<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

રાજકોટ રહી નર્સિંગ સ્‍ટાફમાં નોકરી કરતી ગીર સોમનાથથી યુવતિનો ફાંસો ખાઇ આપઘાત

અન્‍ય કર્મચારી યુવતિ સાંજે ઘરે આવી ત્‍યારે મિત્તલબેન લટકતી હાલતમાં મળીઃ કારણ જાણવા પોલીસની તપાસ

રાજકોટ તા. ૧૬: ગીર સોમનાથની વતની અને રાજકોટ રહી હોસ્‍પિટલમાં નર્સિંગ વિભાગમાં નોકરી કરતી યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનો, સાથી કર્મચારીઓમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ૧૫૦ રીંગ રોડ મટુકી રેસ્‍ટોરન્‍ટ પાસે ગોવિંદરત્‍ન ગ્રીનસીટી-૪માં રહેતી મિત્તલબેન નામની ૨૨ વર્ષની યુવતિએ સાંજે ઘરમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ ૧૦૮ના ઇએમટી રવિભાઇ રાવલ દ્વારા થતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. કિશનભાઇ અજાગીયા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારી મિત્તલબેન બે બહેન એન એક ભાઇમાં મોટી હતી. તે રાજકોટ રહી ખાનગી હોસ્‍પિટલમાં નર્સિંગ વિભાગમાં નોકરી કરતી હતી. સાથે સાથે કપડાના શો રૂમમાં પણ દિવસ દરમિયાન પાર્ટટાઇમ નોકરી કરતી હતી. સાંજે સાતેક વાગ્‍યે શો રૂમેથી પોતાના ઘરે રૂમે કે જે હોસ્‍પિટલ મારફત અપાયો હતો ત્‍યાં આવ્‍યા બાદ આ પગલુ ભર્યુ હતું. 

સાંજે હોસ્‍પિટલની અન્‍ય કર્મચારી કે જે મિત્તલબેન સાથે રહેતી હતી તેણી ઘરે આવી ત્‍યારે આ ઘટનાની જાણ થઇ હતી. પોલીસના કહેવા મુજબ મિત્તલબેનના પિતાનું નામ મનુભાઇ બામણીયા છે જે ગીર સોમનાથ રહે છે. મિત્તલબેનનું સગપણ નક્કી થઇ થવાની વાત ચાલતી હતી. ઘરમાંથી કોઇ ચિઠ્ઠી કે મોબાઇલમાં વિડીયો વગેરે મળ્‍યા નથી. બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:52 AM IST)