તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
બીજા ગ્રાહકોની પહેલા અમને નાસ્તો આપી દે...બેડીના દાળ પકવાનના ધંધાર્થી પર ટોળકીનો હુમલોઃ હાથ ભાંગી નાંખ્યો
બેડીપરાના દેવશી બાબુતર સહિતની સામે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્યોઃ ઘટનાનો વિડીયો વાયરલ થયોઃ ફોર્ચ્યુનર કારમાં આવી ડખ્ખો કર્યોઃ ભાગી ગયેલા તમામ આરોપીઓને શોધવા પોલીસની દોડધામ

રાજકોટ તા. ૧૮: બેડી ગામમાં રહેતાં અને દાળ પકવાનની લારી રાખી ગુજરાન ચલાવતાં યુવાનની લારીએ બે શખ્સો નાસ્તો કરવા આવતાં અને બીજા ગ્રાહકોની પહેલા પોતાને નાસ્તો આપી દેવાનું કહી બોલાચાલી કરી બાદમાં બેડીપરાના દેવશી બાબુતર સહિતને જાણ કરતાં તે ફોર્ચ્યુનર કારમાં બીજા શખ્સોને લઇને આવતાં દાળ પકવાનના ધંધાર્થીને પાઇપથી ફટકારી હાથ ભાંગી નાંખી તેની સાથે કામ કરતાં યુવાનને પણ માર મારતાં ફરિયાદ થઇ છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે મોરબી રોડ પર બેડી ગામે હનુમાનજીના મંદિરવાળી શેરીમાં રહેતાં વિપુલ રાણાભાઇ વડેચા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી ફોર્ચ્યુનર કાર જીજે૦૩કેએચ-૮૧૯૧માં આવેલા ચાલક દેવશી બાબુતર-રહે. બેડીપરા અને તેની સાથેના પાંચ શખ્સો વિરૂધ્ધ ગેરકાયદે મંડળી રચી પાઇપથી હુમલો કરી વિપુલ અને સાથેના સુનિલભાઇને માર મારી વિપુલનો હાથ ભાંગી નાંખ્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. વિપુલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પરીવાર સાથે રહું છુ અને રાજકોટ બેડી ગામ ખાતે આવેલ મધુરમ હોસ્પીટલની સામે જયશ્રી ચામુંડાના નામની દાળ પકવાનની લારી રાખી વેપાર ધંધો કરૂ છુ. મારી સાથે સુનીલ ભીમજીભાઈ વાધેલા જે અમારી જ્ઞાતિના છે તે કામ કરે છે. ૧૬મીએ બપોરે બે વાગ્યા આસપાસ હું અને સુનિલ રેંકડી હતો ત્યારે બે જણા આવ્યા હતાં અને નાસ્તો કરવો છે તેમ કહેતાં મેં કહેલું કે બીજા ગ્રાહક તમારી પહે લા આવેલા છે તેઓને આપી દઉં પછી તમને પણ આપી દઈશ. આ સાંભળી બંનેએ કહેલું કે જે હોય તે પણ તું અમને પહેલા આપી દે. ત્યારબાદ તેણે મોબાઈલમાંથી કોઈ વ્યકિતને ફોન જોડી મારી સાથે વાત કરાવી હતી. એ વ્યક્તિએ પણ કહેલું કે- આમને નાસ્તો પહેલા આપી દે, તેને મોડુ થાય છે. જેથી મેં તેને પણ કહેલું કે મારી પાસે ગ્રાહકો પહેલા આવેલા છે તેને આપીને આમને પણ આપી દઇશ. ત્યાર બાદ પંદરેક મીનીટ થયા પછી આ બંનેએ અમે કયારના અહીં ઉભા છીએ અમને કેમ નાસ્તો આપતા નથી? તેમ કહીને જેમ ફાવે તેમ બોલવા લાગતાં મેં કહેલું કે તમારા માટે જ નાસ્તો બનાવુ છુ. થોડીવાર તો લાગશે પણ તમે શાંતી રાખો. મારી આ વાત તેને સારી નહીં લાગતા મારી સાથે બોલાચાલી ઝઘડો કરી એક શખ્સે ત્યાં પડેલ ટેબલ મને મારવા માટે ઉપાડતા મે પણ ટેબલ ઉપાડેલ. આ પછી અમારી વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યાં થોડી વાર બાદ એક ફોર્ચ્યુનર કાર નં. જીજે૦૩કેએચ-૮૧૯૧ આવી હતી. જેમાંથી બેડીપરાના દેવશીભાઈ બાબુતર કે જેને હું ઓળખુ છું તે ગાડીમાથી લોખંડનો પાઈપ લઈને ઉતરેલ. હું કંઇ બોલુ તે પહેલા તે પાઇપથી મને મારવા માંડયા હતાં. આથી મેં તેઓને પહેલા મારી વાત તો સાંભળો તેમ કહેતાં તેણે વધુ માર માર્યો હતો. મારી સાથે કામ કરતો સુનિલ વચ્ચે પડતાં તેને પણ પાઇપથી ફટકાર્યો હતો. બાદમાં તેની સાથેના શખ્સોએ પણ વારાફરતી ગાડીમાંથી ઉતરી અમને બંનેને માર માર્યો હતો. દેવશીભાઇએ મને ડાબા હાથમાં ઘા ફટકારતાં અને બંને પગમાં પણ ઘા મારતાં હુંપડી ગયો હતો.
માથાકુટને પગલે માણસો ભેગા થઇ જતાં આ બધાએ અમને છોડાવ્યા હતાં. જતાં જતાં મારી દાળ પકવાનની દૂકાનમાં પણ તોડફોડ કરી હતી. મને હાથમાં ખુબ દુઃખાવો થતો હોઇ ૧૦૮ બોલાવી હતી. હું અને સુનિલ સારવાર માટે ગયા હતાં. જ્યાં મારા હાથના એક્સ-રે થતાં ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. સારવાર બાદ મેં પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં વિપુલે જણાવતાં કુવાડવા પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં હેડકોનસ. એન. એમ. શીરોળીયાએ ગુનો નોંધ્યો છે. ભાગી ગયેલા આરોપીઓને શોધવા પોલીસે દોડધામ શરૂ કરી છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો










