<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ૩ લાખ ૪૪ હજાર મતદારો મૃત-સ્‍થળાંતરિત-ગેરહાજર નીકળ્‍યાઃ આ તમામ નામો રદ કરાશે

૩ાા લાખ મતદારોની યાદી પ્રસિધ્‍ધ કરાઇઃ BLO ને અપાઇઃ કલેકટરની સત્તાવાર જાહેરાત ગુરૂવારે SIRનો છેલ્લો દિવસઃ ૮પ.પ૭ ટકાનું ડીજીટાઇઝેશનઃ ર૦ લાખ ૪૬ હજાર આસપાસ મતદારો રહેશે ૧૬મીએ મતદાર યાદીનો પ્રાથમિક મુસદો જાહેર કરાશેઃ ઝડપી કામગીરી બદલ તમામની પીઠ થાબડતા ઓમપ્રકાશ

રાજકોટ તા. ૯ :.. ભારત ચૂંટણી પંચ, નવી દિલ્‍હીની સૂચના અનુસાર રાજ્‍યભરમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્‍યો છે. તા. ૨૭/૧૦/૨૦૨૫ની જાહેરાતથી રાજકોટ સહિત સમગ્ર રાજ્‍યમાં શરૂ કરાયેલ SIRની કામગીરી તારીખ ૧૧/૧૨/૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર શ્રી ડો. ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની ૮ વિધાનસભા મતવિસ્‍તારનાં બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા તા. ૦૪.૧૧.૨૦૨૫થી ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મ (Enumeration Form-EF)નું વિતરણ તેમજ ભરેલા ફોર્મનું સંકલન હાથ ધરવામાં આવ્‍યું હતું. રાજકોટ જિલ્લામાં ૨૨૫૬ મતદાન મથકોનાં બી.એલ.ઓ તેમજ બી.એલ.એ.ઓની  મહેનતથી કુલ ૨૩,૯૧,૦૨૭ મતદારોની ઘરે-ઘરે ચકાસણી કરી ઈ.એફ. (ગણતરી ફોર્મ) ભરાવવામાં આવેલ છે અને તેનું બી.એલ.ઓ એપમાં ડિજીટાઈઝેશન કરવામાં આવ્‍યું છે. મતદારોની ડોર ટુ ડોર ખરાઈ દરમિયાન ૨૦,૪૬,૦૯૦ એટલે કે ૮૫.૫૭ ટકા મતદારોનું ઈ.એફ. ડીજીટાઈઝેશન કરવામાં આવ્‍યુ છે. આ નામોની વિશેષ ખરાઈ કરી બી.એલ.ઓ. દ્વારા તેઓનું વર્ષ ૨૦૦૨ની મતદાર યાદીના સંદર્ભમાં મેપિંગ પણ કરવામાં આવ્‍યું છે. આ પૈકી ૩,૦૫,૦૭૩ મતદારોએ ૨૦૦૨ની મતદાર યાદી સંદર્ભે બી.એલ.ઓ. સમક્ષ પૂરાવાઓ પૂરા પાડેલ નથી. જેઓની વિશેષ ખરાઈ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. આ મતદારોએ કમિશનના જણાવ્‍યા અનુસારના પૂરાવાઓ પોતાના બી.એલ.ઓ.ને તાત્‍કાલિક પૂરા પાડવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

મતદારોની ચકાસણી દરમિયાન કુલ ૮૮,૮૨૦ મતદારો મળત જાહેર થયેલ છે. જ્‍યારે ૬૪,૭૧૦ મતદારો સ્‍થળ પર મળી આવ્‍યા નથી. કુલ ૧,૭૧,૮૭૬ મતદારો કાયમી સ્‍થળાંતરિત થયેલા જણાય છે. જ્‍યારે ૧૦,૩૭૧ મતદારોના નામ મતદાર યાદીમાં બેવડાયેલા જાહેર થયા છે અને ૯,૧૬૦ મતદારો દ્વારા વિગતો જાહેર કરવામાં આવી નથી. આમ, કુલ ૩,૪૪,૯૩૭ મતદારો ગેરહાજર, સ્‍થળાંતરિત અથવા મળત માલુમ પડેલ છે. આવા ASD (Absent – Shifted – Death) વર્ગનાં  મતદારોની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રી, રાજકોટ દ્વારા rajkot.nic.in તથા rajkot.gujarat.gov.inઁ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ યાદી મતદારોના સંબંધિત ભાગના બી.એલ.ઓ. તથા બી.એલ.એ.ની પાસે પણ ઉપલબ્‍ધ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રી દ્વારા મતદારોને પોતાના નામની ખરાઈ માટે આ યાદીઓની ચકાસણી કરવા અનુરોધ કરવામાં આવ્‍યો છે. તા. ૧૬/૧૨/૨૦૨૫ના રોજ મતદાર યાદીનો પ્રાથમિક મુસદ્દો તમામ મતદાર મથકો પર પ્રસિદ્ધ કરવામાં આવશે ત્‍યારે આ ASD યાદીનાં મતદારોના નામો મતદાર યાદીમાં સામેલ કરવામાં આવેલ નહીં હોય. જેથી આવા મતદારોને પોતાનું નામ યાદીમાં ચકાસી તા. ૧૧/૧૨/૨૦૨૫ સુધીમાં પોતાનું ગણતરી ફોર્મ (ઈ.એફ.) બી.એલ.ઓ.શ્રીને જમા કરાવવા ખાસ અનુરોધ  કર્યો છે. વધુમાં, જે મતદારોનું નામ ૨૦૦૨ની મતદાર યાદીમાં મળી આવેલ નથી તેઓએ પોતાના બી.એલ.ઓ.ને જરૂરી પૂરાવાઓ તાત્‍કાલિક ધોરણે જમા કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

રાજકોટ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી ડો. ઓમપ્રકાશે SIR ઝુંબેશમાં સામેલ તમામ બૂથ લેવલ ઓફિસર્સશ્રીઓ, બી.એલ.ઓશ્રીઓ, સુપરવાઈઝરશ્રીઓ, ઈ.આર.ઓશ્રીઓની  આ તકે સુંદર કામગીરી બદલ સરાહના કરી હતી.

(3:05 PM IST)