<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

આચાર્ય રજનીશની ભગવાન રજનીશમાંથી ઓશો સુધીની દિવ્‍ય સફર

માત્ર કલ્‍પના કરી જુઓ કે જે હસ્‍તી એક માનવ હોવા છતાંપણ તેમના ચાહકો, અનુયાયીઓ અને ફોલોઅરોમાં સાક્ષાત ભગવાન તરીકે પૂજાતી હોય, જેની સાવ નજદીકથી ઊભા રહીને તેમની ક્ષણમાત્રની એક ઝલક પામવા માટે તેમને માનનારા વિશ્વના ટોચના અબજોપતિઓ, ઉધોગપતિઓ, નેતાઓ અને સેલેબ્રિટીઓ પણ સસ્‍તા અનાજની દુકાને રાશન ખરીદવા લાઇનમાં ઊભા રહીને જલ્‍દીથી રાશન મેળવવા માટે પડાપડી કરતા ગરીબોની જેમ ધોમ તપતા તાપમાં કલાકો સુધી કતારમાં ઊભા રહીને તેમનો એક દીદાર મેળવીને પોતાની જાતને ધન્‍ય અનુભવતા હોય, જેમણે દુનિયાભરના સૌથી વધુ આશરે દોઢ લાખ કરતાં પણ વધારે પુસ્‍તકોનું વાંચન કર્યું હોય, જેમની ગણના વિશ્વભરના સૌથી ઊંચા અને ટોચના નામી ફિલોસોફરોમાં થતી હોય અને જેઓ ભારતના એક આધ્‍યાત્‍મિક ગુરુ અને ધર્મ ગુરુ તરીકે ઊભરી આવીને વિદેશોમાં સેક્‍સ ગુરૂ તરીકે ખુબજ પ્રખ્‍યાત થયેલા હોય તેવા જાજરમાન વ્‍યક્‍તિત્‍વના માલિક અને દેશના સૌથી લોકપ્રિય યોગગુરુ એ બીજું કોઈ નહીં પરંતુ આચાર્ય રજનીશ એટ્‍લે કે ભગવાન રજનીશ પોતેજ છે.

‘ભગવાન રજનીશ' નામમાંથી ભગવાન શબ્‍દને વિરામ આપીને ગૂઢ રહસ્‍યોથી ભરપૂર એવા ‘ઓશો' તરીકેનું તક્‍લ્‍લુફ અપનાવનારા ભગવાન રજનીશ જગતના આધ્‍યાત્‍મિક અને ‘ઓશો' શબ્‍દનો ઉપયોગ પોતાના ઉપનામ તરીકે કરે છે કારણ કે ‘ઓશો'એ સમુદ્રની રહસ્‍યમય ગહેરાઈઓની માફક ઘણા બધા ભાવો અને ગુણોને એકસાથે આવરી લેતો એક મહાન અને ખુબજ મૈત્રીપૂર્ણ શબ્‍દ છે જે સુંદરતા, પ્રેમ, પ્રિયતમ, ઊંડી કૃતજ્ઞતા, આદર અને સત્‍કારની વિવિધ ક્રિયાઓને એકસાથે દર્શાવે છે જેનું સન્‍માનભર્યું સ્‍થાન ઓશોના કહેવા મુજબ વિશ્વભરની દરેક ભાષાઓના હર એક શબ્‍દકોષોમાં આવશ્‍યપણે હોવુંજ જોઇએ.     

ઓશોનો અર્થ થાય છે અનંત એટ્‍લે કે જેને સમુદ્ર સાથે એક થવાનો અનુભવ થાય છે એવું. ‘ઓશો' એટ્‍લે પરમાત્‍માની અસિમ કૃપાથી પૃથ્‍વીની મુલાકાતે આવેલું ઈશ્વરનું એક એવું વિશિસ્‍ટ સંતાન જે સર્વ ગુણોથી સંપન્ન છે અને જેની પૃથ્‍વી પરની હાજરી સબબ તેના પર અનંત બ્રહ્માંડમાંથી ફૂલોની વર્ષા કરવામાં આવે છે. 

ભગવાન રજનીશની ફિલસૂફી મુજબ ઓશો શબ્‍દને યુનાઈટેડ સ્‍ટેટ્‍સના મહાન ફિલોસોફર અને અમેરિકન મનોવિજ્ઞાનના પિતામહઃ એવા વિલિયમ હેનરી જેમ્‍સની કવિતા ઓસેનિક ફીલિંગમાં પ્રયોગમાં લેવાયેલા ‘ઓસેનિક' શબ્‍દ પરથી લેવામાં આવ્‍યું છે જેનો આધ્‍યાત્‍મિક દ્રષ્ટિએ ગૂઢ અર્થ થાય છે વિશાળતા, અનંતતા, શાશ્વતતા અને અમરત્‍વતાના ગાઢ સમુદ્રમાં સંપૂર્ણપણે સમાઈને તેમાં વિલીન થઈ જવું. 

મહાસાગર એ તો જીવનની શરૂઆત છે અને તે પણ માત્ર રૂપકરૂપેજ નહીં પરંતુ વાસ્‍તવરૂપે હકીકતમાં. આપણે સૌ ભૌતિક રીતે વિશાળ સમુદ્ર માંથી છીએ જે આધ્‍યાત્‍મિક દ્રસ્‍ટીએ નરી આંખોથી જોઈ શકાતું નથી માટે આપણને જ્‍યારે સમુદ્રની અનંત ગહેરાઈઓમાં સમાઈ જવાનું આમંત્રણ મળે છે ત્‍યારે આપણે પૃથ્‍વીની સૂકી જમીન તરફ દોડીએ છીએ જે એક મૃત્‍યુલોક સમાન છે કારણ કે માત્ર સ્‍મશાનજ સમુદ્રની બહાર છે અને જીવન તો સમુદ્રી બનવામાંજ રહેલું છે.

‘ઓશન' શબ્‍દ એ વિશ્વના મહાન કવિ વિલિયમ જેમ્‍સે જગતને આપેલો છે જેનો મતલબ થાય છે ‘સમુદ્રીય'. મહાસાગર હંમેશાથી રહ્યો છે અને તે હંમેશા ત્‍યાંજ રહેવાનોજ છે કારણ કે તેના વગર જીવન શક્‍યજ  નથી. પૃથ્‍વી પરના સમુદ્રના તરંગો પર જેમ મોજાઑ આવતા રહે છે તેવીજ રીતે ચેતનાના સમુદ્રમાં અનંત આનંદ, અનંત પ્રભાત અને અનંત ઉજવણીના તરંગો પર તરંગો આવતાજ રહે છે. જગત એ સ્‍વયં એક મહાસાગર છે જે દુનિયાભરમાંથી થયેલા અનુભવોનું વર્ણન કરે છે પરંતુ અહિયાં સ્‍વયંને અનુલક્ષીને શૈક્ષણિક, સાંસારિક, આલોકિક, યોગીક અને અધ્‍યાત્‍મિક જેવા દુનિયાના તમામ પ્રકારના અનુભવો જેણે જાતેજ કરેલા છે તેવા અનુભવીને એટ્‍લે કે પોતાને ભગવાન રજનીશ ‘ઓશો' કહે છે.

આમ ‘ઓશો' શબ્‍દની વિશાળતા દર્શાવી પોતાના રજનીશ નામ સાથે ‘ભગવાન' શબ્‍દનો પ્રયોગ બંધ કરીને ‘ઓશો' નામ ધારણ કરનારા ઓશોનો જન્‍મ આજથી આશરે તાણું વર્ષો પહેલા ઓગણીસમી સદીમાં ત્રીસના દશકમાં વર્ષ ૧૯૩૧ની સાલમાં તારીખ ૧૧મી ડિસેમ્‍બરના રોજ આજના મધ્‍ય ભારતના મધ્‍ય પ્રદેશ રાજ્‍યના નાના ગામ કુચવાડામાં અને અંગ્રેજોના તાબા હેઠળના ત્‍યારના ભારતના એ વખતના ભોપાલ સ્‍ટેટના રાયસન જિલ્‍લાના બરેલી તાલુકાનાં ગામ કુચવાડાના એક તરણપંથી જૈન પરિવારમાં તેમની દાદીમાંના ઘરમાં થયો હતો.

ઓશોના પિતા બાબુલાલ જૈન કાપડના એક વેપારી હતા. તેમની માતાનું નામ સરસ્‍વતી જૈન હતું અને તેઓ તેમના માતપિતાના અગિયાર સંતાનોમાં સૌથી મોટા પુત્ર હતા.

ઓશોનું બાળપણનું નામ ચંદ્રમોહન જૈન હતું પરંતુ બધા તેમને પ્રેમથી રજનીશ કહીને બોલાવતા. ભારતની સૌથી પૌરાણિક ગણાતી ઋષિ મુનિઓ વખતની પ્રાચીન સંસ્‍કૃત ભાષામાં રજનીશનો મતલબ રજ એટ્‍લે રાજા અને નિશ એટ્‍લે રાત્રી એવો અર્થ થાય છે. વાસ્‍તવિક જીવનમાં પણ ઓશો પોતાના નામ રજનીશના મતલબને ખરા અર્થમાં સાર્થક કરેલું અને જ્‍યાં સુધી તેઓ પૃથ્‍વી પર રહેલા ત્‍યાં સુધી એક રાજાની માફકજ જીવેલા.       

ઓશોના જન્‍મ બાદ તેમના દાદીમાંના મૃત્‍યુ પછી તેઓને  તેમના નાના-નાની સાથે રહેવા માટે મોકલવામાં આવેલા જ્‍યાં તેઓ તેમની બાલ્‍યાવસ્‍થાની સાત વર્ષની ઉમર સુધી તેમની સાથે રહેલા અને તે ગામમાં કોઈપણ શાળા આવેલી ના હોય ઓશો તેમની સાત વર્ષની ઉમર સુધી કોઈપણ શાળાએ ભણવા માટે નહોતા ગયેલા.   

ઓશોના નાના નાનીએ તેમના પર શિક્ષણને લગતા કે અન્‍યો કોઈપણ પ્રકારના કોઈ પ્રતિબંધો નહીં લાદેલા અને તેમને સંપૂર્ણપણે ચિતામુક્‍ત અવસ્‍થામાં એકદમ સ્‍વતંત્ર છોડી દીધેલા જે સ્‍વતંત્રતાએ તેમને  બાળપણથીજ એક બળવાખોર મનોવૃતિવાળા અને સત્‍યની ખોજ ખાતર સામાજિક, ધાર્મિક અને દાર્શનિક એમ તમામ માન્‍યતાઓ પર સવાલ ઉઠાવનારા અત્‍યંત નીડર સ્‍વભાવના નિર્ભય વ્‍યક્‍તિત્‍વવાળા એક પ્રભાવશાળી વ્‍યક્‍તિ તરીકેનું ઘડતર કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવેલ છે

ઓશોએ જણાવ્‍યા મુજબ બાળપણમાં તેમને મળેલી સંપૂર્ણ સ્‍વતંત્રતા, પ્રેમ, આદર અને રૂઢિચુસ્‍ત ઉપદેશોથી દૂર રાખવાના અસાધારણ વાતાવરણે તેમના શ્રેષ્ઠતમ વિકાસમાં ખુબજ મહત્‍વનો ભાગ ભજવેલો છે. 

ઓશોના જન્‍મ પછી તેમની કુંડળી બનાવનાર જ્‍યોતિષીએ એવી આગાહી કરીને કુંડળી બનાવવાની ના પાડી દીધેલી કે આ બાળકના જીવનમાં ત્રણ વખત મરણ યોગ લખેલો છે જે તેની ઉંમરના દર સાત વર્ષના પડાવો દરમ્‍યાન અચૂકપણે આવશે આથી જે વ્‍યક્‍તિનું મૃત્‍યુ નિヘતિ છે તેની કુંડળી શું બનાવવી. પરંતુ એ જ્‍યોતિષીએ એવી આગાહી  પણ કરેલી કે જો આ બાળક તેની ત્રણેય ઘાતોમાંથી હેમખેમ પસાર થઈને જીવી જશે તો તે બુદ્ધની જેમ એક મહાન સંત બનશે.  

ઓશોના જીવનમાં બનવા પામેલા આ ઘટનાક્રમે તેમને બચપણથીજ મૃત્‍યુ વિષે વિચારતા કરી મૂકેલા. ઓશો જ્‍યારે સાત વર્ષના હતા ત્‍યારે તેમને તેમના બીમાર નાનાજીને નજીકના ગામના ડોક્‍ટર સુધી પહોંચાડવા માટે બળદગાડામાં પાછળ બેસીને તેમની સાથે લાંબી મુસાફરી કરવાની ફરજ પડે છે. આ સમગ્ર મુસાફરી દરમ્‍યાન તેમના નાનાજી  ઓશોના ખોળામાં માથું રાખીને સૂતેલા છે જેઑ ડોક્‍ટર સુધી પહોંચતા પહેલાજ રસ્‍તામાંજ મૃત્‍યુ પામે છે. તેમના ખોળામાં માથું રાખીને સૂતેલા બીમાર નાનાજીના મૃત્‍યુની આ ઘટનાથી તેમના આંતરિક મન અને જીવન પર ઘણી ઊંડી અસર પડે છે. આ સંદર્ભે ઓશો કહે છે કે તેમના મૌનની તે ક્ષણમાં હું ઘણું શીખ્‍યો છું અને ત્‍યાર પછી મેં એક નવી શોધ, નવી તીર્થયાત્રાની શરૂઆત કરી છે.

ઓશોના જીવનનું સાતમુ વર્ષ તો હેમખેમ પસાર થઈ ગયું પરંતુ તેમની જન્‍મ કુંડળી બનાવવાની ના પાડનારા જ્‍યોતિષીનું મૃત્‍યુ થઈ ગયું આથી તે જ્‍યોતિષના પુત્રએ ઓશોની જન્‍મ કુંડળી બનાવી અને જીવનમાં ૧૪ અને ૨૧ માં વર્ષે મોતનો સામનો કરવાનો યોગ બતાવ્‍યો. ઓશો જ્‍યારે પણ જીવનના સાત વર્ષના ચક્રમાંથી પસાર થતાં ત્‍યારે ઓશોનું મૃત્‍યુ વિષે વિચારીને તેમના માતપિતા ખુબજ દુઃખી થઈને ગભરાઈ જતાં.

ઓશો કહે છે કે મારી જન્‍મ કુંડળી બનાવવાની ના પડનારા તે જ્‍યોતિષીની આગાહી સાચી હતી કારણ કે મને જીવનમાં બે વખત મૃત્‍યુનો અનુભવ થયેલો છે જેમાં એક મારી સાત વર્ષની ઉંમરે અને બીજો મારી ૧૪ વર્ષની ઉમરે. મારી સાત વર્ષની ઉંમરે મારા નાનાજીનું મૃત્‍યુ થયેલું અને ચૌદ વર્ષની ઉંમરે મારી નાનપણની ગર્લફ્રેન્‍ડ શશીનું મૃત્‍યુ થયેલું જે ટાઇફોઇડને કારણે મૃત્‍યુ પામી હતી. આમ મૃત્‍યુ તો મારા બંને સ્‍વજનોના થયેલા પરંતુ હું તેમની સાથે લાગણીસભર એટલી હદે જોડાયેલો હતો કે તેમના મૃત્‍યુ વખતે મને એવો અહેસાસ થયેલો કે તેમની સાથે મારૂ પણ મૃત્‍યુ થયેલું છે. મેં બાલિશ રીતે તેમના મૃત્‍યુનું અનુકરણ કરીને ત્રણ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરીને કશું ખાધું પીધું નહીં અને મારા મૃત્‍યુની રાહ જોતો પથારીમાં આડો પડ્‍યો રહ્યો. મારે મરવું હતું તેમછતાં જ્‍યારે હું બચી ગયો ત્‍યારે મને એ વાતનું જ્ઞાન થયું કે મૃત્‍યુ એની નક્કી થયેલી ઘડી પરજ આવે છે. હું મૃત્‍યુની ત્‍યાં સુધી નજીક જઈ આવેલ છું કે  મૃત્‍યુ વિષે હું એક આખું ભાષણ આપી શકું તેમ છું.

નાનાજીના મૃત્‍યુ પછી ઓશો તેમના એકલા બચેલા નાનીને લઈને તેમના માતા પિતા સાથે રહેવા માટે રાયસન જિલ્‍લાના ગાદરવાડા ગામમાં પરત આવી ગયા. અહિયાં ઓશોને તેમની આઠ વર્ષની ઉંમરે  પ્રથમ વખત શાળામાં પ્રવેશ આપવામાં આવ્‍યો. ઓશો નાનપણથીજ ખુબજ ગંભીર અને સરળ સ્‍વભાવના હતા. તેઑ  સરકારી મોડેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા હતા જ્‍યાં તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ એક બળવાખોર વિધાર્થી હતા જેને પરંપરાગત પદ્ધતિઓ બિલકુલ પસંદ ન હતી. તેઓ હંમેશા ધાર્મિક વિધિઓ અને તેના પરિવારની આસ્‍થા પર સવાલ ઉઠાવતા જેમના સચોટ જવાબો શોધવા માટે તેઓ નાની ઉંમરે પુસ્‍તકો તરફ વળ્‍યા. તેમણે કહ્યું કે તેઓ આ પુસ્‍તકો સાથે દિવસો સુધી પોતાની જાતને બંધ કરી દેશે જેના પરિણામે તેઓ સમગ્ર જગતના એક શ્રેષ્ઠ વાચક અને વક્‍તા બની શક્‍યા.

ઓશો પાસે દરેક ધર્મોની ધાર્મિક, ફિલોસોફીક, સાહિત્‍યિક અને  કવિતાઑ સહિત જુદા જુદા વિષયોની મળીને દોઢ લાખ કરતાં પણ વધારે પુસ્‍તકો છે જે તમામ તેમણે વાંચેલી છે અને તે બધીજ પુસ્‍તકો ભારતના પૂના ખાતે આવેલા ઓશો ઇન્‍ટરનેશનલ મેડિટેશન રિસોર્ટમાં આવેલા પુસ્‍તકોના તેમના અંગત સંગ્રાહલયમાં યથાવસ્‍તામાં સચવાયેલી છે.  

ઓશો તેમની કિશોરાવસ્‍થા કાળથીજ નાસ્‍તિક બની ગયા હતા. તેમને ભગવાન અને આસ્‍તિકવાદમાં બિલકુલ વિશ્વાસ નહોતો. તેમણે તેમના વિદ્યાર્થીકાળના સમયથીજ એક કુશળ વક્‍તા અને તર્કશાષી તરીકેની  પોતાની એક આગવી ઓળખ બનાવી લીધી હતી.

ઓશોના જણાવ્‍યા અનુસાર સાલ ૧૯૫૩ના માર્ચ મહિનાની ૨૧મી તારીખે ૨૧ વર્ષની ઉમરે જબલપુરના ભંવરતલ બગીચામાં એક ઝાડ નીચે બેઠેલી અવસ્‍થા દરમ્‍યાન થયેલા એક રહસ્‍યમય અનુભવમાં તેઓ આધ્‍યાત્‍મિક રીતે પ્રબુદ્ધ થયા હતા. ત્‍યારબાદ ઓશો તેમનું ગ્રેજુએશન પૂરું કરવા માટે જબલપુરની હિતકારિણી કોલેજમાં દાખલ થયેલા પરંતુ ત્‍યાંના એક પ્રશિક્ષક સાથે કોઈક વિષય પર થયેલી તકરાર બાદ તેમને ત્‍યાંથી રજા આપી દીધા બાદ તેમણે વર્ષ ૧૯૫૫માં ડીએન જૈન કોલેજમાં ફિલોસોફીમાં તેમનો બી.એ.નો અભ્‍યાસક્રમ પૂરો કર્યો.

સાલ ૧૯૫૭માં ઓશોએ સાગર યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં પ્રથમ વર્ગના સન્‍માન સાથે એમ.એ.પૂરું કર્યું અને ત્‍યારબાદ તેઓ ઓલ-ઈન્‍ડિયા ડિબેટિગ ચેમ્‍પિયનશીપમાં ગોલ્‍ડ મેડલ વિજેતા જાહેર થયેલા. તેમને રાયપુર સંસ્‍કૃત કોલેજમાં અધ્‍યાપનનો હોદ્દો મળી ગયો પરંતુ તેમની વાતોથી તેઓ વિદ્યાર્થીઓની નૈતિકતા, ચારિત્ર્ય અને ધર્મ માટે જોખમી જણાતા વાઈસ ચાન્‍સેલરે ટૂંક સમયમાં તેમની ટ્રાન્‍સફર કરાવી નાખી. ત્‍યારબાદ તેમણે વર્ષ ૧૯૫૮થી જબલપુર યુનિવર્સિટીમાં લેક્‍ચરર તરીકે ફિલસૂફી શીખવ્‍યું જ્‍યાં તેમને સાલ ૧૯૬૦માં પ્રોફેસર તરીકેની બઢતી મળેલી. તેમણે સ્‍થાનિક અખબારમાં સહાયક સંપાદક તરીકે કામ પણ કરી જોયું અને વાર્ષિક સર્વ ધર્મ સંમેલનમાં જાહેરમાં બોલવાનું પણ શરૂ કર્યું.       

વર્ષ ૧૯૬૨માં ઓશોએ જીવન જાગૃતિ કેન્‍દ્રો તરીકે ઓળખાતા તેમના પ્રથમ ધ્‍યાન કેન્‍દ્રો ખોલ્‍યા અને તેમની ચળવળને જીવન જાગૃતિ આંદોલન કે જીવન જાગૃતિ ચળવળ એવું નામ આપ્‍યું. આ સમયગાળા દરમિયાન ઓશોએ નવ વર્ષના સધન અધ્‍યાપન પછી માનવ ચેતનાના ઉછેર માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરવા માટે યુનિવર્સિટી છોડી દીધી. તેઓએ અખંડ ભારતના અને વિદેશોના ખૂબ પ્રવશો કર્યા અને ખુલ્‍લા મેદાનોમાં વીસ થી પચાસ હજાર લોકોની ચિક્કાર મેદનીને એકઠી કરીને સેંકડો સભાઓ સંબોધી. તેમણે સમાજવાદ, મહાત્‍મા ગાંધીની વિચારધારા અને સંસ્‍થાકીય ધર્મની કરેલી ટીકાઓએ તેમને વિવાદાસ્‍પદ બનાવ્‍યા અને માનવ જાતિયતા પ્રત્‍યે સ્‍વતંત્ર અભિગમની હિમાયત કરતા શરૂઆતમાં ઘણા ભારતીય અને ત્‍યારપછી વિદેશી સામયિકોમાં તેમને સેક્‍સ ગુરુ તરીકે સંબોધવામાં આવ્‍યા.

તેમણે જૈન ધર્મ, હિદુ ધર્મ, હાસિદવાદ, તંત્રવાદ, તાઓવાદ, શીખ ધર્મ, સૂફીવાદ, ખ્રિસ્‍તી ધર્મ, બૌદ્ધ ધર્મ, વિવિધ પૂર્વીય અને પヘમિી રહસ્‍યવાદીઓ અને ઉપનિષદો અને ગુરુ ગ્રંથ સાહિબ જેવા પવિત્ર ગ્રંથો સહિતની મુખ્‍ય ધાર્મિક પરંપરાઓ પર વાત કરીને એક આધ્‍યાત્‍મિક ગુરુ તરીકે પોતાની એક એવી આગવી ઓળખ બનાવી લીધી કે સાઇઠના દશકાથી તેઓ આચાર્ય રજનીશના નામથી ઓળખાવા લાગ્‍યા. તેમણે વિવિધ વિષયો પર આપેલા પ્રવચનો અને ભાષણો લોકોને એટ્‍લે બધા પસંદ પડ્‍યા કે સિતેરના દશકથી તેઓ ‘ભગવાન રજનીશ'ના નામથી લોકપ્રિય થઈ ગયા. તેમણે સાલ ૧૯૮૯ માં અધ્‍યાત્‍મિક રીતે બુદ્ધિપૂર્વકની શોધ અને સંશોધન કરીને બોધ્‍ધ ધર્મને અનુસરતું ‘ઓશો' નામ પસંદ કર્યું જે તેમની વિશ્વ ઓળખ બની ગયું.

સિતેરના દશકના એપ્રિલ મહિનાની ૧૪મી તારીખે તેમણે તેમની ક્રાંતિકારી ધ્‍યાન ટેકનિક ગતિશીલ ધ્‍યાનનો પરિચય કરાવ્‍યો કે જે અનિયંત્રિત ચળવળ અને કેથાર્સિસના સમયગાળાથી શરૂ થાય છે જેમાં  મૌન અને નિヘતિતાનો એક સમયગાળો આવે છે. તેમણે વર્ષમાં ચાર વખત તે તીવ્ર દસ દિવસીય ધ્‍યાન શિબિરોનું આયોજન કરવાનું શરૂ કર્યું જેને પ્રચંડ સફળતા મળી.ઓશોની આ ધ્‍યાન ટેક્રિક ત્‍યારબાદ એટલી બધી પ્રચલિત થયેલી કે ત્‍યારથી મનોચિકિત્‍સકો, તબીબી ડોકટરો, શિક્ષકો અને વિશ્વભરના અન્‍ય વ્‍યાવસાયિકો તેનો ઉપયોગ દ્વારા કરવા લાગેલા.

ઓશોના મત મુજબ યોગ એટલે સંઘ કે સંઘનું વિજ્ઞાન અને જ્‍યાં સુધી વાસ્‍તવિકતા સાથે જોડાણનો સંબંધ છે ત્‍યાં સુધી ધ્‍યાન એ સૌથી સર્વોચ્‍ચ ઘટના છે. ધ્‍યાન એ યોગનો દેવ છે. ઓશોએ ધ્‍યાનને માત્ર એક પ્રેક્‍ટિસ તરીકે નહીં, પરંતુ દરેક ક્ષણમાં જાળવવાની જાગૃતિની સ્‍થિતિ તરીકે રજૂ કર્યું, એક સંપૂર્ણ જાગૃતિ જે વ્‍યક્‍તિને માન્‍યતાઓ અને અપેક્ષાઓ દ્વારા કન્‍ડિશન્‍ડ યાંત્રિક પ્રતિભાવોની ઊંઘમાંથી જાગૃત કરે છે.

ઓશોએ ધ્‍યાનની કુલ મળીને એકસો કરતાં વધુ ટેકનિકો સૂચવી છે અને આ સક્રિય ધ્‍યાન ટેકનીકોને શારીરિક પ્રવૃત્તિના અલગ અલગ તબક્કાઓ દ્વારા વર્ગીકૃત કરેલ છે જે મૌન તરફ દોરી જાય છે.  ઓશોએ ધ્‍યાનની ટેક્રિકને સૌથી ગતિશીલ ગણાવી છે જે તેમના લ્લષ્ટિકોણના એક પ્રકારનું સૂક્ષ્મ વિશ્વ તરીકે વર્ણવવામાં આવ્‍યું છે. ઓશોએ જણાવ્‍યા મુજબ ધ્‍યાનને બંને આંખો બંધ કરીને  અથવા તો આંખે પાટા બાંધીને કરવામાં આવે છે જે પાંચ તબક્કાઓનો સમાવેશ કરે છે.

ઓશોની સૌથી લોકપ્રિય ડાયનેમિક મેડિટેશન ટેક્રિક એ સાઇઠ મિનિટની ફોર્મેટેડ મેડિટેશન ટેકનિક છે જેમાં ધ્‍યાનના પાંચ તબક્કાઓ માંથી ચારને સંગીત સાથે કરવામાં છે.  પ્રથમ તબક્કામાં ધ્‍યાન કરનારે દસ મિનિટ માટે નાક દ્વારા ઝડપી શ્વાસ લઈને વ્‍યસ્‍ત રહેવાનું હોય છે.    બીજા તબક્કાની બીજી દસ મિનિટો કેથેર્સિસ માટે છે મતલબ કે જે કંઈ થઈ રહ્યું છે તેને વિના વીક્ષેપે થવા દો. હસો, બૂમો પાડો, ચીસો પાડો, કૂદકો મારો, શરીરને હલાવો અને તમને જે કરવાનું મન થાય તે કરો.    

ત્રીજા તબક્કાની ત્રીજી દસ મિનિટ માટે વ્‍યક્‍તિ હૂ મંત્ર બોલીને બૂમો પાડીને હાથ ઊંચા કરીને ઉપર-નીચે કૂદકાઓ મારે છે જેમાં હરએક વખતે તેણે એકજ પગના સપાટ પર ઉતારવાનું હોય છે.

ચોથા તબક્કામાં ધ્‍યાન કરનારે સંપૂર્ણપણે હલનચલન બંધ કરીને જે બની રહ્યું છે તે બધું નિહાળીને મૌન અવસ્‍થામાં આવી જવાનું હોય છે જે મુદ્રામાં પંદર મિનિટ સુધી સંપૂર્ણપણે ગતિહીન રહેવાનુ હોય છે.  ધ્‍યાનના પાંચમા અને છેલ્‍લા પડાવમાં પંદર મિનિટ સુધી મન મૂકી ને આનંદથી નાચી, કૂદી કે નૃત્‍ય કરીને તેની ઉજવણી કરવાની હોય છે.

ઓશોએ તારીખ ૧ જુલાઇ ૧૯૭૦ના રોજથી ભારતની માયાવી નગરી મૂંબઈના દિનશા વાચા રોડ, ચર્ચગેટ નજીક આવેલા ક્રિકેટર્સ ક્‍લબ ઓફ ઈન્‍ડિયા એપાર્ટમેન્‍ટના ચોથા માળ પરના ત્રણ રૂમોવાળા  ફલેટ નં. ૨૭માં ધ્‍યાનના પ્રયોગો શરૂ કર્યા પરંતુ તેમના અનુયાયીઓની વધતી જતી સંખ્‍યાને ધ્‍યાનમાં રાખીને તેઓ પેડર રોડ પરના સતિયાવીસ માળના ‘‘વૂડલેન્‍ડ્‍સ એપાર્ટમેન્‍ટ'' ના પ્રથમ માળ પર આવેલા ત્રણ રૂમના સુંદર, વિશાળ અને લેવીસ ગાર્ડન ફેસ રહેણાંક સંકુલમાં સ્‍થાયી થયા જ્‍યાં તેમણે તારીખ ૨૭ સપ્‍ટેમ્‍બર ૧૯૭૦ના એતિહાસિક દિવસે તેમના નિયો-સંન્‍યાસ તરીકે ઓળખાતા સેંકડો સાધકોને એકસાથે દીક્ષા આપી.   

ઓશોને મુંબઈના વાતાવરણમાં ડાયાબિટીસ, અસ્‍થમા અને અસંખ્‍ય એલર્જીઑ થઈ આવતા સાલ ૧૯૭૪માં તેમણે પુણેના કોરેગાંવ પાર્કમાં રજનીશધામ આશ્રમની સ્‍થાપના કરીને ત્‍યાંજ સ્‍થળાંતર કર્યું જે આશ્રમ આજે ઓશો ઇન્‍ટરનેશનલ મેડિટેશન રિસોર્ટના નામથી વિશ્વ વિખ્‍યાત છે અને પુણેની હદય સમી ૩૨ એકરની વિશાળ ભૂમિમાં પથરાયેલું છે.

પુણે આશ્રમમાં ચાલતી પ્રવૃતિઓની ટીકાઓ અને સતાધીશો દ્વારા અપાયેલી શિક્ષાત્‍મક પગલાઓ લેવાની ચેતવણીને પગલે આશ્રમમાં પ્રવતેલા તણાવગ્રસ્‍ત વાતાવરણમાં ઓશો છેવટે તબીબી વિઝા પર અમેરિકા ગયા જ્‍યાં તેમના વિદેશી અનુયાયીઓએ ત્‍યાંના વાસ્‍કો કાઉન્‍ટી ઓરેગનના વિશાળ રેગિસ્‍તાનમાં આવેલ ધ બિગ મડી રાંચ નામની મિલકત ૫.૭૫ મિલિયન ડોલર્સ (આજની કિમત પ્રમાણે ભારતના આશરે બાર હજાર કરોડ રૂપિયા)ના ખર્ચે તારીખ ૧૩ જૂન ૧૯૮૧ના રોજ ખરીદી લીધી જેને રાંચો રજનીશ એવું નામ આપવામાં આવ્‍યું.

વિશ્વના સૌથી મોંઘા દેશ ગણાતા અમેરીકામાં જ્‍યાં એક ફૂટ જમીન લેવા માટે પણ કાયદાકીય આંટીઘૂંટી અને લાખો ડોલર્સનું બેફામપણે આંધણ કરવું પડે છે ત્‍યાં માત્ર એક જભ્‍ભો અને ટોપી પહેરીને ગયેલા ભારતના મહાન અધ્‍યાત્‍મિક ગુરુ ઓશોએ ત્‍યાંના રેગિસ્‍તાનને આબાદ કરીને ૬૪,૨૨૯ એકર એટ્‍લે કે આશરે ૨૬૦ કિલોમીટરના વિશાળ ક્ષેત્રફળમાં પાંચ હજારથી વધારે વિદેશી અનુયાયીઓની વસ્‍તી ધરાવતું રજનીશપૂરમ નામનું એક આખું શહેર વસાવી દીધું અને ૨૯ ઓગસ્‍ટથી પોતાનું રહેણાંક બનાવીને તેઓ બાકાયદા તેમાં રહેવા પણ લાગેલા. 

અમીરોના ગુરુ ગણાતા ઓશોને કાર ચલાવવાનો જબરો શોખ હતો અને તેમની એવી ઈચ્‍છા હતી કે તેમની પાસે વર્ષના ૩૬૫ દિવસ પ્રમાણે  દુનિયાની સૌથી મોંઘી અને અત્‍યંત વૈભવશાળી ગણાતી ૩૬૫ રોલ્‍સ રોયસ કાર હોય જેથી કરીને તેઓ રોજ એક દિવસ નવી કારમાં બેસીને પૂરા રજનીશપૂરમ આશ્રમની દૈનિક ડ્રાઇવ-બાય કરી શકે.

ઓશો દરરોજ નિયમિતપણે જ્‍યારે તેમની રોલ્‍સ રોયસ કારને ડ્રાઈવ કરીને રજનીશપૂરમ આશ્રમની દૈનિક ડ્રાઇવ-બાય પર નીકળતા ત્‍યારે તેમની માત્ર એક ઝલક જોવા માટે તેમના અબજોપતિ અને ખર્વપતિ અનુયાયીઓ લાંબી કતારો લગાવીને એકસાથે લાઇનમાં ઊભા રહેતા.

બોલીવુડ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીનો એક સમયનો અત્‍યંત સફળ અને અમિતાભ બચ્‍ચનના સુપર સ્‍ટાર પદનો દાવેદાર ગણાતો વિનોદ ખન્ના પણ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીની ચમક દમક, દોમ દોમ સાહેબી અને પોતાનો સુખી સંસાર છોડીને ઓશોના રજનીશપુરમ આશ્રમમાં ઓશોની નજીક રહેવા માટે તેમના બગીચાનો માળી બનીને ફૂલ છોડોને પાણી પીવડાવતો.           માત્ર બોલીવુડ્‍જ નહીં પરંતુ હોલિવૂડની અતિ સફળ ફિલ્‍મ ગોડફાધર નો ખર્વપતિ સુપરસ્‍ટાર હીરો માર્લોન બ્રાંડો પર ઓશોનો એટલો બધો  પ્રભાવ હતો કે ઓશોને અમેરિકન સરકાર અને એકવીસ અન્‍ય દેશો દ્વારા દેશમાં પ્રવેશવા સામે પ્રતિબંધ ફરમાવ્‍યા બાદ તેણે દક્ષિણ પેસિફિકમાં આવેલા પોતાના પ્રાઈવેટ ટાપુ એટોલ પર આખું રજનીશપુરમ વસાવવા તેને ખરીદી લેવા માટે ઓશોને ઓફર કરેલી. ઓશોએ હાઉસબોટ અને જાપાનીઝ શૈલીના ફલોટિગ ગાર્ડનનો ઉમેરો કરીને ટાપુને વિકસાવવાની યોજના પણ બનાવેલી પરંતુ આ ટાપુ વાવાઝોડા માટે સંવેદનશીલ હોય ઓશોએ પોતાનો વિચાર પડતો મૂકેલો.

ઓશોના કાર કલેક્‍શનમાં સામેલ ૯૩ રોલ્‍સ રોયસ કારો આખી દુનિયામાં ચર્ચાનો વિષય બનેલી અને આ વાતની જ્‍યારે રોલ્‍સ રોયસ કંપનીના માલીકને ખબર પડેલી ત્‍યારે તેઓ ખુદ ઓશોને મળવા માટે તેમના આશ્રમ આવેલા અને કહેલું કે હું રોલ્‍સ રોયસ કારનો મેન્‍યૂફેકચરર છું તેમ છતાં આટલી બધી રોલ્‍સ રોયસ કારોને એકજ જગ્‍યાએ એકસાથે ક્‍યારેય નથી જોઈ. ઓશોની વધતી જતી અમીરી અને લોકપ્રિયતાથી ડરી ગયેલી અમેરિકન સરકાર સહિત એકવીસ દેશોએ તેમને તેમના દેશોમાં આવવા માટે પ્રતિબંધ ફરમાવેલો.

અંતે દુશ્‍મનો, ઈર્ષાળુઓ અને વિરોધીઓના કાવાદાવાઓથી પરાસ્‍ત થઈને ઝેરગ્રસ્‍ત થયેલા ઓશોએ પુણે આશ્રમ ખાતે તારીખ ૧૯મી જાન્‍યુઆરી ૧૯૯૦ના રોજ તેમના દેહનો ત્‍યાગ કરેલો અને તેમના અગ્નિદાહ બાદ તેમની રાખને ઓશો કોમ્‍યુન ઈન્‍ટરનેશનલમાં આવેલા ચુઆંગ ત્‍ઝુ ઓડિટોરિયમમાં તેમની સમાધિમાં મૂકવામાં આવેલી જ્‍યાંના  શિલાલેખ મુજબ ઓશો ક્‍યારેય જન્‍મ્‍યા નથી અને ક્‍યારેય મૃત્‍યુ પણ પામ્‍યા નથી તેમણે તો પૃથ્‍વી નામના ગ્રહની માત્ર મુલાકાત લીધેલી છે.

કમલ જારોલી

એડવોકેટ એન્‍ડ નોટરી

રાજકોટ

(૮૧૬૦૩ ૧૧૦૧૬)

(2:32 PM IST)