News of Thursday, 11th December 2025
પુનિતનગરમાં નિવૃત એએસઆઇ નિરંજનભાઇ જાનીએ લમણે ગોળી ધરબી આત્મહત્યા કરી
પોલીસ કન્ટ્રોલ રૂમમાં નોંધપાત્ર ફરજ બજાવી નિવૃત થયા હતાં: પરિવારજનો, બહોળા મિત્રવર્તુળમાં શોક

રાજકોટ તા. ૧૧: શહેરના જામનગર રોડ પર બજરંગવાડી પુનિતનગરમાં રહેતાં શહેર પોલીસના નિવૃત એએસઆઇ નિરંજનભાઇ રમણીકભાઇ જાની (ઉ.વ.૬૦)એ રાતે પોતાના ઘરે પોતાની પરવાનાવાળી રિવોલ્વરથી લમણે ભડાકો કરી આપઘાત કરી લેતાં પરિવારમાં અને પોલીસબેડામાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ નિવૃત એએસઆઇ નિરંજનભાઇ જાનીએ પુનિતનગર-૨ શેરી નં. ૪-અમાં આવેલા પોતાના ઘરે રાતે સાડા નવેક વાગ્યે લમણે રિવોલ્વર લાખી ટ્રીગર દાબી દીધુ હતું. આ વખતે આગળના હોલ, રૂમમાં રહેલા પરિવારજનો ફાયરીંગનો અવાજ સાંભળી દોડી ગયા હતાં. ત્યારે નિરંજનભાઇ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતાં. તેણે પોતાની પરવાનાવાળી રિવોલ્વરથી ફાયરીંગ કર્યાનું જણાતાં તુરત જ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં હોસ્પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇ, શક્તિસિંહ સહિતે જાણ કરતાં ગાંધીગ્રામના પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ ટી. ડી. જાડેજા સહિતે હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ નિરજંનભાઇ જાની આંચકીની બિમારીથી પીડાતા હતાં. આ કારણે પગલુ ભર્યાની શક્યતા પરિવારજનોએ જણાવી હતી. તેઓ શહેર પોલીસમાં ફરજ બજાવી ત્રણ વર્ષ પહેલા નિવૃત થયા હતાં. સંતાનમાં બે દિકરા છે જે કંપનીમાં અને સીસીટીવીને લગતું કામ કરે છે. નિરંજનભાઇ જાનીએ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં વર્ષો સુધી નોંધપાત્ર ફરજ બજાવી હતી. પોતાના સરળ, મળતાવડા સ્વભાવને કારણે બહોળુ મિત્રવર્તુળ પણ ધરાવતાં હતાં. બનાવની જાણ થતાં સોૈ શોકમાં ગરક થઇ ગયા હતા. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.
રિશ્તો કા અસલી મતલબ વહી હૈ, જીસે મતલબ સે કોઇ મતલબ ના હો!
નિવૃતી બાદ નિરંજનભાઇ સોશિયલ મિડીયામાં સતત સક્રિય હતાં: મિત્રો-સ્નહેીજનોને દરરોજ સુપ્રભાતના મેસેજ, જાગૃકતાના વિડીયો, પોલીસ પરિવારને લગતા સંદેશા મોકલતા રહેતાં હતાં. નિવૃતી બાદ નિરંજનભાઇ જાની સોશિયલ મિડીયામાં સતત સક્રિય રહેતાં હતાં. તેઓ દરરોજ સવારે પોતાના મિત્રો, સ્નેહીઓ, સ્વજનોને સુપ્રભાતના મેસેજ સાથે શાયરીઓ પણ મોકલતાં હતાં. આવી કેટલીક શાયરી-મેસેજ આ મુજબ છે. ઞ્જઅચ્છે હોકર ભી આપ હર કીસી કે લીયે અચ્છે નહિ હો શકતે, ક્યોં કી આપકા નજરીયા આપકે અધીન નહિ હૈ!, ઞ્જધોખે કી ખાસીયત યહી હૈ કી વો યકીન કે સાથ મુફત મીલતા હૈ!, ઞ્જરિશ્તો કા અસલી મતલબ વહી હૈ, જીસે મતલબ સે કોઇ મતલબ ના હો! આવા મેસેજ તે દરરોજ ફોરવર્ડ કરતાં હતાં. તેમજ રમુજી મેસેજ, વિડીયો, પોલીસ ફોર્સને લગતાં મેસેજ પણ મોકલતાં રહેતાં હતાં. આ ઘટનાથી બહોળા મિત્રવર્તુળમાં શોક છવાઇ ગયો છે.
(2:47 PM IST)










