રાજકોટના જંકશન રેલ્વે સ્ટેશનેથી ૧ વર્ષની બાળકીનું અપહરણ કરી મહિલા અને શખ્સ ટ્રેનમાં બેસી ગયા
મુળ મોરબી પંથકની પરિણીતા દિલ્હી રહી ડ્રાયફ્રુટ વેંચે છેઃ પતિ સાથે ઝઘડો થતાં ટ્રેનમાં બેસી સંતાનો સાથે રાજકોટ આવી હતીઃ જંકશન સ્ટેશનેથી દિકરી ગાયબ થઇઃ ટ્રેન ઉપડી ત્યારે બાળકીને લઇ જતાં મહિલા-શખ્સ દેખાયાઃ રેલ્વે પોલીસે શકમંદોને દ્વારકાથી સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી

રાજકોટ તા. ૨૯:રાજકોટ તા. ૨૯: દિલ્હીથી ઘરેલું કંકાસ બાદ રાજકોટ આવેલી મુળ મોરબી પંથકની અને હાલ દિલ્હી રહેતી એક મહિલાની ૧ વર્ષ ૩ મહિનાની ઉમર ધરાવતી દિકરીનું રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશન પરથી અપહરણ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. મહિલાએ પ્લેટફોર્મ પરથી ટ્રેન ઉપડી ત્યારે પોતાની આ દિકરીને બે અજાણ્યા શખ્સો સાથે જોઇ હોઇ તેના આધારે બંને વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. રેલ્વે પોલીસે ઘટનાને ગંભીર ગણી તુરત તપાસ શરૂ કરી હતી. જેના ભાગ રૂપે દ્વારકાથી પોલીસે એક મહિલા અને બે શખ્સોને સકંજામાં લઇ પુછતાછ આદરી છે.
જાણવા મળ્યા મુજબ રાજકોટ રેલ્વે પોલીસે આ બનાવમાં મુળ મોરબીના રાતાભેર ગામના વતની અને હાલ દિલ્હી બેગમપુર બરવાળા રોડ હનુમાન ચોક, કાલી માતાના મંદિર પાસે રોહીણી શનીભાઇના મકાનમાં ભાડેથી રહેતાં બત્રીસ વર્ષના મહિલાની ફરિયાદ પરથી અજાણી એક મહિલા અને એક છોકરા સામે ગુનો નોંધ્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે અમે મુળ મોરબીના રાતાભેરના વતની છીએ. પણ પાંચ વર્ષથી દિલ્હીમાં ફૂટપાથ પર ડ્રાયફ્રૂટનો છૂટક વેપાર કરતા મહિલા તા. ૨૬/૧૧/૨૦૨૫ના રોજ સાંજે પતિ સાથે સામાન્ય ઝઘડો થતાં તેમના ચાર સંતાનોને લઇ દિલ્હીથી રાજકોટ જવા નીકળ્યા હતા. તા. ૨૮/૧૧/૨૦૨૫ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે તેઓ રાજકોટ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
અહિ રાજકોટમાં પિતાજીના ઘરે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ રહેતું ન હોવાથી સવારે ૬:૩૫ વાગ્યે તેઓ ફરી સંતાનો સાથે રાજકોટ રેલવે સ્ટેશન આવી ગેટ નં. ૩૩માં બેઠા હતા. ફરિયાદી મહિલા સવારે સતત પતિ અને સાસુ સાથે ઘરેલું ઝઘડા અંગે મોબાઇલ ફોન પર વાતચીત કરી રહ્યા હતા, જ્યારે બાળકો આસપાસ રમી રહ્યા હતા. સવારે સવા દસ આસપાસ વાતચીત દરમિયાન તેની સૌથી નાની દીકરી જે ૧ વર્ષ ૩ મહિનાની છે પ્લેટફોર્મ નંબર ૧ પર એકલી ચાલતી ચાલતી નિકળી ગઈ હતી. મહિલાને ખ્યાલ આવતા તપાસ શરૂ કરી, પરંતુ બાળકી મળી નહોતી.
દરમિયાન પોણા અગીયારેક વાગ્યે ટ્રેન નં. ૧૬૩૩૮ અરનાકુલમ-ઓખા એક્સપ્રેસ રાજકોટ પ્લેટફોર્મ નંબર ૧ ઉપર આવી હતી. માતા પોતાના ત્રણ સંતાનો સાથે પ્લેટફોર્મ પર તપાસ કરી રહ્યા હતા, ત્યારે ટ્રેન ઉપડતી હતી. આ સમયે એક મહિલા બાળકીને તેડીને ટ્રેનના આગળના જનરલ ડબ્બામાં ચઢતી જોવા મળી હતી. માતા અન્ય ત્રણ સંતાનો અને નાણાંના અભાવે ચાલુ ટ્રેનમાં ચઢી શકયા ન હતા. તેમણે તાત્કાલિક રેલવે પોલીસ સમક્ષ ઉપરોક્ત વર્ણનવાળી મહિલા અને પુરુષ સામે અપહરણની શંકા સાથે ફરિયાદ નોંધાવી છે. રેલવે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી, બાળકી અને અપહરણકર્તાઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
જાણવા મળ્યા મુજબ પોલીસે તુરત તપાસ શરૂ કરી બાળકીનું અપહરણ કરનારા બે શખ્સ અને એક મહિલાને દ્વારકા તરફથી ઝડપી લઇ પુછતાછ શરૂ કરી છે. બાળકી હેમખેમ તેના પરિવારને મળી ગઇ છે. પણ બાળકીને ઉઠાવી જવાનો હેતુ શું હતો? તે સહિતની તપાસ થઇ રહી છે.










