News of Thursday, 11th December 2025
ભરત નાટ્યમ સાથે હિન્દુસ્તાની સંગીતનો અદ્ભુત સમન્વય રજુ કરશે સુમન ઉપાધ્યાય
રવિવારે હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે ભરત નાટયમનો અદ્ભૂત કાર્યક્રમ ભજન સમર્પણમ : * ર૧ વર્ષથી ભરત નાટયમ ક્ષેત્રે કાર્યરત સુમન ઉપાધ્યાયની અનેરી સિધ્ધિ * ચેન્નઇ અને બેંગ્લોરમાં રહિ ભરત નાટયમની સર્વશ્રેષ્ઠ તાલીમ મેળવી છે * મુંબઇ, કોલકતા, બેંગ્લોર, ચેન્નઇ, ભુવનેશ્વર સહિત ભારતભરમાં કાર્યક્રમો આપ્યા * ગુરૂકુળ પરંપરા મુજબ ભરત નાટયમ શિખવવાની ઇચ્છા * પ્રાઇડ ઓફ ગુજરાત, નેશનલ નાટય રત્ન એવોર્ડ નાટયમ પુરસ્કાર સહિત અનેક એવોર્ડ મેળવ્યા * કાર્યક્રમ વિનામુલ્યે પણ પાસ મેળવવા જરૂરી

અકિલાનાં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ભરત નાટયમ કલાકાર સુમનબેન ઉપાધ્યાય તેમનાં માતા-પિતા અશ્વિનભાઇ અને ફાલ્ગુનીબેન ઉપાધ્યાય તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ, તા. ૧૧: આગામી તા. ૧૪ ડિસેમ્બર ને રવિવારે હેમુગઢવી નાટયગૃહ ખાતે ‘ભજન સમર્પણમ' નામનો અદભૂત ભારત નાટયમ નો કાર્યક્રમ યોજાવા જઇ રહયો છે જેમાં કલા સાધક સુમન ઉપાધ્યાય અને તેમની ટીમ દ્વારા અતિસુંદર કાર્યક્રમ થવા જઇ રહયો છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે દક્ષીણ ભારતીય નૃત્ય ભરત નાટયમ અને હિદુસ્તાની સંગીતનો સમન્વય કરી અદભૂત રજુઆત થવાની છે. સુમનબેન ઉપાધ્યાય આજે અકિલાના આંગણે મહેમાન બન્યા હતા અને વિગતો આપી હતી.
સુમનબેન ઉપાધ્યાયે જણાવ્યું કે, હું ૭ વર્ષની હતી ત્યારથી એટલે કે ર૦૦પ થી ર૦૦૭ ની વચ્ચે રાજકોટથી ભરત નાટયમ શિખવાની શરૂઆત કરી. માતા ફાલ્ગુનીબેન અને પિતા અશ્વિનભાઇ ઉપાધ્યાયે ભરત નાટયમ શિખવા પ્રેરીત કરી. શરૂઆતમાં મીરાબેન નિગમભાઇ ઉપાધ્યાય પાસેથી ભરત નાટયમની તાલીમ લીધી.
સુમનબેન કહે છે, કથ્થક નૃત્યમાં મને લીમીટેડ હાથ અને પગની મુવમેન્ટ લાગે છે. જયારે ભરત નાટયમમાં તમારા શરીરની ફલેકસીબીલીટી, સ્ટ્રેન્થ હોવા જરૂરી છે ઉપરાંત હાવ-ભાવ તો ખરાજ. સુમનબેન છેલ્લા ર૧ વર્ષથી ભરત નાટયમની સાધના કરે છે તેમણે વર્ષ ર૦૧૬ માં ભરત નાટયમનું આરંગેત્રમ (મંચ પ્રવેશ) સવાણી પર્ફોમીંગ ખાતે કર્યુ હતું.
સુમનબેન ભરત નાટયમમાં વિશારદ અને અલંકાર થયા છે તેમણે આજ સાધનામાં આગળ વધવાનો નિર્ધાર કર્યો. તેઓ મુંબઇ, કોલકતા, ભુવનેશ્વર, ચેન્નઇ, બેંગ્લોર, કાંચીપુરમ, ત્રીશુર, કાલીકટ સહિત અનેક જગ્યાએ ભરત નાટયમના કાર્યક્રમો આપી ચૂકયા છે. વર્ષ ર૦૧પ માં મોઢેરામાં આયોજીત ઉતરાધે મહોત્સવમાં પણ તેમણે કલા દર્શાવી છે.
ભરત નાટયમમાં અલગ અલગ વિવિધતા હોય છે. સુમનબેન કહે છે, આમ વર્ણન કરીને સૌથી લાંબી રચના હોય છે જે ૩૦ થી ૪પ મીનીટ સુધી ચાલે છે જેમાં સ્ટોરી ટેલીંગ જેવી વાત નૃત્ય દ્વારા રજુ કરવાની હોય છે. જયારે અમુક આઇટમમાં માત્ર હાવભાવ ઉપર જ ફોકસ હોય છે જેમાં ખુબ મહેનત લેવી પડે છે જયારે અમુકમાં માત્ર નૃત્ય જ આવે છે.
ભરત નાટયમમાં આગળ શિખવા માટે સુમનબેન ઉપાધ્યાય ર૦૧૯ માં ચેન્નઇ ગયા જયાં ‘ધ ધનંજયન્સ' દંપતિ જેમાં શાંતા ધનંજયન્સ, અને વિ.પી. ધનંજયન્સ પાસે એક વર્ષ રહી ગુરૂશિષ્ય પરંપરા મુજબ ભરત નાટયમની તાલીમ લીધી. જયાં તેમને એક અણમોલ તક પણ મળી જેમાં ચેન્નઇ ખાતે ભારતનું ખુબ મોટું કલાક્ષેત્ર ફાઉન્ડેશન આવેલુ છે. જેના રૂકમણીદેવી અરૂણડેલ ફાઉન્ડર છે અહિં પર્ફોમ કરવાની દરેક નૃત્યકારની ઇચ્છા હોય છે જે મારી પણ પૂર્ણ થઇ ધનંજયન્સની સાથે સુમનબેને અહિં સ્ટેજ શેર કર્યુ.
ભારત નાટયમમાં જ કંઇક અલગ કરવા ભરત નાટયમ એકસપોનન્ટ માટે બેંગ્લોર ખાતે સવિતાબેન શાષાી પાસે ગુરૂકુળ પરંપરા તેમના ઘરે રહી છ મહિના ભરત નાટયમ શિખ્યા તેઓ ભરત નાટયમને લઇ ડાન્સ મુવિઝ બનાવે છે તેઓએ એક પણ રૂપિયો લીધા વિના ભરત નાટયમની તાલીમ આપી હતી.
સુમનબેન ઉપાધ્યાયે બી.બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે જેમાં તેઓ કોલેજ ફર્સ્ટ આવેલા. કર્ણાટકી સંગીત અહીંના લોકો માટે અઘરૂ છે એટલે ભજન લોકો સમજી શકે એટલે કલાસીકલ ભજન ફેમમાં શુધ્ધ કલાસીકલ ભરત નાટયમ તેઓ રજૂ કરશે. આ કાર્યક્રમમાં ગણેશ સ્તુતી, પાયોજી મૈ ને રામ રતન, મધુ રાષ્ટકમ, હે જગજનની હે જગંદબા, શિવ પંચાક્ષર સ્તોત્ર, મંગલમ વગેરે જેવી અદ્્ભુત પ્રસ્તુતી થશે. જેમાં ગાયક તરીકે ઋષીકેશ પંડયા, તબલા પર કૃણાલ વ્યાસ, ફલ્યુટ અને વાયોલીન પર ગૌરવ ભટ્ટી અને પરકયુશન પર ઓમ જાની રજૂઆત કરશે. જયારે કાર્યક્રમનું સંચાલન જાણીતા તબીબ ડો. રાજેશભાઇ તેલી કરશે.
સુમનબેન કહે છે, મે ડાન્સને પ્રોફેશન તરીકે લીધું છે. ભવિષ્યમાં ભરત નાટયમનાં કલાસ ખોલવાની ઇચ્છા છે. પછી ઇન્સ્ટીટયુટમાં કનવર્ટ કરવા છે અને પર્ફોમન્સ પણ આપવા છે. હું કાઠીયાવાડી છું અને ભરત નાટયમમમાં આટલો રસ પડયો તો મારે બીજાને સમજાવવું છે કે, ભરત નાટયમ બોરીંગ નથી. ઘણા વિદ્યાર્થીઓને આમાં રસ પડે છે અને આગળ આવે છે.
ભારત નાટયમ શું છે, તે કેવું હોય તેનું નોલેજ બધાને આપવું છે. આ પરંપરાને આગળ વધારવી છે ભારત દેશામં ઘણું બધું છે જે બહાર લાવવું છે.
સુમનબેન ઉપાધ્યાય કહે છે, હું આ કક્ષાએ પહોંચી તેનો શ્રેય માતા ફાલ્ગુનીબેન અને પિતા અશ્વિનભાઇને જ જાય છે. મારા ૧પ વર્ષ ભરત નાટયમ શિખવામાં ગયા છે. હવે જાતે પર્ફોમીંગ કરૂં છું. સુમનબેનનાં માતા ફાલ્ગુનીબેન પણ ભૂતકાળમાં કથ્થક શિખ્યા હતાં. સુમનબેન કહે છે મારા પ્રિય કલાકારો ખુબ જ પણ ધનંજયન્સ દંપતિ, સવિતા શાષાી, પાર્શ્વનાથ ઉપાધ્યે રૂકમણી વિજયકુમાર સહિત અનેક છે. સુમનબેને ભૂતકાળમાં આઇ. એન. એસ. વાલાસુર જામનગર ખાતે ઇન્ડિયન નેવીમાં કાર્યક્રમ આપ્યો છે. તેમને ર૦ર૪ માં પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ, નેશનલ નાટય રત્ન એવોર્ડ, નાદમ નૃત્ય પુરસ્કાર સહિત અનેક ઇમાન, ખીતાબો જીત્યા છે. કાર્યક્રમ વિનામુલ્યે છે. છતાં પાસ લેવા જરૂરી છે. પાસ મેળવવા માટે મો. ૯૪ર૮ર ૦૦૯રર અને ૯૪ર૮ર ૦૦૯૩૩ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
હિન્દુસ્તાની સંગીત અને દક્ષિણ ભારતીય ભારત નાટયમનો અનોખો સમન્વય
રવિવારે આયોજીત ભજન સમર્પણમ કાયક્રમમાં સુમન ઉપાધ્યાય લાઇવ પર્ફોમ આપવાના છે. જેમાં સામાન્ય રીતે ભરત નાટયમ સાથે દક્ષિણ ભારતીય સંગીત લયબધ્ધ હોય છે. જયારે સુમનબેને જણાવ્યું કે, સામાન્ય લોકો સમજી શકે અને કઇક નવુ કરવાના આશયે દક્ષીણ ભારતીય ભરત નાટયમ નૃત્યની સાથે સંગીત હિન્દુસ્તાની રહેશે. જેમાં સમગ્ર કાર્યક્રમની કોરીયોગ્રાફી સુમનબેન ઉપાધ્યાયની જ છે. સમગ્ર કાર્યક્રમમાં તેઓ સોલો પર્ફોમન્સ આપવાના છે. તેમનો સોલો પ્રોગ્રામ આ પાંચમો થઇ રહયો છે તેમણે ત્રણ પ્રોગ્રામમાં પોતાની કોરીયોગ્રાફી પણ કરી છે. સમગ્ર કાર્યક્રમ બે કલાકનો રહેશે. જે ખરેખર માણવા લાયક બની રહેશે.
(4:07 PM IST)










