News of Thursday, 18th December 2025
કલેકટર મેગા ડીમોલીશનના મૂડમાં: જંગલેશ્વરમાં પ૦૦ મકાન ધારકોને નોટીસો
ટીપી નં.૬ ફાઇનલ પ્લોટ નં. ૧પ૯ ની ૭૦ થી ૮૦ કરોડની ૮૦ હજાર ચો.મી. જમીન ઉપર ૩૦ વર્ષથી દબાણ હોવાનું ખૂલ્યું : મામલતદાર અજમેરા-સર્કલ સત્યમ શેરશીયા-પોલીસ અધીકારીઓ-તલાટી-કોર્પોરેશન ટીમો એકી સાથે ત્રાટકી : તમામ પ૦૦ મકાન ધારકોને કલમ-૬૧ હેઠળ નોટીસો આપી તા. ર૯ ડીસેમ્બરે બોલાવાયા

રાજકોટ, તા. ૧૮: રાજકોટ કલેકટર ડો.ઓમપ્રકાશે આગામી દિવસોમાં મેગાડીમોલેશન કરવાના મુડમાં આવી ગયા છે. તેમના માર્ગદર્શન હેઠળ આજરોજ પૂર્વ વિભાગના મામલતદાર નિલેશ અજમેરા, સર્કલ ઓફિસર સત્યમ સેરશીયા ઉપરાંત પીઆઇ સરવૈયા, એસીપી જાદવ તેમજ ૬૦ થી ૭૦ પોલીસના કાફલા સાથે અને કોર્પોરેશનની ટિમ અને તમામ તલાટીઓની ટીમ સાથે ત્રાટકયા છે અને પ૦૦ મકાન ધારકોને નોટીસો આપવાનું શરૂ થતા ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, જંગલેશ્વરની ટીપી નંબર ૬ પૈકી ફાઇનલ પ્લોટ ૧૫૯ ની ૮૦ હજાર ચોરસ મીટર જમીન જેની કિંમત અંદાજે ૭૦ થી ૮૦ કરોડ થવા પામે છે જેમાં ૩૦ વર્ષથી કાચા પાકા મકાનો ધમધમી રહ્યા છે. આ તમામ કાચા પાકા મકાનોના દબાણને સવારે ૧૧ વાગ્યાથી સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે નોટિસ ફટકારવાનુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
તમામને નોટિસ આપ્યા બાદ આગામી તા.૨૯ ડિસેમ્બરે પૂર્વ મામલતદાર અજમેરાની ટીમ કુલ ૫૦૦ જેટલા ગેરકાયદે વસવાટ કરતા આસામીઓને બોલાવ્યા છે અને તેમનું હીયરીંગ હાથ ધરશે, કલમ-૬૧ હેઠળ નોટીસો અપાઇ રહી છે.નોટિસ ફટકારતી સમયે મોટો હોબાળો થયા હોવાનું પણ સામે આવ્યું છે અને અનેક જગ્યા ટોળા એકઠા થયા હોવાની પણ વિગતો મળી છે જો કે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.(૬.૧૪)
(2:25 PM IST)










