<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ધોરણ-૧૦ની છાત્રાનું ભક્‍તિનગર સર્કલેથી અપહરણઃ સ્‍લીપર કોચ બસમાં ડીજે ગોૈરવનો બે વાર બળાત્‍કાર

સોશિયલ મિડીયા મારફત મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી હદ વટાવી દીધી : ઇન્‍સ્‍ટાગ્રામથી મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી ૧૫ વર્ષની બાળાને ફસાવીઃ એક વખત મવડી મીરાબાઇ ટાઉનશીપમાં ઘરે લઇ જઇને પણ બળજબરી આચરી હતીઃ ભક્‍તિનગર પોલીસે ધરપકડ કરી : ૭મીએ બાળા ગૂમ થઇ, ૮મીએ સાંજે પરત ઘરે આવીઃ માતા-પિતાએ ફોસલાવીને પુછતાછ કરતાં સમગ્ર ઘટના બહાર આવીઃ ચોટીલાથી અમદાવાદ જતી વખતે અને ત્‍યાંથી પરત આવતી વખતે બે વખત ચાલુ બસે બળજબરી આચરી

રાજકોટ તા. ૯: સોશિયલ મિડીયાનો ઉપયોગ કરી સગીરાઓને ફસાવી લેવાના કિસ્‍સામાં વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. શહેરના મવડી વિસ્‍તારમાં આવાસ ટાઉનશીપમાં રહેતાં અને ડીજે વગાડવાનું કામ કરતાં ૧૯ વર્ષના શખ્‍સે ધોરણ-૧૦માં ભણતી ૧૫ વર્ષની બાળાને ઇન્‍સ્‍ટાગ્રામ મારફત ફ્રેન્‍ડ બનાવી ફસાવી લગ્નની લાલચ આપી પોતાના ઘરે બોલાવી દૂષ્‍કર્મ આચરી લઇ તેમજ આજથી બે દિવસ પહેલા ભક્‍તિનગર સર્કલ પાસેથી અપહરણ કરી ટુવ્‍હીલરમાં ચોટીલા અને ચોટીલાથી સ્‍લીપર કોચ બસમાં અમદાવાદ લઇ જઇ, તેમજ પરત આવી આવતાં-જતાં ચાલુ બસમાં જ બે વખત દૂષ્‍કર્મ આચરી લેતાં ચકચાર મચી ગઇ છે. દિકરી ઘરમાંથી ગૂમ થઇ જતાં અને બીજા દિવસે સાંજે પાછી આવતાં  માતા-પિતાએ પુછતાછ કરતાં આ સમગ્ર હકિકત સામે આવી હતી.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે ભોગ બનનાર ૧૫ વર્ષની બાળાના પિતાની ફરિયાદ પરથી મવડી વગડ ચોકડી પાસે આવાસ યોજના મીરાબાઇ ટાઉનશીપ બી-૨, ૮૦૭માં રહેતાં ગોૈરવ વિનોદભાઇ ટાંક  (ઉ.વ.૧૯) સામે અપહરણ-બળાત્‍કાર-પોક્‍સો હેઠળ ગુનો નોંધી તેને પકડી લઇ તપાસ હાથ ધરી છે. આરોપી શખ્‍સ ડીજે વગાડવાનું કામ કરે છે. જ્‍યારે ભોગ બનનાર બાળા ધોરણ-૧૦માં અભ્‍યાસ કરે છે. ઇન્‍સ્‍ટાગ્રામ થકી દોઢ બે વર્ષ પહેલા આ શખ્‍સે છાત્રાને મિત્ર બનાવી હતી અને તેનું શોષણ કર્યુ હોવાનો આરોપ મુકાયો છે.

ફરિયાદીએ જણાવ્‍યું છે કે મારે સંતાનમાં એક દિકરી છે જે ૧૫ વર્ષની છે. ગત તા. ૭/૧૨ના રોજ હું કામેથી છુટીને ઘરે આવ્‍યો ત્‍યારે દિકરી ઘરમાં ન હોઇ મેં પત્‍નિને પુછતાં તેણીએ હું રૂમમાં સુતી હતી, જાગીને સાંજે સાડા પાંચેક વાગ્‍યે જોતાં પ્રિયા નહોતી, શોધખોળ કરવા છતાં તે મળી નથી. આ વાત જાણી મેં અને મારા પત્‍નિએ દિકરીની શોધખોળ ચાલુ કરી હતી પરંતુ મળી આવી નહોતી. બાદમાં ૮મીએ રાતે મારી દિકરી પરત ઘરે આવી જતાં અમે તેની પુછપરછ કરતાં તેણીએ કહ્યું હતું કે-૭મીએ સાંજે સાડા પાંચેક વાગ્‍યે હું ભક્‍તિનગર સર્કલ ખાતે ગઇ હતી. જ્‍યાં મારો ફ્રેન્‍ડ ગોૈરવ ટાંક ઉભો હોઇ તે મને એક્‍ટીવામાં બેસાડી ચોટીલા લઇ ગયો હતો.

બાદમાં સાંજે સાતેક વાગ્‍યે અમે ચોટીલા પહોંચી ગયા હતાં. જ્‍યાં ગોૈરવે એક્‍ટીવા મુકી દીધુ હતું અને ત્‍યાંથી તે મને અમદાવાદ ફરવા જઇએ તેમ કહી પ્રાઇવેટ સ્‍લીપર કોચ લક્‍ઝરી બસમાં મને બેસાડી હતી. બસ આગળ જતાં ગોૈરવે કહેલું કે-આપણે લગ્ન કરી લઇશું. આ પછી તેણે ચાલુ બસમાં જ શરીર સંબંધ બાંધી લીધો હતો. આ પછી અમે રાતે અગીયારેક વાગ્‍યે અમદાવાદ પહોંચ્‍યા હતાં. જ્‍યાં ગોૈરવએ મને જુદી જુદી જગ્‍યાએ ફેરવી હતી. આ પછી રાતે  ત્રણેક વાગ્‍યે ગોૈરવ અને હું અમદાવાદથી ચોટીલા આવવા ફરીથી એક સ્‍લીપર કોચ બસમાં બેઠા હતાં. ફરી વખત તેણે શરીર સંબંધ બાંધવાનું કહેતાં મેં તેને ના પાડી હતી. પરંતુ મને ગોૈરવે તેની વાતોમાં લઇ ફરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. ત્‍યાં ચોટીલા આવી જતાં અમે ઉતરી ગયા હતાં.

બાદમાં એકટીવા ચોટીલા રાખ્‍યું હોઇ ત્‍યાંથી સવારે નવેક વાગ્‍યે રાજકોટ તરફ આવવા નીકળ્‍યા હતાં. રાજકોટમાં પણ ૮મીએ સાંજ સુધી ગોૈરવે મને અલગ અલગ જગ્‍યાએ ફેરવી હતી. પછી મને ઉતારીને ઘરે જવાનું કહી દીધુ હતું. આ પછી અમે દિકરીને ફોસલાવીને પુછતાં તેણે ગોૈરવ મવડી વગડ ચોકડીએ મીરાબાઇ ટાઉનશીપમાં રહેતો હોવાનું કહ્યું હતું. તેમજ એ પણ કહ્યું હતું કે ગત જુન મહિનામાં પણ ગોૈરવ મને તેના ઘરે લઇ ગયો હતો અને ત્‍યાં પણ લગ્નની લાલચ આપી મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. આ રીતે મારી દિકરીને ફસાવીને દૂષ્‍કર્મ આચરી લેવાયું હોઇ અમે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં ફરિયાદીએ કહેતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં એએસઆઇ એચ. કે. ડાંગર, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી આરોપીને ઝડપી લીઇ કાયદેસરની કાર્યવાહી કરી છે. 

(2:41 PM IST)