તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
તે ફાળો લખાવ્યો નથી એટલે મંદિરમાં પગ મુકતો નહિઃ રૈયાધારમાં સજ્જનભાઇને ફઇના દિકરાએ પાઇપથી ફટકાર્યા
કલર કામ કરતાં આધેડ કામેથી આવ્યા બાદ ઘર પાસેના શ્રીચામુંડા માતાના મંદિરમાંથી અગરબત્તી કરીને નીકળતાં જ હુમલો થયો

રાજકોટ તા. ૩: રૈયાધાર વિસ્તારમાં આવેલા ઇંદિરાનગર પાસેની મારવાડી કોલોનીમાં મંદિરના ફાળાની બાબતે કલરકામના કારીગર રાજસ્થાની આધેડ પર તેના જ ફઇના દિકરાએ લોખંડના પાઇપથી હુમલો કરી આડેધડ માર મારતાં તેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પોલીસે ગુનો નોંધ્યો છે. કામેથી આવ્યા બાદ આ આધેડ ઘર પાસેના શ્રીચામુંડા માતાના મંદિરમાં અગરબત્તી કરીને બહાર આવતાં જ તેના ફઇનો દિકરો પાઇપથી તૂટી પડયો હતો.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મારવાડી કોલોનીમાં ઝૂપડામાં રહેતાં મુળ રાજસ્થાનના નાગોર જીલ્લાના પ્રીતીપરા ગામે રહેતાં અને કલર કામની મજૂરી કરતાં સજ્જનભાઇ ઉર્ફ સાજનભાઇ માંગીાલાલ પવાર (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી બાજુમાં જ રહેતાં તેના ફઇના દિકરા ગોમારામ ઉર્ફ ઓમારામ સુઘનારામ ભાટી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
સજ્જનભાઇએ જણાવ્યું છે કે હું મારા પત્નિ સંતોષબેન, દિકરા ક્રિષ્ના અને રવિ સાથે રહુ છું અને કલરકામની મજૂરી કરી ગુજરાન ચલાવુ છું. સાંજે ચારેક વાગ્યે હું મોરબી કામ ચાલતું હોઇ ત્યાંથી ઘરે આવ્યો હતો. એ પછી આઠેક વાગ્યે અમારા ઘર નજીક આવેલા શ્રીચામુંડા માતાજીના મંદિરે અગરબત્તી કરવા જતો હતો ત્યારે મંદિર પાસે હાજર મારા ફઇના દિકરા ગોમારામ ઉર્ફ ઓમારામ ભાટીએ મને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે-તે મંદિરનો ફાળો આપ્યો નથી જેથી તું મંદિરમાં જતો નહિ. આમ છતાં હું મંદિરમાં અગરબત્તી કરવા ગયો હતો.
અગરબત્તી કરીને પરત ઘર તરફ જતો હતો ત્યારે ગોમારામ ઉર્ફ ઓમારામ મંદિરની બહાર જ હાથમાં લોખંડનો પાઇપ લઇને ઉભો હતો. તેણે મન ‘તને ના પાડી છતાં કેમ મંદિરમાં ગયો?' કહી માથામાં પાઇપનો ઘા મારી દીધો હતો. હું પડી જતાં હાથમાં પણ ઘા ફટકારતાં લોહી નીકળવા માંડતા હું રાડારાડી કરવા માંડયો હતો. આ વખતે મારા પત્નિ સહિતના આવી જતાં મને બચાવ્યો હતો અને ૧૦૮ બોલાવી હોસ્પિટલમાં ખસેડયો હતો. તેમ વધુમાં સજ્જનભાઇએ કહેતાં એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધ્યો હતો.
(4:00 PM IST)










