તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 25th November 2025
સતત ભૂંડા બોલતી સ્નેહાએ મા-બહેન સમી ગાળો દેતાં તેને પતાવી દેવાનું નક્કી કરી પતિ હિતેષ કારખાનેથી નીકળ્યો'તો
ભગવતીપરાની હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યોઃ પત્નિને પતાવી દીધાનો પતિને કોઇ અફસોસ નથી : પ્લાન ઘડયો હોઇ રોજ સાંજે આઠ વાગ્યે કારખાનેથી નીકળતો તેના બદલે વહેલો નીકળી ગયોઃ જમવા જવાનું છે કહી સ્નેહા પાણીપુરી ખાવા જતી એ સ્થળે બોલાવીઃ ત્યાંથી ઘટના સ્થળે લઇ ગયોઃ કારખાનેથી જ સાથે લીધેલા સળીયાના ઘા મારી પતાવી દીધીઃ પછી કારખાને સળીયો મુકી પરત ઘરે આવી પત્નિ ગૂમ થયાનું નાટક કર્યુઃ સ્કૂટી પરના અને કપડા પરના લોહીના ડાઘ ઘરથી ભેદ ઉકેલાયોઃ સુતો હોય તો પણ ઢીકો મારી ઉઠાડી ગાળો દેતી, સ્નેહાની સવાર પણ ગાળથી પડતીઃ અનહદ ત્રાસમાંથી કાયમને માટે છુટકારો મેળવવા પત્નિ હત્યા કર્યાની પતિની કબુલાત : દાગીના કાળા પડી ગયા હોઇ મિત્ર પાસે ઉજાળવા દેવા છે કહી ઉતરાવી લીધા'તાઃ સળીયો સાથે શું કામ લધો? તેવું સ્નેહાએ પુછતાં હિતેષે-આગળ વિધી કરવાની છે તેવું કહી દીધુ હતું: આડેધડ ત્રણેક ઘા મારી તરફડીયા મારતી હાલતાં છોડીને નીકળી ગયો હતોઃ પછી કંઇ ન થયું હોય તેમ પત્નિને શોધવામાં પણ સામેલ થયો હતો : શનિવારે સાંજે સ્નેહાએ કુલ ત્રણ ફોન કરી પતિને જમવા લઇ જવાનું કહ્યું-છેલ્લા ફોનમાં એવી ગાળો ભાંડી કે હિતેષ સમસમી ગયો અને હત્યા કરી નાંખી : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી.બી. બસિયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ અને પીએસઆઇ પરમાર, મોવલિયા, ડોડીયા, ગરચર, ચુડાસમાની ટીમોએ ઉકેલ્યો ભેદ

રાજકોટ તા. ૨૫: શહેરના ભગવતીપરામાં કોપરગ્રીન સીટીમાં રહેતી સ્નેહાબેન હિતેષ આસોડિયા (ઉ.વ. ૩૩)ની ક્રુર હત્યા કરાયેલી લાશ મળી આવ્યાની ઘટનામાં બી-ડિવીઝન પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ ક્રાઇમ બ્રાંચે કલાકોમાં ભેદ ઉકેલી નાંખ્યો છે. સતત ઘરમાં ભૂંડા બોલતી અને ત્રાસ વર્તાવતી પત્નિએ શનિવારે ત્રણ ત્રણ વખત પતિ હિતેષને ફોન કરી મા-બહેન સમી ગાળો ભાંડતા સમસમી ગયેલો પતિ હિેતેષ તેણીને મારી નાખવાનું નક્કી કરી કારખાનેથી સળીયો લઇને નીકળ્યા બાદ પાણીપુરી ખાવાના સ્થળ તરફ બોલાવી ત્યાંથી જમવા લઇ જવાના બહાને ઘટના સ્થળે લઇ જઇ સળીયાના ઘા મારી પતાવી દીધાનું ખુલ્યું છે. પત્નિને પતાવી દીધાનો પતિ હિતેષ કાીંતલાલ આસોડીયા (ઉ.વ.૪૫)ને જરાય અફસોસ નથી.
રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચનો ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહિલાની લાશ અવાવરું સ્થળે મળી આવતા અને શરીરે દાગીના ન હોવાથી લૂંટના ઇરાદે હત્યાની શંકા હતી, પરંતુ પોલીસે પરિચિત વ્યક્તિની સંડોવણીની દૃઢ શંકાના આધારે મળતકના પતિ હિતેષ આસોડિયાને ઉઠાવી લીધો હતો. તે પત્નિ ગૂમ થઇ તે સમયે ક્યાં હતો? તેની વિગતોમાં ગલ્લા તલ્લા કરતાં તેના પર શંકા ઉપજી હતી. એફએસએલની તપાસમાં તેના વાહન અને શર્ટ પરથી લોહીના ડાઘા મળતાં તે વધુ ઘેરાયો હતો. આ પછી આગવી ઢબે પૂછપરછ કરતાં હિતેષ ભાંગી પડ્યો હતો અને તેણે હત્યાની કબૂલાત આપી હતી.
હિતેષની કબૂલાત મુજબ આ તેના બીજા લગ્ન હતા અને છેલ્લા ત્રણ વર્ષથી બંને વચ્ચે સતત ઝઘડા થતા હતા. હિતેષ પોતાના માતા અને બહેનોનું ધ્યાન રાખે તે વાત પત્નિ સ્નેહાને પસંદ નહોતી. શનિવારે સાંજે સ્નેહાએ સતત ત્રણ ફોન કરીને હિતેષને જમવા બહાર લઈ જવા માટે દબાણ કર્યું હતું. પહેલા બે ફોનમાં કોઈ પ્રતિસાદ ન મળતાં ત્રીજા ફોનમાં સ્નેહાએ પતિને તેના માતા અને બહેનને સંબોધીને એવી ભુંડી ગાળો દીધી હતી અને કહ્યું હતું કે હવે તું તારી મા-બહેન સાથે જ હમબીસ્તર થઇ જાજે. આવી ગાળો સાંભળી હિતેષ સમસમી ગયો હતો, ક્રોધથી કાળઝાળ થઇ ગયો હતો અને પત્નિને પતાવી દેવાનું નક્કી કરી કારખાનેથી સળીયો લઇને જ નીકળ્યો હતો.
પ્લાન મુજબ હિતેષે પત્નિ સ્નેહાને બહાર જમવા જવાના બહાને ભગવતીપરામાં પાણીપુરીની લારી પાસે ઊભા રહેવા જણાવ્યું હતું. ત્યાં પહોંચી તે સ્નેહાને સ્કૂટીમાં બેસાડીને લાશ જ્યાંથી મળી તે અવાવરૂં સ્થળે લઈ ગયો હતો અને લોખંડની ટોમી-સળીયાના ત્રણ ઘા ઝીંકીને તેની હત્યા કરી દીધી હતી. આ પહેલા હિતેષે પત્નિને તારા દાગીના કાળા પડી ગયા છે, તે મોરબી રોડના મિત્ર પાસે ઉજાળવા દેવાના છે તેમ કહી ઉતરાવી લીધા હતાં. વળી પત્નિએ સળીયો કેમ સાથે લીધો છે? પુછતાં તેણે આગળ વિધી કરી વસ્તુ જમીનમાં દાટવાની છે તેવુ કહ્યું હતું. એ પછી અવાવરૂ જગ્યા આવતાં સ્કૂટી ઉભુ રાખી લઘુશંકાના બહાને પત્નિની વિરૂધ્ધ દિશામાં ગયો હતો અને પછી અચાનક સળીયાથી તૂટી પડયો હતો.
તરફડીયા મારતી પત્નિને છોડીને તે કારખાના તરફ ભાગી ગયો હતો. જ્યાં સળીયો મુકી પરત ઘરે આવી ગયો હતો અને લોહીવાળા કપડા બદલાવી નાંખ્યા હતાં. એ પહેલા માતા-પિતાના ઘરેથી પોતાના દિકરાને તેડી લાવ્યો હતો. પછી પત્નિનો ફોન ઘરે ચાર્જીંગમાં હોઇ તેમાંથી જ સાળા સહિતને સ્નેહા ગુમ થયાની જાણ કરી શોધખોળમાં સામેલ થયો હતો. જો કે ક્રાઇમ બ્રાંચની વિશીષ્ટ પુછતાછ અને લોહીના ડાઘાથી ભેદ ખુલી ગયો હતો અને હિતેષે હત્યા કબુલી લીધી હતી. તેણે પોતાને આ હત્યાનો કોઇ અફસોસ નહિ હોવાનું રટણ કર્યુ હતું.
હિતેષે કહ્યું હતું કે મારી ઘરવાળી સતત મારા પર અને મારા પરિવાજનો પર ત્રાસ ગુજારતી હતી. હું ક્યાંય પણ જાઉ તો તેને કહેવું પડતું હતું, જીણામાં જીણી મારી વાત પર નજર રાખતી, શંકા કરતી. ગાળો તો રોજેરોજ સવાર-સાંજ આપતી. રાતે થાકીને હું સુઇ ગયો હોઉ તો ઘણીવાર તો ગાળો દઇને જગાડતી, તેની સવાર હમેંશા ગાળો સાથે જ પડતી હતી. પણ હું દિકરાને કારણે, મા-બાપને કારણે સહન કરતો હતો. શરીર સંબંધ બાંધવા હોય તો પણ તેની ઇચ્છાથી જ આગળ વધી શકાતું, તેમાં મારી ઇચ્છા ચાલતી નહિ! શનિવારે તેણે જમવા બાબતે મને ત્રણ ફોન કર્યા હતાં. છેલ્લા ફોનમાં મને મા-બહેનની ગાળો દીધી હતી આથી તેને પતાવી દેવાનું નક્કી કરીને જ નીકળ્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અને ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઅઇા એમ. આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઇ એ.એન.પરમાર, એમ.કે.મોવલીયા, વી.ડી.ડોડીયા, એસ.વી.ચુડાસમા, એ.એસ.ગરચર, એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, ભરતભાઇ વનાણી, અશોકભાઇ કલાલ, હિતેન્દ્રસિંહ ઝાલા, સમીરભાઇ શેખ, વિજયરાજસિંહ જાડેજા, વિજયભાઇ સોઢા, ક્રિપાલસિંહ ઝાલા, કળષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, જયદેવસિંહ પરમાર, તથા પ્રદિપસિંહ જાડેજા, રાજેશભાઇ જળુ, જયરાજસિંહ કોટીલા, -તીકસિંહ રાઠોડ, કિશનભાઇ પાંભર, દિલીપભાઈ બોરીચા, સંજયભાઇ રૂપાપરા, મોહિલરાજસિંહ ગોહિલ, દિપકભાઇ ચૌહાણ, દિપકભાઇ ડાંગર, કનકસિંહ સોલંકી તથા પો.કો. વિશાલભાઇ દવે, તુલશીભાઇ ચુડાસમાં, સંજયભાઇ ખાખરીયા, -શાંતભાઇ ચુડાસમાં, મહાવીરસિંહ જાડેજા, અરવિંદભાઇ ફતેપરા, કરણભાઇ કોઠીવાલ, મયુરસિંહ જાડેજા, જીલુભાઇ ગરચર, ધર્મેન્દ્રસિંહ રાણા, પોપટભાઇ ગમારા, હરપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ હત્યાના ડિટેક્શનની વિગતો જણાવી હતી. વિશેષ તપાસ માટે આરોપીને બી-ડિવીઝન પોલીસમાં સોંપાતા પીઆઇ એસ. એસ. રાણે, હિતેષભાઇ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.
(2:33 PM IST)










