<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

નવાગામમાંથી રાતે કિશોર ગઢાદરાનું કારમાં અપહરણ કરી કારખાનામાં પુરીને ધોકા-છરી-કેબલથી ફટકાર્યો

મુળ બામણબોરનો યુવાન હાલ સાસુ-સસરા ભેગો રહે છે ત્‍યાંથી ઉઠાવી જવાયો : નવાગામમાં સોફાનું કારખાનુ ચલાવતાં નિલેષ હેરમા, પરબતભાઇ અને છ અજાણ્‍યા સામે ગુનોઃ અગાઉ નિલેષના પિતા સાથે યુવાનને માથાકુટ થઇ હોઇ તેનું મનદુઃખ કારણભુતઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્‍યો

 

રાજકોટ તા. ૪:  નવાગામ આણંદપર વિસ્‍તારમાં રહેતા એક શ્રમજીવી યુવકને  રાત્રે તેના સાસુના ઘરેથી બળજબરીપુર્વક ફોર વ્‍હીલ કારમાં અપહરણ કરી નજીકમાં જ આવેલા નિલેશ નામના વ્‍યક્‍તિના સોફાના કારખાને લઈ જઈ ઢોર માર મારવામાં આવતાં અને બાદમાં  આ અપહૃતના ભાઇએ પોલીસને જાણ કરતાં હુમલાખોરો તેને છોડીને ભાગી જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. આ હુમલામાં યુવકને છરી, ધોકા અને કેબલ વડે માર મારવામાં આવ્‍યો હતો. અગાઉ નિલેશના પિતા સાથે આ યુવાનને  માથાકુટ થઇ હોઇ તેનો ખાર રાખી ઉઠાવી લઇ ફટકારાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ નવાગામ સાત હનુમાન ઢોળા પાસે હાલ પોતાના સાસુના ઘરે રહતોે મુળ બામણબોરનો કિશોરભાઇ ચોથાભાઇ ગઢાદરા (ઉ.વ.૩૧) રાતે સાસુ સસરાના ઘરે હતો ત્‍યારે નવાગામમાં જ રહેતા નિલેષ સહિતના શખ્‍સો કાર લઇને આવ્‍યા હતાં અને કિશોર તારુ કામ છે, બહાર આવ કહેતાં પોલીસ આવ્‍યાનું સમજી તે બહાર જતાં જ તેને કારમાં નાંખી અપહરણ કરી નજીકમાં આવેલા નિલેશના ડેલે લઇ જઇ બેફામ માર મારવામાં આવ્‍યો હતો. બાદમાં કિશોરભાઇના ભાઇને જાણ થતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી રહ્યાની ખબર પડતાં બધા ભાગી ગયા હતાં અને કિશોરભાઇને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, ધર્મેન્‍દ્રભાઇ, રવિભાઇ, પ્રતાપભાઇએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એ. એ. બ્‍લોચ સહિતે ે હોસ્‍પિટલે પહોંચી કિશોરભાઇની ફરિયાદ પરથી નવાગામમાં રહેતાં અને ત્‍યાં સોફા બનાવવાનો ડેલો ધરાવતાં નિલેષ પરબતભાઇ હેરમા,  પરબતભાઇ અને છ અજાણ્‍યા શખ્‍સો સામે ગેરકાયદે મંડળી રચી કિશોરભાઇનું અપહરણ કરી માર મારી ગળો દીધાનો ગુનો નોંધ્‍યો હતો.

ફરિયાદમાં જણાવાયું છે કે કિશોરભાઇ હાલ તેના સાસુઅસસરા સાથે રહે છે અને મજુરી કરે છે. રાતે સાડા અગીયારેક વાગ્‍યે નવાગામ સાત હનુમાન વિસ્‍તારમાં પોતાના સાસુ-સસરાના ઘરે હાજર હતો. તે સમયે કાળા કલરની ફોર વ્‍હીલ કારમાં નિલેશ પરબતભાઈ હેરમા અને અન્‍ય ચાર અજાણ્‍યા શખ્‍સો આવ્‍યા હતા. તેણે કિશોરભાઇને પકડીને જબરદસ્‍તી ગાડીમાં બેસાડી દઇ ગાળો દીધી હતી અને બાદમાં નજીકમાં  સરકારી શાળાની સામે આવેલા નિલેશ હેરમાના સોફા બનાવવાના કારખાના-ડેલામાં લઈ ગયા હતા. જ્‍યાં નિલેશના પિતાજી તથા અન્‍ય બે માણસો હાજર હતા. છ જણાએ ભેગા મળીને તેને જેમ ફાવે તેમ માર માર્યો હતો. એક શખ્‍સ પાસે છરી હતી, જ્‍યારે અન્‍ય લોકો પાસે ધોકા અને કેબલ જેવા હથિયારો હતા જેના વડે તેને શરીરના ભાગે માર મારવામાં આવ્‍યો હતો.

આ હુમલાનું કારણ એ છે કે અગાઉ કિશોરભાઈના મિત્ર જયેશ ધોળકીયા સાથે નિલેશના પિતાજીને ઝઘડો થયો ત્‍યારે કિશોરભાઇ વચ્‍ચે પડતાં તેને નિલેશના પિતાજી સાથે માથાકુટ થઇ હતી. તેનો ખાર રાખી અપહરણ કરી ડેલામાં પુરી મારવામાં આવ્‍યો હતો. હુમલામાં કિશોરભાઈને આંખના ડાબા ભાગે, બંને પગના નળાના ભાગે તથા શરીરે મુંઢ ઇજાઓ થઈ હતી. બાદમાં બે વ્‍યક્‍તિઓ વચ્‍ચે પડતાં કિશોરભાઈ ત્‍યાંથી ભાગીને નજીકના ખુલ્લા પ્‍લોટમાં જતા રહ્યા હતા. ત્‍યાંથી તેમણે પોતાના ભાઈ મનસુખભાઈને ફોન કરીને જાણ કરી હતી.

મનસુખભાઈ, કિશોરભાઈની પત્‍નિ અને સંબંધીઓ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે તેમને તાત્‍કાલિક રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. પોલીસે આરોપીઓને શોધવા તપાસ હાથ ધરી છે.

(1:20 PM IST)