<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

કોઠારીયા સોલવન્‍ટ રસુલપરાની કરીન ઉર્ફ ફરીદા રાજસ્‍થાનથી બે લાખનો ગાંજો લાવીઃ વેંચે એ પહેલા એસઓજીએ ઝડપી લીધી

૨ લાખનો ગાંજો કબ્‍જેઃ સાગ્રીત રિક્ષાચાલક મુસ્‍તાક નાકાણીની પણ ધરપકડઃ કરીન અગાઉ શાપરમાં પણ પકડાઇ હતીઃ પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમની કાર્યવાહીઃ એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા અને હેડકોન્‍સ. દિગ્‍વીજયસિંહ ગોહિલની બાતમી

રાજકોટ તા. ૧૫: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરી કોઠારીયા સોલવન્‍ટ રસુલપરમાં રહેતી અને અગાઉ શાપરમાં પણ માદક પદાર્થના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલી કપડાની ધંધાર્થી મહિલા અને તેના રિક્ષાચાલક સાગ્રીતને ૪.૦૨૫ કિલોગ્રામ ગાંજા સાથે કોઠારીયા ચોકડી નજીક સર્વિસ રોડ પરથી ઝડપી લીધા છે. આ બંને રાજસ્‍થાનથી ગાંજો લાવીને રાજકોટ બંધાણીઓને વેંચે એ પહેલા ઝડપાઇ ગયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ શહેરનું યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે સે નો ટુ ડ્રગ્‍સ ઝુંબેશ હેઠળ શહેર એસઓજીની ટીમ આવા પદાર્થના ખરીદ-વેંચાણ અટકાવવા અને સેવન કરનારા લોકો વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા અને હેડકોન્‍સ. દિગ્‍વીજયસિંહ ગોહિલને બાતમી મળતાં કોઠારીયા ચોકડીથી ગોંડલ રોડ ચોકડી તરફ સર્વિસ રોડ પર ખોડીયાર ટેકરીના સામેના ભાગે રોડ પરથી એક મહિલા અને એક શખ્‍સને સકંજામાં લઇ તલાશી લેતાં તેની પાસેના થેલામાંથી શંકાસ્‍પદ પદાર્થ મળી આવ્‍યો હતો. એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાને બોલાવી તપાસ કરતાં આ પદાર્થ ગાંજો હોવાનું ફલીત થતાં બંને સામે આજીડેમ પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરાવી ધરપકડ કરી હતી.

પુછતાછમાં મહિલાએ પોતાનું નામ કરીન ઉર્ફ ફરીદા કરીમભાઇ શાહમદાર (ઉ.વ.૩૦-રહે. કોઠારીયા સોલવન્‍ટ રસુલપરા-૧૭, સરકાી સ્‍કૂલ નજીક) તથા સાથેના શખ્‍સે પોતાનું નામ મુસ્‍તાક હબીબભાઇ નાકાણી (ઉ.વ.૪૦-રહે. રસુલપરા-૨૭, મસ્‍જીદે અહેમદની પાછળ) જણાવ્‍યું હતું. કરીન ઉર્ફ ફરીદાની પ્રાથમિક પુછતાછ કરવામાં આવતાં પોતે રાજસ્‍થાન તરફથી ગાંજો લાવ્‍યાનું રટણ કર્યુ હતું. મુસ્‍તાક તેનો સાગ્રીત હોવાનું કહ્યું હતું. જો કે સાચી વિગતો જાણવા અને રિમાન્‍ડ મેળવવા પોલીસ આગળ કાર્યવાહી કરશે.

એસઓજીના સુત્રોના કહેવા મુજબ કરીન ઉર્ફ ફરીદા કપડા લે-વેંચનો વેપાર કરે છે. પરંતુ આ ધંધાની આડમાં માદક પદાર્થનો વેપલો પણ કરતી હોવાનું ખુલ્‍યું છે. અગાઉ શાપર પોલીસ સ્‍ટેશન દ્વારા પણ આ મહિલાની માદક પદાર્થના ગુનામાં ધરપકડ થઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ઇન્‍દ્રસિંહ જાડેજા, હેડકોન્‍સ. દિગ્‍વીજયસિંહ ગોહિલ, કોન્‍સ. હાર્દિકસિંહ પરમાર, યોગેન્‍દ્રસિંહ, નરપતસિંહ, દિવ્‍યરાજસિંહ, કોન્‍સ. મોનાબેન સહિતે આ કામગીરી કરી હતી.

(2:22 PM IST)