<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

મવડી ચોકડીએ નીલા સ્‍પામાં ચાલતું કૂટણખાનુ તાલુકા પોલીસનો હોમગાર્ડ અને પુર્વ જીઆરડી ચલાવતાં હતાં!

એએચટીયુના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ, પીએસઆઇ ગોસ્‍વામી અને ટીમનો ડમી ગ્રાહક મોકલી દરોડોઃ બંગાળ-દિલ્‍હીની લલનાઓ પાસે દેહવેપલો કરાવતાં હતાં: હોમગાર્ડ રૂષી જાની, પુર્વ જીઆરડી સુનિલ ચાવડા, વિશાલ તેમજ હાઉસકીપર સુશાંત, ટેલીકોલર ગુંજાદેવી વિરૂધ્‍ધ કાર્યવાહી

રાજકોટ તા. ૯: શહેરમાં સ્‍પાની આડમાં ચાલી રહેલા કૂટણખાનાઓનો અગાઉ પર્દાફાશ થયા બાદ વધુ એક આવા કાળાધંધાનો પર્દાફાશ એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ (એએચટીયુ)ની ટીમે કર્યો છે. મવડી ચોકડી પાસેના નીલા સ્‍પામાં દરોડો પોલીસે કાર્યવાહી કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ કૂટણખાનાના ત્રણ સંચાલકોમાં બે હોમગાર્ડ જવાન અને પુર્વ જીઆરડી પણ સામેલ છે. પોલીસે આ ત્રણેય તેમજ હાઉસકીપર બોય  અને ટેલીકોલર ગર્લ સહિત પાંચ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

શહેરમાં સ્‍પાના ઓઠા નીચે ધમધમતાં કૂટણખાના ઉપર પોલીસની ધોંસ  યથાવત રહી છે. દરમિયાન મવડી ચોકડી નજીકની  સોસાયટીમાં આવેલાં નીલા સ્‍પામાં લોહીનો વેપલો ચાલતો હોવાની બાતમી પરથી એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે એએચટીયુની ટીમે દરોડો પાડી કૂટણખાનું પકડી પાડયું હતું. આ સ્‍પામાં કૂટણખાનું તાલુકા પોલીસ મથકમાં જ નોકરી કરતો હોમગાર્ડનો જવાન ઋષિ સુરેશ જાની, અગાઉ જીઆરડીમાં ફરજ બજાવતો સુનિલ નાથાભાઈ ચાવડા અને કાર લે-વેચનું કામ કરતો વિશાલ ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું. આ ત્રણેય આરોપીઓ હાજર નહીં મળતાં વોન્‍ટેડ દર્શાવાયા હતાં. આ ત્રણેય તેમજ હાઉસ કીપર બોય અમરનાથ પ્‍લોટ લાભમુળ એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં રહેતો નેપાળી સુશાંત પદ્દમ શરકી અને ટેલીકોલર તરીકે કામ કરતી મુળ દિલ્‍હીની ગુંજાદેવી કિશનકુમાર શાહ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો હતો.

પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટના જણાવ્‍યા મુજબ હોમગાર્ડનો જવાન ઋષિ પોતે તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતો હોવાથી તેને ખાત્રી હતી કે તેના સ્‍પા ઉપર રેઈડ નહીં પડે. આમ છતાં તેણે પોતાના સ્‍ટાફને પોલીસની ગતીવીધીઓ ઉપર નજર રાખવા માટે સૂચના આપી દીધી હતી.  એએચટીયુની ટીમે ડમી ગ્રાહકને મોકલતાં તેની પોલ પકડાઇ ગઇ હતી. અહિ ગ્રાહકો પાસેથી  રૂા. ૧,૦૦૦ એન્‍ટ્રી ફીના અને એકસ્‍ટ્રા સર્વિસ માટે રૂા. ૨,૦૦૦ વસુલાતા હતાં. સ્‍પામાંથી દિલ્‍હીની બે અને પશ્ચિમ બંગાળની એક મળી કુલ ત્રણ રૂપલલના મળી આવી હતી.

સ્‍પામાંથી પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂા. ૨૫,૪૫૯ નો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસ મથકમાં એએચટીયુની ટીમે ગુનો દાખલ કરાવ્‍યો હતો.  ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા ચાર માસમાં ૧૬ સ્‍પા અને હોટલોમાંથી કૂટણખાના પકડાયા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ, પીએસઆઇ એ. કે. ગોસ્‍વામી, હેડકોન્‍સ. જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણી, મહમદઆરીફ અંસારી, કોન્‍સ. હસમુખભાઇ બાલધા, ભુમિકાબેન ઠાકર, શાંતુબેન મુળીયા, મહેશ ગણેશપ્રસાદ, લોકરક્ષક જ્‍યોતિબેન બાબરીયાએ આ કામગીરી કરી હતી.

(3:40 PM IST)