<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્‍ટ પુરો

ગાંધીનગર એફએસએલ ખાતે ટેસ્‍ટ કરાયોઃ ૧૫મી ડિસેમ્‍બરે હાઇકોર્ટમાં રિપોર્ટ સોંપાશે

ગોંડલ તા. ૧૧: ગોંડલના રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર એફએસએલમાં નાર્કો ટેસ્‍ટ કરવામાં આવ્‍યો જે પૂર્ણ થઈ ગયો છે. ટેસ્‍ટ પહેલાં ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ કરવામાં આવી હતી. નાર્કો ટેસ્‍ટ બાદ કેસમાં નવા ખુલાસા થઈ શકે છે જે બાદ રાજકુમાર જાટ કેસમાં નવો વળાંક આવવાની શકયતા છે.

મળતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ બનાવને અકસ્‍માત નહીં પણ હત્‍યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે રાજકોટની જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્‍ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીના જવાબમાં ગણેશ જાડેજાએ કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્‍ટ કરાવવા માટે સહમતિ આપી હતી, જેના આધારે કોર્ટે નાર્કો ટેસ્‍ટ કરાવવા માટે હુકમ કર્યો હતો. જોકે, રાજકુમારનું જે બસ હડફેટે મળત્‍યુ થયાનું પોલીસે જાહેર કર્યું હતું, તે બસના ચાલક રમેશ મેરની ઉંમરને ધ્‍યાનમાં રાખીને અદાલતે તેના નાર્કો ટેસ્‍ટ માટે મંજૂરી આપી નહોતી.

બીજી તરફ, આ કેસની તપાસ માટે રચાયેલી સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટિગેશન ટીમ (સીટ) માટે આગામી દિવસો મહત્ત્વના છે. સીટ૧૫ ડિસેમ્‍બરે કેસની તપાસનો પ્રગતિ અહેવાલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે. આ રિપોર્ટમાં શું નવા ખુલાસા થાય છે અને પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે, તેના પર સમગ્ર રાજ્‍યના કાયદાકીય અને રાજકીય જાણકારોની નજર ટકેલી છે.

(3:32 PM IST)