇન રોડથી વેલનાથપરા જવાના કાચા રસ્તા પરથી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. બી-ડિવીઝન પોલીસે આ બનાવમાં હત્યાનો ભોગ બનનારના ભાઇ કોઠારીયા હુડકો ક્વાર્ટર બી-૪૩૦માં રહેતાં અમીતભાઇ પ્રવિણભાઇ બાવરીયાની ફરિયાદ પરથી ગુનો નોંધી હત્યારાને શોધવા મહેનત શરૂ કરી છે. સ્નેહાબેન ઘરેથી નીકળી ત્યારે તેણીએ સોનાનું મંગલસુત્ર, સોનાનો દાણો, ચાંદીની બંગડી, ચાંદીના સાંકળા મળી સવા બેથી અઢી લાખના દાગીના પહેરેલા હતાં. આ દાગીના ગાયબ હોઇ લૂંટના ઇરાદે હત્યા થયાની શંકાએ તપાસ આગળ ધપાવાઇ છે.
હત્યાનો ભોગ બનનારના ભાઈ અમિતભાઈ પ્રવીણભાઈ બાવરીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે શનીવારે ૨૨મીના રોજ સાંજે આશરે ૭:૩૦ વાગ્યે સ્નેહાબેન ઘરેથી પાણીપુરી ખાવા જવું છે એમ કહીને નીકળ્યા હતા, અને પોતાનો મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકી દીધો હતો. રાત્રે ૯:૫૪ વાગ્યે તેમને જાણ થઈ કે સ્નેહાબેન ઘરે પાછા ફર્યા નથી. સ્નેહાબેન ગુમ થતાં તેમના ભાઈ અમિતભાઈ અને પતિ હિતેશભાઈએ તાત્કાલિક તેમની શોધખોળ શરૂ કરી હતી. તેમણે આસપાસના વિસ્તારોમાં તપાસ કરવા ઉપરાંત સી.સી.ટી.વી. ફૂટેજ પણ ચેક કર્યા હતા. ફૂટેજમાં સ્નેહાબેન લાલ કલરના કુરતા અને કાળા કલરની લેગિંગ્સ પહેરીને જતા જોવા મળ્યા હતા. રાત્રે લગભગ દોઢ વાગ્યા સુધીની સઘન શોધખોળ છતાં તેણીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
બાદમાં રવિવારે સવારે લગભગ પોણા દસેક વાગ્યે અમિતભાઈ બાવરીયાએ તેમના ઇન્સ્ટાગ્રામ પરના સોશિયલ મીડિયા ગ્રુપમાં રાજકોટ વેલનાથપરા વિસ્તારમાં અજાણી યુવતીની લાશ મળી-મર્ડરની શકયતા એવા શીર્ષકવાળા સમાચાર જોયા હતાં. સમાચારમાં આપેલો મહિલાનો ફોટો, પહેરેલા કપડાં અને શરીરનો બાંધો તેમની બહેન સ્નેહાબેન સાથે મળતા આવતા હોવાથી તે તથા બનેવી હિતેષભાઇ સહિતના તત્કાળ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને મૃતદેહ સ્નેહાબેનનો જ હોવાનું ઓળખી લીધુ હતું. સ્નેહાબેનની લાશ ભગવતીપરા મેઈન રોડથી વેલનાથપરા તરફ જવાના કાચા રસ્તા પર, મેઈન રોડથી આશરે ૩૦૦ મીટર અંદર, રસ્તાની બાજુમાં લોહીલુહાણ હાલતમાં મળી હતી. તેમના શરીર પર ગંભીર ઇજાઓ હતી. નાકના ભાગે, જમણી આંખની બાજુમાં, જમણા કાનના ઉપરના ભાગે અને માથાના ઉપરના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોવાના નિશાન હતાં.
અમિતભાઈ બાવરીયાની ફરિયાદના આધારે રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હત્યાની ઘટનાની જાણ થતાં ખુદ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી બી. વી. જાધવ સહિતના પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, હેડકોન્સ. હિતેષભાઇ કોઠીવાલ સહિતે ગુનો નોંધ્યો હતો. ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો પણ તપાસમાં સામેલ થઇ છે. અલગ અલગ દિશામાં પોલીસની ટીમો તપાસ કરી રહી છે. હત્યાનો ભોગ બનનાર સ્નેહાબેનનો મોબાઇલ ફોન પણ પોલીસે તપાસ માટે કબ્જે કર્યો છે અને કોલ ડિટેઇલ સહિતની વિગતો મેળવવા તજવીજ આદરી છે. હત્યાની આ ઘટનાએ ચકચાર જગાવી દીધી છે.
દરમિયાન હત્યાનો ભોગ બનનાર સ્નેહાબેનના પતિ હિતેષભાઇ કાંતિભાઇ આસોડીયા અને ભાઇ અમિતભાઇ પ્રવિણભાઇ બાવરીયાએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્નેહાબેન નિયમીત રીતે ગળામાં સોનાનું મંગલસુત્ર, કાનમાં સોનાની બુટી, હાથમાં ચાંદીના પાટલા-બંગડી અને પગમાં ચાંદીના સાંકળા પહેરી રાખતાં હતાં. નાકમાં સોનાનો દાણો પણ પહેરતાં હતાં. હત્યા કરાયેલી લાશ મળી ત્યારે આ તમામ દાગીના તેણીના શરીર પરથી ગાયબ હતાં. નાકનો દાણો પણ ગાયબ હતો! આ જોતાં અમને લૂંટના ઇરાદે જ હત્યા થયાની શંકા વધુ લાગે છે. અમને બીજા કોઇ પણ કોઇપણ પ્રકારની શંકા નથી. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ યથાવત રાખી છે.
મૃતકના પતિએ કહ્યું કે-મને સ્નેહાએ ફોન કરી પોતે પાણીપુરી ખાવા જઇ રહી છે અને કારખાનેથી નીકળતી વખતે પોતાને રસ્તામાંથી તેડતા જાય તેમ કહ્યું હતું. પરંતુ હું કારખાનેથી નીકળ્યો અને બાદમાં તેણીને બે વખત ફોન કર્યા ત્યારે તે નો-રીપ્લાય થયા હતાં. આથી મેં ઘરે જઇ તપાસ કરતાં ફોન ચાર્જમાં મુકેલો દેખાયો હતો. આ પછી મેં મારા સાળાને અને બીજા સગાને જાણ કરી શોધખોળ શરૂ કરહતી. ઘર નજીક સીસીટીવી ફૂટેજમાં સ્નેહા ચાલીને જતી જોવા મળી હતી. જો કે પાણીપુરી ભગવતીપરાના ખુણે ખાવાની હોય છે, લાશ જ્યાંથી મળી તે તદ્દન ઉલ્ટી દીશા છે. કોઇ તેણીને પરાણે કે પછી કોઇપણ રીતે આ સ્થળે લઇ ગયા બાદ તેની હત્યા કરી દાગીના લૂંટી લીધાની અમને દ્રઢ શંકા છે. જે દાગીના ગાયબ છે તેની કિંમત આશરે સવા બેથી અઢી લાખ જેવી થાય છે. તેમ વધુમાં હિતેષભાઇએ કહ્યું હતું. પોલીસ લૂંટ વિથ મર્ડર સહિતના અલગ અલગ મુદ્દે તપાસ કરી રહી છે. હત્યારાએ પોલીસને આડે પાટે ચડાવવા લૂંટનું નાટક તો ઉભુ નથી કર્ર્યુ ને? તે મુદ્દો પણ પોલીસ ચકાસી રહી છે.
સ્નેહાબેનના પિતા અને હિતેષભાઇના પિતા વર્ષો જુના મિત્રઃ સ્નેહાબેન-હિતેષભાઇ બંનેના બીજા લગ્ન
સ્નેહાબેને તેર વર્ષ પહેલા હુડકોના દિપક ગુજરાતી સાથે લવમેરેજ કરેલા, પણ એક વર્ષમાં જ છુટુ થઇ ગયું હતું
ઞ્જહત્યાનો ભોગ બનેલા સ્નેહાબેન કોળી જ્ઞાતિના હતાં. તેમના પહેલા લગ્ન કોઠારીયા રોડ પર હુડકોમાં રહેતાં દિપક બાબુભાઇ ખાંટ (ગુજરાતી) સાથે તેર વર્ષ પહેલા થયા હતાં અને તે પ્રેમલગ્ન હતાં. જો કે લગ્ન બાદ એકાદ વર્ષમાં જ છુટાછેડા થઇ ગયા હતાં. ત્યારથી તેણી માતા-પિતા સાથે જ રહેતી હતી. સ્નેહાબેનના પિતા પ્રવિણભાઇ અને હિતેષભાઇ આસોડીયાના પિતા કાંતિભાઇ બંને વર્ષોથી મિત્ર છે. હિતેષભાઇના પણ અગાઉના લગ્ન બાદ છુટાછેડા થઇ ગયા હતાં. આથી પ્રવિણભાઇ અને કાંતિભાઇએ પોતાના આ સંતાનો સ્નેહાબેન અને હિતેષભાઇના લગ્નનું નક્કી કર્યુ હતું. આ બંનેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. લગ્નજીવનમાં સ્નેહાબેને દિકરાને જન્મ આપ્યો હતો, આ દિકરો હાલ બે વર્ષનો છે.
(1:50 PM IST)










