<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

વાવડીમાં બાંધકામની સાઇટ પર લઘુશંકા કરવા દાદરા ઉતરતી વખતે પડી જવાથી મજૂરનું મોત

મુળ રાજસ્‍થાનનો ૩૩ વર્ષનો લક્ષમણ ગરાસીયા બે ભાઇઓ સાથે છ મહિનાથી અહિ કડીયા કામ કરતો હતોઃ રાતે બનાવઃ સારવાર દરમિયાન દમ તોડયો

રાજકોટ તા. ૧૨: બાંધકામની સાઇટ પર ઘણીવાર આકસ્‍મિક ઘટનાઓમાં મજૂરો કે પછી આ કામ સાથે સંકળાયેલા હોય તેને ઇજાઓ થતી હોય છે કે ક્‍યારેક મૃત્‍યુ થતું હોય છે. આ પ્રકારની વધુ એક ઘટના રાજકોટના વાવડીમાં બની છે. નવા બાંધકામની સાઇટ પર કડીયા કામ કરતો મુળ રાજસ્‍થાનનો યુવાન રાતે લઘુશંકા કરવા માટે જાગીને દાદરા ઉતરતો હતો ત્‍યારે પડી જતાં ઇજા થવાથી મોત થતાં મજૂર પરિવાર, સાથી મજૂરોમાં શોક વ્‍યાપી ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ વાવડીમાં ટાટાના શો રૂમ પાછળ અમિતભાઇની બાંધકામની સાઇટ પર કડીયા કામની મજૂરી કરતો અને ત્‍યાં જ રહેતો લક્ષમણભાઇ કાનજીભાઇ ગરાસીયા (ઉ.વ.૩૩) રાતે સાઇટ પર પહેલા માળેથી દાદરા ઉતરતો હતો ત્‍યારે પડી જતાં નીચે સામાન હેરફેરની લિફટ ઉપર પટકાતાં ગંભીર ઇજા થઇ હતી. અવાજ થતાં લક્ષમણભાઇની સાથે જ રહેતાં અને કામ કરતાં તેના ભાઇઓ, બીજા મજૂરો દોડી ગયા હતાં અને તેને ઇજાગ્રસ્‍ત હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત થતાં શોક વ્‍યાપી ગયો હતો.

હોસ્‍પિટલ પોલીસ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, રવિભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, શક્‍તિસિંહે જાણ કરતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર લક્ષમણભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેની સાથે અન્‍ય બે ભાઇઓ સહિત છ રાજસ્‍થાની મજૂરો આ સાઇટ પર એકાદ મહિનાથી કામ કરવા આવ્‍યા હતાં. બનાવને પગલે મજૂરોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(1:14 PM IST)