News of Thursday, 27th November 2025
તલગાજરડા દ્વારકા રૂટની બસનો કાચ ગણતરીની કલાકોમાં બદલાયો
મુસાફર હિતરક્ષક સમિતિની રજૂઆતને સફળતા

રાજકોટ, તા. ર૭ : ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, દિલીપભાઇ આસવાણી, પ્રતાપભાઇ વાળા, નાગજીભાઇ પટેલ, એસ.પી. રાજાણીની સંયુકત યાદિ જણાવે છે ક,ે તલગાજરડા (મહુવા) રાજકોટ, દ્વારકા બસ નંબર જીજે-૧૮-ઝેડ ૬૯૩૮ મહુવા ડેપોની બસમાં ફ્રન્ટલ સ્ક્રીન ગ્લાસમાં (ડ્રાઇવરની આગળનો કોચ) અસંખ્ય ગણી ન શકાય એટલી બધી તિરાડો હોય અને કાચ તૂટેલો હોય અને તેમ છતાં ઓન ધ રોડ ચલાવવામાં આવતી હતી અને ડ્રાઇવર અને મુસાફરના માથે મોતની લટકતી તલવાર હોય આ બસ અંગે મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ફોટા સાથે ઉચ્ચસ્તરીય રજૂઆત કરી એસ.ટી. બસ પોર્ટ રાજકોટ ખાતે ગુજરાત રાજય માર્ગ વાહનવ્યવહાર નિગમને લેખિત ફરિયાદ કરી ભાવનગર વિભાગીય નિયામકને આ અંગે ફોટા સાથે જાણ કરી હતી. જે પગલે ભર ઉંઘમાં રહેલું એસ.ટી.નું તંત્ર જાગી ગયું અને એકશનમાં આવ્યુ. મોતની સવારીની માફક ચાલતી આ બસનો કાચ ર૪ કલાકમાં બદલવાની ફરજ પડી હતી. આમ સફળ રજૂઆતના સફળ પડઘા પડયા હોવાનું મુસાફર હિતરક્ષક સમિતિ (મો. ૯૪ર૬રર૯૩૯૬) ની યાદિમાં જણાવાયું છે.
(4:01 PM IST)










