તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Saturday, 13th December 2025
વિકાસ હોય કે વિપદાનો વાર: ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર છે તારણહાર: રાજુભાઈ ધ્રુવ

રાજકોટ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વિધાનસભાની આ ટર્મમાં સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ ઐતિહાસિક અવસરે પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, આ ત્રણ વર્ષ ગુજરાતના ઇતિહાસમાં 'ન ભૂતો ન ભવિષ્યતિ' સમાન સુવર્ણકાળ સાબિત થયા છે.
ડબલ એન્જિન સરકારની સફળતા: શ્રી રાજુભાઈ ધ્રુવે સરકારની અતિસંવેદનશીલ કામગીરી પર ભાર મૂકતા જણાવ્યું કે, "પ્લેન ક્રેશની કટોકટી હોય, માવઠાનો માર હોય કે બિપરજોય વાવાઝોડા જેવી ભયાનક આફત; 'દાદા'ની સરકારે પ્રજાના દુઃખમાં સૌથી પહેલા ભાગ લીધો છે અને સાબિત કર્યું છે કે તે પ્રજાની સાચી સેવક છે."
તેમણે ઉમેર્યું કે, કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કાર્યક્ષમતા સાથેની પ્રજાનિષ્ઠા એટલે ખરા અર્થમાં 'ડબલ એન્જિન' સરકાર, જેણે વિક્રમસર્જક સમયમાં ગુજરાતના વિકાસને સર્વશ્રેષ્ઠ ઊંચાઈ પર પહોંચાડ્યો છે.
ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની મુખ્ય સિદ્ધિઓ: શ્રી રાજુભાઈ ધ્રુવે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની બહુહેતુક કામગીરીની મહત્વપૂર્ણ સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો:
* ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ખેડૂત સહાય: વાવાઝોડા સમયે 'ઝીરો કેઝ્યુઅલ્ટી'ના અભિગમ સાથે ઐતિહાસિક સ્થળાંતર કરાયું. માવઠા અને અતિવૃષ્ટિમાં ખેડૂતોને થયેલા નુકસાન સામે ત્વરિત સર્વે કરીને સરકારે જંગી આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી ખેડૂતોના આંસુ લૂછવાનું કામ કર્યું છે.
* ઔદ્યોગિક વિકાસ અને સેમિકન્ડક્ટર હબ: ગુજરાતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે માઈક્રોન જેવી વૈશ્વિક કંપનીઓ સાથે કરાર અને પ્લાન્ટની સ્થાપના મોટી સિદ્ધિ છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા દ્વારા લાખો-કરોડોના એમઓયૂ અને રોજગારીનું સર્જન થયું છે.
* માળખાગત સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર): અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું વિસ્તરણ, રસ્તાઓનું નવીનીકરણ અને ઓવરબ્રિજનું નિર્માણ થયું છે. દ્વારકા સિગ્નેચર બ્રિજ (સુદર્શન સેતુ) જેવો આઈકોનિક પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કરાયો છે.
* પ્રવાસન અને યાત્રાધામ: ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સુદર્શન સેતુનું નિર્માણ થયું છે. દ્વારકાને વિશ્વસ્તરનું યાત્રાધામ બનાવવા આયોજન અમલમાં મુકાયું છે. સોમનાથ, અંબાજી, પાવાગઢ સહિત અનેક યાત્રાધામોમાં વિકાસ કાર્યો હાથ ધરાયા છે.
* આરોગ્ય અને જનસુખાકારી: આયુષ્માન કાર્ડ હેઠળ સારવારની મર્યાદા વધારીને ₹૧૦ લાખ કરવામાં આવી છે.
* ખેડૂત કલ્યાણ અને ઊર્જા: ખેડૂતોને દિવસે વીજળી (કિસાન સૂર્યોદય યોજના)નું વ્યાપક અમલીકરણ થયું છે. ગ્રીન ગ્રોથ મિશન હેઠળ સોલાર રૂફટોપમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે.
* શિક્ષણ અને સુરક્ષા: ગુજરાત હવે ગ્લોબલ એજ્યુકેશન હબ બન્યું છે. સુદ્રઢ કાયદો અને વ્યવસ્થાને પગલે મહિલાઓ ૨૪ કલાક અને ૩૬૫ દિવસ સુરક્ષિત રહે છે.
શ્રી રાજુભાઈ ધ્રુવે નિષ્કર્ષ આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની 'નિર્ણાયક અને મક્કમ' સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સાબિત કરી દીધું છે કે સુશાસન અને વિકાસથી જ રાજ્ય સમૃદ્ધ બન્યું છે.
(1:30 PM IST)










