<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

૮૦ ફુટ રોડ પર સત્‍યમ્‌ પાર્કમાં રહેતી છાત્રાનો નજીકમાં રહેતી બહેનપણીના એપાર્ટમેન્‍ટના છઠ્ઠા માળેથી કૂદકો

મુળ મહારાષ્‍ટ્રના પરિવારની ૧૫ વર્ષની દિકરી અશ્વીની બાબર ૯મું ધોરણ ભણે છેઃ હાલત ગંભીરઃ માતા-પિતા વતનમાં ગયા હતાં: પોતે સખીના ઘરે જવાનું કહીને નીકળી હતીઃ કારણ અંગે પરિવારજનો અજાણ

 

રાજકોટ તા. ૮: શહેરના ૮૦ ફુટ રોડ પર હુન્‍ડાઇના શો રૂમની સામેના ભાગે સત્‍યમ્‌ પાર્કમાં રહેતી ૧૫ વર્ષની છાત્રા સાંજે પોતાના ઘરેથી નજીકમાં આવેલા એપાર્ટમેન્‍ટમાં પાંચમા માળે રહેતી બહેનપણીના ઘરે જવાનું કહીને નીકળ્‍યા બાદ બહેનપણી જ્‍યાં રહે છે તે સત્‍યમ્‌ પેલેસ-૨ નામના બિલ્‍ડીંગના છઠ્ઠા માળે છત પર જઇ ત્‍યાંથી કૂદકો મારી જતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

જાણવા મળ્‍યા મુજબ સત્‍યમ્‌ પાર્ક-૨માં રહેતી અશ્વીની સંતોષભાઇ બાબર (ઉ.વ.૧૫) સાંજે ઘરેથી એવું કહીને નીકળી હતી કે પોતે નજીકમાં સત્‍યમ્‌ પેલેસ-૨માં રહેતી બહેનપણીના ઘરે જાય છે. અવાર-નવાર તે ત્‍યાં જતી હોઇ જેથી ઘરે હાજર ભાઇએ તેણીને જવા દીધી હતી. થોડીવાર બાદ ખબર પડી હતી કે અશ્વીનીએ છઠ્ઠા માળે અગાસીએથી કૂદકો લગાવી દીધો છે. આથી તેણીનો ભાઇ સહિતના લોકો ત્‍યાં પહોંચ્‍યા હતાં અને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી.

અશ્વીની બે ભાઇની એકની એક નાની બહેન છે અને ધોરણ-૯માં અભ્‍યાસ કરે છે. તેના પિતા સંતોષભાઇ ચાંદી કામ કરે છે. આ પરિવાર મુળ મહારાષ્‍ટ્રનો છે. વ્‍યવહારીક કામ સબબ અશ્વીનીના માતા-પિતા મહારાષ્‍ટ્ર વતનમાં ગયા હતાં. સાંજે અશ્વીની બહેનપણીના ઘરે જવાનું કહીને નીકળ્‍યા બાદ આ બનાવ બન્‍યો હતો. તેણીએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે તેના ભાઇઓ અજાણ છે. માતા-પિતા મહારાષ્‍ટ્રથી પરત આવવા નીકળી ગયા હતાં. હોસ્‍પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, ધર્મેન્‍દ્રભાઇ, શક્‍તિસિંહ અને રવિભાઇએ થોરાળા પોલીસને જાણ કરતાં એએસઆઇ ઘેલુભાઇ શીયાર અને રાઇટર કિશનભાઇએ હોસ્‍પિટલે અને ઘટના સ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અશ્વીની ભાનમાં આવ્‍યા બાદ વધુ વિગતો ખુલશે. તેના મોબાઇલ પરથી પણ પોલીસ તપાસ કરશે.

(2:07 PM IST)