<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

કર્મભૂમિ પરથી માતૃભૂમિ માટે કામ કરતાં રહેવું જોઈએઃ સી.આર. પાટીલ

કેન્‍દ્રીય જલ શક્‍તિ મંત્રીએ હજારો લોકોને જલ બચાવવાનો સંકલ્‍પ લેવડાવ્‍યોઃ જળસંચય કાર્યક્રમોમાં ભાગીદારી માટે પારુલ યુનિવર્સિટી, ગારડી કોલેજ અને ધર્મેન્‍દ્રસિંહજી કોલેજના એમ.ઓ.યુ.

રાજકોટઃ રેસકોર્સમાં ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટના ઉપક્રમે ચાલતી જલકથા અપને અપને શ્‍યામ કીના બીજા દિવરસે કેન્‍દ્રીય જલ સંસાધન મંત્રી સી.આર.પાટીલે લોકોને જલ બચાવ સંકલ્‍પ લેવડાવ્‍યો હતો.

આ તકે કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પાટીલે જણાવ્‍યું હતું કે, જળસંચયમાં જનભાગીદારીના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહવાનને ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટના દિલીપભાઈ સખીયાએ પૂર્ણ કરવાનું બીડું ઉપાડયું છે.

તેઓએ નિર્દેશ કર્યો હતો કે, કર્મભૂમિથી માતૃભૂમિ માટે કામ કરતા રહેવું જોઈએ. દાનવીરો, સખાવતી સંસ્‍થાઓ અને ઉધોગપતિઓની પ્રશંસા કરીને જળસંચયના આ કાર્યમાં તેઓની ભાગીદારીને બિરદાવી હતી.

શ્રી પાટીલે શહેરીજનોને વરસાદી પાણી જમીનમાં ઉતારવા બોર રિચાર્જ સિસ્‍ટમ અપનાવવાની અને ગ્રામીણ વિસ્‍તારોમાં સીમની જમીનમા પાણી ઉતારવાની સલાહ આપી તેનું મહાત્‍મ્‍ય સમજાવ્‍યુ હતુ, ગીરગંગાને મળેલા વર્લ્‍ડ રેકોર્ડના સન્‍માનને દેશનું સન્‍માન ગણાવી રેકોર્ડ એજન્‍સીના હસ્‍તે ગૌરગંગા પરિવાર ટ્રસ્‍ટ વતી સર્ટિફિકેટ પણ સ્‍વીકાર્યું હતું.

ઉલ્‍લેખનીય છે કે, વડોદરાની પારુલ યુનિવર્સિટી, રાજકોટની કાલાવડ રોડ પર આણંદપર પાસે આવેલ ગાર્ડી કોલેજ અને રાજકોટની ધર્મેન્‍દ્રસિહજી આર્ટ્‍સ કોલેજે ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ સાથે જળસંચય કાર્યક્રમોમાં ભાગીદારી માટે અને જળસંચય ક્ષેત્રે જાગૃતિ માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્‍યા હતા. સી.આર.પાટિલના હસ્‍તે આ એમ.ઓયુને હસ્‍તાંતરિત કરાયા હતા.

જલકથાના બીજા દિવસે આર્ષ વિધા મંદિરના સ્‍વામી શ્રી ડો. પરમાત્‍માનંદ સરસ્‍વતીજીએ ઉપસ્‍થિત જનસમૂહને જળ મહાત્‍ય વિશે પ્રવયન આપતા જણાવ્‍યું હતું કે, આ ધૂણીને સહુએ સાથે મળીને પ્રજવલ્‍લિત રાખવાની છે. સ્‍વામીજીએ સૌરાષ્ટ્ર અને કચ્‍છની ધરતીના માણસોને પાણીદાર ગણાવીને ગીરગગાના આ અભિયાનમાં તન, મન અને ધનથી સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

(3:50 PM IST)