<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

સંકલન બેઠકમાં ૨૫ ટકા કોર્પોરેટરો ગેરહાજરઃ શહેર પ્રમુખ ૨૦થી વધુને ખુલાસા પુછશે

સ્‍ટેન્‍ડીંગ પૂર્વે મળતી ભાજપની મનપાના કાર્યક્રમોમાં પણ નગરસેવકોની પાંખી હાજરી ધ્‍યાન ખેંચે છેઃ નારાજગી કે અન્‍ય કારણ?

રાજકોટ, તા.૧૧: સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠક પૂર્વે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોની સંકલન બેઠક મળે છે કોર્પોરેશનની ચૂંટણીના આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે ત્‍યારે સંકલન બેઠકમાં ગેરહાજર રહેનારા કોર્પોરેટરોની સંખ્‍યામાં દર વખતે સતત વધારો થઈ રહ્યો છે.

આજે પણ સંકલન બેઠકમાં ૨૦થી વધુ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. તમામના નામ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે એ મંગાવ્‍યા છે તેઓ દ્વારા ફોન કરી દરેક કોર્પોરેટરને ગેરહાજર રહેવા માટેના કારણ પૂછવામાં આવશે.

આજે પણ સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખે જે કોર્પોરેટરો એ મતદાર સુધારણા ઝુંબેશમાં સારી કામગીરી કરી છે તેઓને નામજોગ બિરદાવ્‍યા હતા. દરમિયાન આવતીકાલે યોજાનારી સૌરાષ્‍ટ્ર ઝોનની બેઠકમાં પક્ષની જે સૂચના આવે તેને ગંભીરતાથી લઈ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્‍યસ્‍ત થઈ જવાની પણ તાકીદ કરી હતી.

ચૂંટણી હવે નજીક છે ત્‍યારે સતત જન સંપર્ક વધારવા માટે તેઓએ ટકોર કરી હતી બીજી તરફ છેલ્લા ઘણા સમયથી સ્‍ટેન્‍ડિંગ કમિટી બેઠક પૂર્વે મળતી સંકલન બેઠકમાં ભાજપના કોર્પોરેટરોની ગેરહાજરી વધી રહી છે આજે ૨૦ થી વધુ નગરસેવકો ગેરહાજર રહેતા પ્રમુખ ચોકી ઉઠ્‍યા હતા કાર્યાલય મંત્રી પાસેથી તમામના નામનું લિસ્‍ટ મંગાવવામાં આવ્‍યું છે દરમિયાન તમામને વ્‍યક્‍તિગત ધોરણે ફોન કરી ખુલાસા પૂછવામાં આવશે.

(3:30 PM IST)