News of Monday, 15th December 2025
અયોધ્યા ચોકમાં રેતી કપચીના ધંધાર્થી પર હીચકારો હુમલો કરનારા ૬ શખ્સ ઝડપાયાઃ આકરી સરભરા
પાર્થ ઉર્ફ સોનુ ફીચડીયાને ધંધાકીય ખારમાં બેટ, ધોકાથી ફટકારી હેમરેજ કરી નખાયું હતું: ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયા અને ટીમની કાર્યવાહી : મયુર દેવાયતકા, તેના પુત્ર પ્રણવ ઉર્ફ કાનો, ભત્રીજો સન્ની દેવાયતકા, હિતેષ મોઢવાડીયા, કાના ઓડેદરા અને સાગર ક્રિષ્નાતરને ઝડપી લેવાયા

રાજકોટ તા. ૧૫: શહેરમાં વેપારની અદાવતને લઈ મારામારીની એક ગંભીર ઘટના એક મહિના પહેલા ગત ૧૬/૧૧ના રોજ બની હતી. જેમાં રૈયા રોડ પર રહેતાં રેતી કપચીનો ધંધો કરતાં યુવાન પર તેના જ મિત્ર, મિત્રના પિતા સહિતનાએ ટોળકી રચી સિનર્જી હોસ્પિટલ નજીક હીચકારો હુમલો કરી સરાજાહેર ધોકા, બેટથી માર મારી તેમજ પછાડી દઇ છાતી પર એક શખ્સે બેસી જઇ બીજા શખ્સોએ ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. આ ઘટના સોશિયલ મિડીયામાં વાયરલ થઇ હતી. ધંધા ખારને કારણે આ ડખ્ખો થયો હતો. પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ કરી હતી. દરમિયાન એક મહિના પછી પોલીસે આરોપીને પકડી લીધા છે. છ આરોપીઓને ઘટના સ્થળે લઇ જઇ રીકન્સ્ટ્રકશન કરવા તજવીજ કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ રૈયા રોડ પર રૂક્ષમણી પાર્ક શેરી નં. ૧માં રહેતા અને બિલ્ડિંગ મટીરીયલ રેતી-કપચીનો વેપાર કરતા પાર્થ ઉર્ફે સોનુ નિતિનભાઈ ફિચડીયા (ઉ.વ. ૨૧) પર ૧૬/૧૧ના સાંજે સાડા સાતેક વાગ્યે પાંચ શખ્સોએ ૧૫૦ રીંગ રોડ અયોધ્યા ચોક સિનર્જી હોસ્પિટલ નજીક ધોકા, બેટથી હુમલો કરી બેફામ માર મારતાં અને ઢીકાપાટુ પણ મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, પ્રતાપભાઇ, રવિભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે પાર્થ ઉર્ફ સોનુની ફરિયાદ પરથી મયુર શાંતિલાલ દેવાયતકા, તેનો દિકરો પ્રણવ ઉર્ફ કાનો મયુરભાઇ દેવાયતકા, શની કિરીટભાઇ દેવાયતકા, હિતેષ મોઢવાડીયા, કાન ઓડેદરા અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો.
આ ગુનામાં ગાંધીગ્રામ પોલીસે મયુર શાંતીભાઇ દેવાયતકા (ઉ.વ.૪૩-રહે. ભરતવન સોસાયટી પાસે નાણાવટી ચોક), તેના પુત્ર પ્રણવ ઉર્ફ કાનો મયુર દેવાયતકા (ઉ.વ.૨૧), સન્ની કિરીટભાઇ દેવાયતકા (ઉ.વ.૨૦-રહે. રામેશ્વર પાર્ક-૫, નાણાવટી ચોક), હિતેષ મેરામણભાઇ મોઢવાડીયા (ઉ.વ.૩૪-રહે. અમૃત રેસીડેન્સી ૧૫૦ રીંગ રોડ), કાના જેઠાભાઇ ઓડેદરા (ઉ.વ.૪૯-રહે. રામગઢ તા. રાણાવાવ) અને સાગર મનસુખભાઇ ક્રિષ્નાતર (ઉ.વ.૪૦-રહે. રંભામાની વાડી પાસે શીતલ પાર્ક)ને ઝડપી લીધા છે.
પાર્થ ઉર્ફે સોનુએ પોલીસને જણાવ્યું હતું કે તા. ૧૬/૧૧ના સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ હું૧૫૦ ફૂટ રિંગ રોડ, અયોધ્યા ચોક ખાતે હતો ત્યારે મારા મિત્ર પ્રણવ ઉર્ફ કાનાના પિતા મયુરભાઈ શાંતિલાલ દેવાયતકાનો ફોન આવ્યો અને સિર્નજી હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો. હું ત્યાર જતાં મયુરભાઈ શાંતિલાલ દેવાયતકાએ ધંધાકીય અદાવત રાખી ખાર કાઢતા કહ્યું કે, ‘તું અમારી પાસેથી ધંધો શીખ્યો અને અમારા ગ્રાહકને તુ કેમ બિલ્ડિંગ મટીરીયલ નાખવા જાય છે?' આટલું કહીને મયુરભાઈએ મને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને લાકડાના ધોકા વડે માર મારવાનું શરૂ કર્યું હતું. આ વખતે મારા મિત્ર પ્રણવ ઉર્ફે કાનો મયુરભાઈએ મને બેટથી માર માર્યો હતો. શની બારોટે ધોકાથી માર માર્યો હતો. જ્યારે કાન ઓડેદરા મને પછાડી છાતી ઉપર બેસ ગયો હતો અને મારા હાથ-પગ પકડી રાખ્યા હતાં. જેથી હું બચાવ કરી શક્યો નહોતો.
આ પછી મયુરભાઇ અને અન્યોએ બેફામ ઢીકાપાટુ માર્યા હતાં. મેં બૂમાબૂમ કરતાં લોકો ભેગ થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. કોઇએ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવતાં મને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ મને જમણા પગે ઘૂંટી પાસે બે ટાંકા આવ્યા છે. ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇને ઘટનાની જાણ થતાં તેમણે કડક કાર્યવાહીની સુચના આપી હતી.
ગાંધીગ્રમ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ એમ.જી. જાડેજાએ આરોપીઓ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૮૯ (૨), ૧૯૧ (૨), ૧૯૧ (૩), ૧૯૦, ૧૧૮ (૧), ૩૫૨, ૩૫૧(૩) તેમજ જીપીએક્ટની કલમ ૧૩૫ (૧) મુજબ ગેરકાયદેસર મંડળી રચી, માર મારવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને પોલીસ કમિશનરના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો છે. આ જીવલેણ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઇ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. એલસીબી ઝોન-૨ ટીમના આર. એચ. ઝાલા અને ટીમ પણ આરોપીઓને શોધવા તપાસ કરી રહ્યા હતાં. ગત રાતે જ એલસીબી ઝોન-૨ ટીમ આરોપીઓના ઘરે ફરીથી તપાસ કરવા પહોંચી હતી.
દરમિયાન એક મહિના પછી હુમલાખોરોને ઝડપી લેવાયા છે. ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં ગાંધીગ્રામ પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયા, વિશ્વરાજસિંહ સહિતની ટીમે અને ડી. સ્ટાફની ટીમે ૬ આરોપીઓને ઝડપી લીધા છે અને આકરી પુછતાછ હાથ ધરી છે. છએયને ઘટના સ્થળે લઇ જઇ રીકન્સ્ટ્રક્શન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(3:18 PM IST)










