News of Monday, 1st December 2025
એઇમ્સ હોસ્પિટલના ગેઇટ પાસે કુતરૂ આડે આવતાં બાઇક સ્લીપ થયું: યુવાનનું મોત
રૈયા રોડ નહેરૂનગરનો અજમતઉલ્લાખાન હોસ્પિટલથી ૨૮મીએ ઘરે આવવા નીકળ્યો ત્યારે બનાવઃ સારવારમાં દમ તોડતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧: શહેરના રૈયા રોડ પર નેહરૂનગરમાં રહેતો યુવાન બાઇક હંકારીને જામનગર રોડ એઇમ્સ હોસ્પિટલથી ઘરતરફ જતો હતો ત્યારે હોસ્પિટલના ગેઇટ નજીક કુતરૂ આડે ઉતરતાં બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ નહેરૂનગર-૩માં રહેતો અજમતઉલ્લાખાન એઝાઝહુશેન શેખ (ઉ.વ.૨૭) ૨૮મીએ એઇમ્સ હોસ્પિટલની કેન્ટીન ખાતેથી બાઇક હંકારી રાજકોટ ઘરે આવવા નીકળ્યો ત્યારે એઇમ્સના ગેઇટ નજીક કુતરૂ આડે આવતાં બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો હતો. પરંતુ મોત થયું હતું.
બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. મિહીરસિંહ બારડે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર અજમતઉલ્લાખાન એઇમ્સ હોસ્પિટલમાં ડિરેક્ટરની ઓફિસમાં નોકરી કરતો હતો. આ બનાવથી પરિવારમાં અને સાથી કર્મચારીઓમાં પણ શોક છવાઇ ગયો હતો.
(2:25 PM IST)










