News of Tuesday, 16th December 2025
મનપા દ્વારા સ્વદેશી સાઇકલોથોન- સ્વદેશી રન યોજાશે
તા.૨૫ તથા તા.૨૮ ડિસેમ્બરના રોજ આયોજનઃ આજથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

રાજકોટ તા.૧૬: મહાનગરપાલિકા દ્વારા તા.૨૫ના રોજ ‘સ્વદેશી સાઈક્લોથોન' અને તા.૨૮ના રોજ ‘સ્વદેશી રન'નું આયોજન કરવામાં આવ્યું છે.
આયોજન અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા. મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમ પ્રકાશ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવેલ છે કે, રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષઃ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિક કારોગરોને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશ્યથી સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકળતિઓ, આર્ટિફેક્ટ્સ તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપી ‘‘લોકલ ફોર વોકલ''ની વિભાવનાને પ્રાધાન્ય આપી, ‘‘મેક ઇન ઇન્ડિયા'' તેમજ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' જેવી પહેલને આગળ વધારી ‘આત્મનિર્ભર ભારત થકી વર્ષઃ૨૦૪૭માં વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા શહેરીજનોમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી'ની ભાવનાને પ્રોત્સાહિત કરી, દેશદાઝને પ્રગટ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
‘‘સ્વદેશી સાઈક્લોથોન'' અને ‘‘સ્વદેશી રન'' રાજકોટ શહેરના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, પરંપરાગત વાનગીઓ અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયત્ન છે. ઉપરોક્ત આ બન્ને કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક શહેરીજનોના ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ મારફત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેનું આજથી મનપાની વેબસાઇટ www.rmc.gov.in રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા. મ્યુનિસિપલ કમિશનરશ્રી ડો. ઓમ પ્રકાશ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા નાગરિકોને પરિવાર સાથે આ ‘‘સ્વદેશી સાઈક્લોથોન'' અને ‘‘સ્વદેશી રન''માં સહભાગી બનવા અનુરોધ કરાયો છે.
(3:30 PM IST)










