News of Tuesday, 16th December 2025
પડધરીના નાના વડામાં ગૌશાળામાં બુકાનીધારી ત્રાટક્યાઃ સંચાલક હસુબાપુને ધોકાથી ફટકારી ૨.૮૦ લાખની લૂંટ
રાજકોટથી આવેલા સેવકો અઢી વાગ્યે રવાના થયા પછી ત્રણ વાગ્યે પાંચ લૂંટારા રસોડાની બારીની ગ્રીલ તોડી ઘુસી ગયા : સીસીટીવીનું ડીવીઆર પણ લૂંટી ગયાઃ પેન્ટ-શર્ટ પહેરીને આવેલા લૂંટારૂ ગુજરાતી બોલતા હતાં: ધોકાથી ફટકારી પાંચ-દસ લાખ હોય તે આપી દેવા કહ્યું: પછી બાપુને ગોદડુ ઓઢાડી ત્રણ જણા માથે બેસી ગયા, બીજા બેએ લૂંટ કરીઃ પડધરી પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૬: જીલ્લામાં લૂંટની એક ઘટના બની છે. પડધરીના નાના વડા ગામે આવેલા દાતાર આશ્રમ-ગોૈશાળામાં મધરાતે પાંચ બુકાનીધારી ત્રાટક્યા હતાં અને ગોૈશાળાના સેવક હસુબાપુને ધોકાથી માર મારી તારી પાસે જે પણ પાંચ-દસ લાખ હોય તે આપી દે તેમ કહી તેના ખિસ્સામાંથી ૧૦ હજાર રોકડા અને મોબાઇલ લૂંટી લઇ બાદમાં ચાવી માંગી તેમને ખાટલામાં બેસાડી માથે ગોદડુ ઓઢાડી દીધા બાદ ત્રણ લૂંટારૂઓએ તેમની માથે બેસી જઇ બાકીના બે જણાએ રૂમના કબાટોમાં ખાખાખોળા કર્યા હતાં અને ગાયના ઘાંસ માટેના ૨,૭૦,૦૦૦ લૂંટી લીધા હતાં. તેમજ સીસીટીવીનું ડીવીઆર પણ લૂંટી ગયા હતા. લૂંટની આ ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. પોલીસે ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં પડધરી પોલીસે પડધરી તાબેના નાના વડા ગામે આવેલી દાતાર ગોૈશાળાના સંચાલક જેન્તીભાઇ ઉર્ફ હસુભાઇ કુરજીભાઇ ઠુમ્મર (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે લૂંટનો ગુનો નોંધ્યો છે.
જેન્તીભાઇ ઉર્ફ હસુબાપુએ જણાવ્યું છે કે હું દાતાર ગોૈશાળામાં એકલો રહુ છું અને ત્યાં સેવા કરુ છું. મારા પરિવારમાં પત્નિ વાલીબેન તથા બે દિકરા છે. મોટો હીરેનભાઇ, નાનો વિશાલભાઇ એમ ત્રણેય રાજકોટ રહે છે. ચારેક વર્ષ પહેલા મેં જુનાગઢ દશનામ જુના અખાડામાં દિક્ષા લીધી છે અને સાુધ તરીકે અમારા ગામની ગૌશાળામાં સેવાપૂજા કરુ છું અને ગૌશાળાનો હું પ્રમુખ તથા ટ્રસ્ટી પણ છું. આ ગૌશાળા અહિ ૨૦૧૩માં શરૂ કરવામાં આવી હતી. ગૌશાળામાં મારો દિકરો વિશાલભાઇ અને નાના ભાઇ ગીરધરભાઇ પણ ટ્રસ્ટી છે.
હસુબાપુએ વધુમાં કહ્યું હતું કે સોમવારે રાતે આઠેક વાગ્યે હું ગોૈશાળામાં હતો ત્યારે કોટડા સાંગાણીના રામોદ ગામના દેવેન્દ્રભાઇ છગનભાઇ સકવારા, તેના પત્નિ અને સસરા કાર લઇને દાતાર આશ્રમ-ગૌશાળા ખાતે મારી પાસે બેસવા આવ્યા હતાં. દેવેન્દ્રભાઇના પત્નિને મેં દિકરી બનાવ્યા છે. તેઓ અવાર-નવાર અહિ આવતા રહે છે. આમ તો હું જાતે રસોઇ બનાવીને જમુ છું. પણ આ લોકો આવ્યા હોઇ દેવેન્દ્રભાઇના પત્નિએ રસોઇ બનાવતાં બાદમાં અમે ચારેય જમ્યા હતાં. સાડા દસેક વાગ્યે મારી ગોૈશાળાએ રાજકોટ રહેતાં મુળ નગરપીપળીયાના અલ્પેશભાઇ મારવીયા અને બીજા ત્રણ લોકો પણ કાર લઇને બેસવા આવ્યા હતાં.
આ પછી રાતે દોઢેક વાગ્યે દેવેન્દ્રભાઇ અને તેના પત્નિ સહિતના ગોૈશાળાને નીકળ્યા હતાં. બાદ અઢી વાગ્યે અલ્પેશભાઇ મારવીયા અને તેની સાથેના લોકો પણ નીકળી ગયા હતાં. આ પછી હું આશ્રમની ઓસરીમાં સુઇ ગયો હતો, પરંતુ મને ઉંઘ આવતી નહોતી. દરમિયાન મારુ ધ્યાન ઓસરીમાં લગાડેલા સીસીટીવી કેમેરા તરફ ગયું હતું, આ કેમેરો કોઇએ ફેરવી નાંખ્યો હોવાનું મને લાગ્યું હતું. ત્યાં જ ૩૫થી ૪૦ વર્ષના પાંચેક શખ્સો મોઢે રૂમાલ બાંધી પેન્ટ-શર્ટ પહેરીને ગોૈશાળામાં ઘુસી આવ્યા હતાં. જેમાં એકે લાલ ટીશર્ટ પહેરેલુ હતું. તેને જોઇ હું ડરી ગયો હતો. આ લોકોના હાથમાં ધોકા હતા. એક જણાએ મને ધોકો માથામાં મારી દીધો હતો. બીજાએ પગમાં ઘા મારી દીધો હતો જેના કારણે મને મુંઢ ઇજા થઇ હતી.
બાદમાં આ શખ્સોએ તારી પાસે જે કાંઇ પાંચ દસ લાખ રૂપિયા હોય એ આપી દે તેમ ગુજરાતી ભાષામાં કહ્યું હતું. આથી મેં તેને આટલા રૂપિયા મારી પાસે નથી તેમ કહેતાં મારા ખિસ્સામાં રહેલા દસેક હજાર રૂપિયા આ લોકોએ લૂંટી લીધા હતાં. તેમજ મારો મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો. આ પછી મારી પાસે રૂમની ચાવી માંગી હતી જેથી મેં ચાવી આપી દીધી હતી. એ પછી મને ખાટલામાં બેસાડી માથે ગોદડું ઓઢાડી દીધુ હતું. બાદમાં ત્રણેય જણા મારી માથે બેસી ગયા હતાં. બીજા બે જણા ગોૈશાળાના રૂમોમાં ગયા હતાં અને ૧૫થી ૨૦ મીનીટ સુધી આ શખ્સોએ ગોૈશાળાના રૂમોમાં તપાસ કરી હતી. બાદમાં મને રસોડા તરફ પકડીને લઇ ગયા હતાં. ત્યાંથી દિવાલ કુદીને આ બધા ભાગી ગયા હતાં.
બાદમાં હું મારા આશ્રમના ગેઇટ તરફ ગયો હતો અને સામેની તરફ રહેતાં મુકેશભાઇ કારાભાઇ, તેના ભાઇ શૈલેષભાઇ કારાભાઇ સહિતને જાણ કરી હતી. આ પછી મુકેશભાઇએ અમારી ગોૈશાળામાં કામ કરવા આવતાં લીલાધરભાઇ ઉર્ફ બાબુભાઇ પાંભરને ફોન કરી જાણ કરી હતી. એ પછી મેં ગોૈશાળાના રૂમોમાં જઇ કબાટમાં તપાસ કરતાં ગાયોના ઘાંસ માટે રાખેલા રૂા. ૨,૭૦,૦૦૦ જોવા મળ્યા નહોતાં. તેમજ બમારા ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, ગોૈરક્ષાનું કાર્ડ પણ આ લોકો લૂંટી ગયા હતાં. બીજા રૂમોમાં રાખેલી પતરાની પેટીઓ વેરવિખેર કરી નાખ્યા હતાં. બીજા રૂમમાં જઇને જોતાં કેમેરાનું ટીવી પણ જોવા મળ્યું નહોતું. કેમેરાનું ટીવી પણ આ લોકો લઇ ગયા હતાં. રસોડાની બારીની ગ્રીલ તૂટેલી જોવા મળી હતી. તેમજ મારા ખાટલા પાસે બીજા બે ખાટલા ઉપર લાકડાના ત્રણ ધોકા જોવા મળ્યા હતાં. આ દરમીયાન લીલાધરભાઇ આવી જતાં ૧૧૨ નંબરમાં પોલીસને જાણ કરી હતી.
પાંચ લૂંટારા મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતાં. સવારે ત્રણેક વાગ્યે આ ઘટના બની હતી. આ લૂંટારા મારી પાસે રહેલા ૧૦ હજાર રોકડા અને રૂમના કબાટમાંથી ૨,૭૦,૦૦૦ રોકડા, મોબાઇલ ફોન, સીસીટીવી ફૂટેજનું ટીવી મળી ૨,૯૦,૦૦૦ની માલમત્તા લૂંટી ગયા હતાં. પડધરી પીઆઇ એસ. એન. પરમારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:27 PM IST)










