<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

સાયબર ફ્રોડની ચેઇન તોડવા રાજકોટના ૧૯ શખ્‍સો વિરૂધ્‍ધ ૬ ગુનાઃ ૧૩ની પુછપરછ

ચાઇનીઝ એપ, ગેમીંગ, યુએસડીટીના રૂપિયા ભાડાના એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર થતાં હતાં: રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ધડાધડ કાર્યવાહી કરી ધરપકડો કરી મોટા મવાના ઉમંગ પિત્રોડા, સ્‍લમ ક્‍વાર્ટરના રોહન વાઘેલા, સુમિત બારૈયા, ધ્રુવરાજસિંહ જાડેજા, માનવ પરમાર, સુમિત બારૈયા, લાઇટ હાઉસના હાર્દિક ઉર્ફ રવિ પરમાર, કોઠારીયા રોડ હુડકોના આયુશ બગથરીયા, યુવરાજસિંહ ઝાલા, દુધસાગર રોડના એઝાઝ શેખ, નાવેદ માણેકીયા, મહેશ્વરી સોસાયટીના નદીમ મોઢીયા, મવડીના પાર્થ ઉર્ફ પપ્‍પુ બારોટ, ગની ડાંગશીયા, સેટેલાઇટ ચોકના અમિત બરાસરા, રાજલક્ષ્મીના આયુષ વ્‍યાસ, કુવાડવા રોડના વિવેક ગોસાઇ, સોખડા ચોકડીના ગોૈરવસિંહ જાડેજા સામે ગુના દાખલ થયાઃ બેંક એકાઉન્‍ટ ભાડે આપી રૂપિયા કમાવવાનું કારસ્‍તાનઃ સુત્રધારો સુધી પહોંચવા મથામણ

રાજકોટ તા. ૧૨: દેશભરમાં રોજબરોજ સાયબર ફ્રોડની ઘટનામાં લોકો લાખો કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. આંતરરાષ્‍ટ્રીય સાયબર માફીયાઓ આ ફ્રોડ માટે ભાડાના બેંક એકાઉન્‍ટનો કમિશન આપીને ઉપયોગ કરતાં હોવાનું પણ જાહેર થઇ ચુક્‍ય છે. ત્‍યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે આ પ્રકારે ભાડે બેંક એકાઉન્‍ટ આપી કરોડોના ફ્રોડમાં ભાગ ભજવનારા રાજકોટના ૧૯ શખ્‍સો વિરૂધ્‍ધ અલગ અલગ ૬ ગુના દાખલ કરી ધડાધડ ૧૩ શખ્‍સોને દબોચી લીધા છે અને સુત્રધાર સુધી પહોંચવા પ્રયાસ યથાવત રાખ્‍યા છે. રાજકોટમાં જે ૧૯ શખ્‍સો સામે ગુના દાખલ થયા છે તે શખ્‍સો આર્થિક લાભ માટે, કમિશન માટે પોતાના એકાઉન્‍ટમાં ફ્રોડના રૂપિયા મેળવી કમિશન ખાઇ સુત્રધાર સુધી નાણા પહોંચાડી દીધા હતાં. ચાઇનીઝ એપ, ગેમીંગ એપ, યુએસડીટીના રૂપિયા ભાડાના એકાઉન્‍ટ્‍સમાં ટ્રાન્‍સફર થતાં હતાં.

સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર દ્વારા સાયબર ફ્રોડ અટકાવવા તપાસ શરૂ કરી હતી અને અમુક શંકાસ્‍પદ બેંક એકાઉન્‍ટ્‍સ, તેમાં થયેલા મોટા ટ્રાન્‍જેકશનની વિગતો ચકાસી હતી. જેમાં રાજકોટના અલગ અલગ ૧૯ શખ્‍સોના બેંક એકાઉન્‍ટ્‍સમાં શંકાસ્‍પદ વ્‍યવહારો નજરે ચડયા હતાં. આની તપાસ કરવા સુચના મળતાં જ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસના અધિકારીઓ તેમની ટીમો સાથે કામે લાગ્‍યા હતાં. આ તપાસ દરમિયાન  રાજકોટમાં કેટલાક એકાઉન્‍ટમાં સાયબર ફ્રોડના રૂપીયા જમાં થયાની જાણકારી મળતાં ધડાધડ ૬ અલગ અલગ ગુના ૧૯ શખ્‍સો સામે દાખલ કરી ૧૩ જેટલાને પુછતાછ માટે ઉઠાવી લીધા હતાં. હાલ તો પોલીસને આંતરરાજ્‍ય સાયબર ફ્રોડની ચેઇન તોડવામાં આરંભીક સફળતા મળી છે. પણ સુત્રધારો હાથમાં આવે તેના પ્રયાસ ચાલુ છે.

રાજકોટના જવાહર મેઈન રોડ પર આવેલ બંધન બેંકમાં એકાઉન્‍ટ ધરાવતા અમિત રવિશંકર બરાસરા (રહે. બજરંગપાર્ક, ન્‍યુ રેલ્‍વે ક્રોસીંગ, મોરબી રોડ)ના નામના બે કરંટ એકાઉન્‍ટ હાઇ જેથી તેમની તપાસ કરતાં તેના એકાઉન્‍ટમાં રૂ.૯.૭૦ લાખ જમા થયેલ હોય અને તેમાંથી રૂ.૯.૬૦ ચેકથી વિડ્રો કરી લીધેલ હતાં. તેને રૂ.૧૦ હજારની લાલચમાં તેના ઓળખીતા આયુષ મહેશ વ્‍યાસના મિત્ર વિવેક કમલેશ ગોસાઈ મારફતે સોખડાના ગૌરવરાજસિંહ જાડેજાને આપેલ હતું. તેમજ ગૌરવરાજસિંહ જાડેજા આયુષ વ્‍યાસ અને  વિવેક ગોસાઈને રૂ.૬  હજાર કમિશન આપતો હતો. જે એકાઉન્‍ટમાં જમા થયેલ ફ્રોડની રકમના કુલ કર્ણાટકના બેંગ્‍લોરમાંથી અરજદારના કુલ રૂ.૩.૨૮ કરોડ ફ્રોડમાં ગયેલ છે.

બીજા બનાવમાં મોટા મવા પાસે આવેલ સીતાજી ટાઉનશીપમાં રહેતાં ઉમંગ જયંતીલાલ પિત્રોડાના એકાઉન્‍ટમાં કુલ રૂ.૪.૨૦ લાખ જમા થયેલનું જાણવા મળતાં આરોપીની તપાસ કરતાં તેને કુલ રૂ.૪.૫૦ લાખ વિડ્રો કરેલ છે. અને તે રૂપીયા અન્‍ય આરોપી રોહન વિનોદ વાઘેલા (રહે. સલ્‍મ ક્‍વાર્ટર, જામનગર રોડ, રાજકોટ) અને સુમિત દિપક બારૈયા (રહે. વાલ્‍મિકી વાડી, આવાસ ક્‍વાર્ટર, રાજકોટ) ના મારફતે રાજકોટના ધ્રુવરાજસિંહ જાડેજાને આપેલ છે. જે એકાઉન્‍ટમાં જમા થયેલ ફ્રોડની રકમના કુલ તેલંગણાના અરજદારના કુલ રૂ.૧.૫૮ કરોડ ફ્રોડમાં ગયેલ છે.

જ્‍યારે ત્રીજા ગુનામાં જામનગર રોડ પર સલ્‍મ ક્‍વાર્ટરમાં રહેતાં માનવ વિજય પરમારના એકાઉન્‍ટમાં ફ્રોડના રૂ.૯ લાખ જમા થયેલ જેમાંથી તેને રૂ.૮.૫૮ લાખ વિડ્રો કરી ઉપાડી લીધેલ છે. જે અંગે તપાસ કરતાં તેને જામનગર રોડ પર હુડકોની બાજુમાં રહેતા રોહન વિનોદ વાઘેલા અને સુમિત દિપક બારૈયા મારફતે લાઇટ હાઉસમાં રહેતાં હાર્દિક રાજેશ પરમાર સાથે મળી રૂપીયા સગેવગે કર્યા હતાં.  જે એકાઉન્‍ટમાં જમા થયેલ ફ્રોડની રકમના કુલ તામિલનાડુ અને મહારાષ્‍ટ્રના અરજદારના કુલ રૂ.૧૧.૧૬ કરોડ ફ્રોડમાં ગયા છે.

આ ઉપરાંત ચોથા ગુનામાં કોઠારીયા મેઈન રોડ પર બાલાજી ફાર્મસી પાસે રહેતાં આયુષ સંજય બગથરિયાના એકાઉન્‍ટમાં રૂ.૮ લાખ જમા થયેલ અને તેને મિત્ર યુવરાજસિંહ લાલુભા ઝાલાને તે એકાઉન્‍ટ આપતાં તેને રૂ.૭.૮૦ લાખ ઉપાડી લીધેલ હોવાનું ખુલ્‍યું છે. જે રૂપીયા ચાઈનીઝ એપ અને ગેમીંગના હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું છે.

આવી જ રીતે પાંચમા ગુનામાં કોઠારીયા રોડ પર મહેશ્વરી સોસાયટીમાં રહેતા નદીમ વલીમામદ મુઢીયાના એકાઉન્‍ટમાં અલગ અલગ ત્રણ ટ્રાન્‍ઝેક્‍શનથી ૫.૫૦ લાખ જમા થયેલા હતા જેમાં તેમને રૂપિયા ૨૫૦૦૦ કમિશન મળેલ હતું અને તે રૂપિયા મવડી ફાયર બ્રિગેડ પાસે રહેતા પાર્થ બારોટ અને ગની અબુ ડાંગશીયા નામના શખ્‍સે તે રૂપિયા મેળવી લીધેલ હતા.

તેમજ છઠા ગુનામાં દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા એજાજ અનવર શેખના એકાઉન્‍ટમાં અલગ અલગ ટ્રાન્‍ઝેક્‍શનથી લાખો રૂપિયા ટ્રાન્‍સફર થયેલ હતા. જે તેને દૂધસાગર રોડ પર જ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા નાવેદ રહીમ માણેકિયા નામના શખ્‍સ સાથે મળી તે રૂપિયા વિથડ્રો કરી લીધા હોવાનું સામે આવ્‍યું હતું. તે રૂપીયા કેટીટી ગેમીંગ એપના હોવાનું અને યુએસડીટી ટ્રાન્‍સફર થયા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી સાયબર ક્રાઇમ  ચિંતન પટેલની રાહબરીમાં પીઆઇ એમ. જે. કૈલા, પીઆઇ બી. બી. જાડેજા, પીઆઇ પી.આર. ડોબરીયા, એસ. ડી. ગીલવા, પીઆઇ આર. જી. પઢીયાર અને ટીમોએ આ કાર્યવાહી કરી વિશેષ તપાસ યથાવત રાખી છે.

(12:09 PM IST)