News of Tuesday, 9th December 2025
અયોધ્યા ચોકના ક્રિશા ફાયનાન્સના સંચાલકે ૧૫.૬૦ લાખ લઇ નકલી સોનુ ધાબડી દીધું
લીમડીના લાલજીભાઇના દાગીના છોડાવવાના હોઇ તેની સામે રકમ લઇ લીધા બાદ ખોટા હોલ માર્કવાળા ઘરેણા આપી દીધા : અમદાવાદની હીમત ગોલ્ડ સેન્ટર પેઢીના રાજકોટના કર્મચારી ભગવાનસિંહ રાજપૂતની ગાંધીગ્રામ પોલીસમાં પંકજ વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૯: શહેરમાં અયોધ્યા ચોક પાસે આવેલા ટ્રેડર્સના શો રૂમ ઉપર સાતમા માળે ફાયનાન્સની ઓફિસ ધરાવતાં શખ્સે સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા એક કર્મચારીનેગીરવે મુકેલુ સોનું વેચવાના બહાને બોલાવી રૂપિયા ૧૫.૬૦ લાખ રોકડા લઈ સોનાના બદલે નકલી-ખોટા હોલમાર્કવાળા ઘરેણાં પધરાવી દેતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્ક એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧માં રહેતાં મુળ બનાસકાંઠાના વતની અને રાજકોટમાં હીમત ગોલ્ડ સેન્ટરમાં નોકરી કરતાં ભગવાનસિંહ બળવંતસિંહ રાજપૂત (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી ક્રિશા ફાયનાન્સ નામની પેઢીના માલિક પંકજ કિશોરભાઇ વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે.
ભગવાનસિંહ રાજપૂતે ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. ૨૪/૧૧ના રોજ મારી સાથે કામ રતાં ચંદનસિંહ જાલમસિંહ રાજપૂતને અમારી અમદાવાદ ખાતેથી હેડ ઓફિસથી ફોન આવ્યો હતો કે સુરેન્દ્રનગર લીમડીના લાલજીભાઈ ખોડાભાઈ જોગરાણા નામના ગ્રાહકે ગીરવે મુકેલું આશરે ૧૭૭.૮૦ ગ્રામ સોનું વેચાણ કરવાનું છે. આ પછી અમારી ૩૬૫-સીઆરએમ નામની એપ્લીકેશનમાં ચંદનસિંહને ડીટેઇલ આવી હતી. બાદ ૨૫/૧૧ના રોજ લાલજીભાઇનો ફોન ચંદનસિંહને આવ્યો હતો અને સોનાના ઘરેણા વેંચવા બાબતે તથા એડ્રેસ અને વજન બાબતે વાત કરી હતી.
આ પછી ચંદનસિંહ બહારગામ ગયા હોઇ ૨૬/૧૧ના રોજ ૧૫૦ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે બપોરે ત્રણેક વાગ્યે લાલજીભાઇ જોગરાણાને મળવાની વાત થતાં હું અને કર્મચારી ભગવાનસિંહ ઘરેણા લેવા ચંદનસિંહની સુચના મુજબ ગયા હતાં. લાલજીભાઇ સતત ફોનમાં વાત ચાલુ રાખી ઘરેણા છોડાવવાની પ્રોસીઝરની વાત કરતાં હતાં. આગલા દિવસે ગોવિંદસિંહ રાજપૂત અમારી અમદાવાદ ખાતેની ઓફિસેથી ૧૬ લાખ રોકડા લઇ આવ્યા હતાં. આ રોકડા રૂપિયા અમારી પાસે હતાં.
બાદ હું અને ભગવાનસિંહ તથા મારા મિત્ર રામદેવભાઇ હીરાભાઇ ફાંગલીયા એમ ત્રણેય ક્રિશા ફાયનાન્સ ઓફિસ જે ૧૫૦ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે આવેલી છે ત્યાં સાતમા માળે ઓફિસ નં. ૭૦૩ ખાતે ગયા હતાં. ત્યાંથી અમે લલાજીભાઇ જોગરાણાને ફોન કરતાં લાલજીભાઇ વેગનઆર લઇને આવ્યા હતાં અને ઘરેણા છોડાવવાની વાત કરી હતી. બાદમાં લાલજીભાઇ અને ગોવિંદસિંહ અમને ક્રિશા ફાયનાન્સ ઓફિસમાં લઇ ગયા હતાં. જ્યાં ઓફિસના માલિક પંકજભાઇ કિશોરભાઇ વાયા હાજર હતાં. આ પછી લાલજીભાઇએ પોતે ગીરવે મુકેલા ઘરેણાની અસલ પહોંચ પંકજભાઇ વાયાને આપી હતી. તેણે ઘરેણાનો હિસાબ કરી અમારી પાસે રૂા. ૧૫,૬૦,૦૦૦ રોકડા માંગ્યા હતાં.
આ રકમ મેં લાલજીભાઇને આપતાં તેણે પંકજભાઇને રકમ આપી દીધી હતી. આ પછી પંકજભાઇએ તેના કોઇ માણસને આ રકમ આપી દીધી હતી અને કહ્યું હતું કે-જા લાલજીભાઇના ઘરેણા લોકરમાંથી છોડાવી લાવ. એકાદ કલાક પછી તેનો માણસ પ્લાસ્ટીકની કોથળી લઇને આવ્યો હતો. જેમાં ઘરેણા હતાં. પંકજભાઇએ પોતાની ઓફિસમાં રહેલા વનજકાંટામાં ઘરેણાનું વજન કરતાં ૧૭૭.૯૦ ગ્રામ થયું હતું. એ પછી તેણે ઘરેણાથી કોથળી લાલજીભાઇને આપી હતી.
આ પછી લાલજીભાઇએ ઘરેણાની કોથળી તેના પેન્ટના ખિસ્સામાં મુકી દીધી હતી અને બધા ત્યાંથી નીકળી ગયા હતાં. બહાર નીકળી મને લાલજીભાઇએ ઘરેણા બતાવતાં તેના પર ૨૨ કેરેટના હોલમાર્ક હતાં. જેથી મેં મારી પાસે રહેલા કસોટી પથ્થ્રથી તમામ ઘરેણા ઘસી જોતાં તે ખોટા જેવા લાગતાં મેં લાલજીભાઇને કહેલું કે આપણે સોની પાસે ટચ કઢાવવું પડશે. આથી અમે મોટરસાઇકલ પર બેસી સોની બજારમાં ગયા હતાં. જ્યાં ઘરેણા ચેક કરાવતાં ખોટા હોવાનું જણાયું હતું. આથી તુરતં અમે ક્રિશા ફાયનાન્સમાં ગયા હતાં ત્યારે પંકજભાઇ ત્યાં હાજર નહોતાં. તેને અમે ફોન કરીને વાત કરી ઘરેણાની અમારે જરૂર નથી, રૂપિયા પાછા આપી દો તેમ કહેતાં પંકજભાઇએ હવે હાલમાં રૂપિયા નથી, કાલે બપોરે ત્રણ વાગ્યે આવજો તમારા રૂપિયા આપી દઇશ તેમ કહ્યું હતું.
અમે બીજા દિવસે પણ ત્યાં ગયા હતાં. પરંતુ ત્યારે ક્રિશા ફાયનાન્સ ઓફિસ બંધ હતી. લાલજીભાઇએ અને મેં વારંવાર પંકજભાઇને ફોન કર્યા હતાં પણ ફોન રીસીવ થયો નહોતો. બાદ અમે અમદાવાદ ઓફિસ ખાતે જાણ કરતાં ફરિયાદ નોંધાવવા કહેવાયું હતું. આમ અમારા ગ્રાહકના ૧૫ લાખના ઘરેણાની લોન પેટે ક્રિશા ફાયનાન્સના સંચાલક અને તેના માણસે અમારી પાસેથી રોકડા રૂા. ૧૫,૬૦,૦૦૦ મેળવી લઇ તેની સામે ખોટા હોલમાર્કવાળા ઘરેણા ધાબડી દઇ ઠાઇ કરી હતી. તેમ વધુમાં ભગવાનસિંહે જણાવતાં ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:40 PM IST)










