તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Thursday, 18th December 2025
પોશ વિસ્તાર જલારામ સોસાયટીમાં ચાલતું કૂટણખાનુ ઝડપાયું: શબાબ સાથે શરાબની પણ વ્યવસ્થા હતી!
ગાંધીગ્રામ પોલીસ મથકના રવિભાઇ ગઢવી, કોૈશિકભાઇ ડાંગરની બાતમીઃ પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ રાવલીયા અને ટીમનો હેતધારા એપાર્ટમેન્ટમાં દરોડોઃ માયા કાકડીયા, સુમિત ઉર્ફ શની રામીની ધરપકડ : અમદાવાદની માયાએ એક મહિનાથી હેતધારા એપાર્ટમેન્ટમાં ફલેટ ભાડે રાખ્યો હતોઃ અમદાવાદ, મહારાષ્ટ્ર, યુગાન્ડાની યુવતિઓ પાસે દેહવેપલો કરાવાતો હતો

રાજકોટ તા. ૧૮: શહેરના સ્પા-મસાજ પાર્લરોની આડમાં ચાલી રહેલા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે સતત દરોડા પાડયા બાદ હવે ગાંધીગ્રામ પોલીસે પોશ વિસ્તાર એવા યુનિવર્સિટી રોડ પર જલરામ સોસાયટી-૨માં એક એપાર્ટમેન્ટના ફલેટમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ કરી સંચાલક મહિલા સહિત બેની ધરપકડ કરી છે. અહિ યુગાન્ડા, મહારાષ્ટ્ર, અમદાવાદની પાંચ યુવતિઓને રાખી લોહીનો વેપલો કરાવાતો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો. દારૂની બોટલ પણ મળી આવતાં અલગથી ગુનો દાખલ કરાયો હતો.
ગાંધીગ્રામ પોલીસની ટીમ ગેરપ્રવૃતિઓ શોધી કાઢવા તપાસમાં હતી ત્યારે હેડકોન્સ. રવિભાઇ ગઢવી અને કોન્સ. કોૈશિકભાઇ ડાંગરને બાતમી મળી હતી કે યુનિવર્સિટી રોડ જલારામ સોસાયટી-૨માં આવેલા હેતધારા એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧માં માયા હરેશભાઇ કાકડીયા નામની મહિલા યુવતિઓને રાખીને દેહવ્યાપાર કરાવે છે. આ બાતમી પરથી ડમી ગ્રાહક મોકલીને તપાસ કરાવતાં બાતમી સાચી ઠરી હતી. ડમી ગ્રાહકે અંદર પહોંચી શરીર સંબંધની અને પૈસાની વાત કરી હતી. બધુ પાક્કુ થયા બાદ નક્કી થયા મુજબ તેણે બાથરૂમમાં જઇ પોલીસને જાણ કરી દીધી હતી. આથી પોલીસની ટીમ ફલેટ ખાતે પહોંચી હતી અને દરવાજો ખખડાવતાં એક મહિલાએ ખોલ્યો હતો. તેને પોલીસે ઓળખ આપી નામ પુછતાં માયા હરેશભાઇ ઘુસાભાઇ કાકડીયા (ઉ.વ.૩૨-રહે. મવડી સમૃધ્ધ પાર્ક-૧, મુળ વતન વડોદરા સમા સાવલી રોડ, શ્રીનાથજી ગેઇટ) જણાવ્યું હતું.
આ વખતે હોલમાં એક અનય શખ્સ હાજર હતો, તેનું નામ પુછતાં સુમિત ઉર્ફે શની નિલેશભાઇ રામી (ઉ.વ.૩૨-રહે. નારોલ ચોકડી આસ્ટોડીયા ભજીયા પાસે નારોલ સોસાયટી) જણાવ્યું હતું. અન્ય એક રૂમમાં જોતાં યુવતિઓ, મહિલાઓ બેઠી હતી. જેમાં બે યુવતિએ પોતે અમદાવાદની, એકે મહારષ્ટ્રની વતની હોવાનું કહ્યું હતું. આ પછી અન્ય રૂમમાં જોતાં ત્યાં હાજર યુવતિએ યુગાન્ડાની વતની હોવાનું કહ્યું હતું.
આ પછી અન્ય રૂમમાં તપાસ કરતાં યુવતિ અને ડમી ગ્રાહક કઢંગી હાલતમાં મળી આવ્યા હતાં. આ યુવતિએ પોતે અમદાવાદની હોવાનું અને ફલેટ જેના હસ્તક છે તે માયા કાકડીયા પોતાની પાસે વેશ્વાવૃતિ કરાવતી હોવાનું કબુલ્યું હતું. માયાની સાથે સુમિત ઉર્ફ શની પણ આ કામ કરાવતો હોવાનું અને ગ્રાહકો પાસેથી ૨૫૦૦ રૂપિયા લઇ ૧૦૦૦ પોતાને આપે છે તેમ કબુલ્યું હતું. આ પછી માયાના રૂમમાં તપાસ કરતાં ત્યાંથી રોયલ ચેલેન્જની દારૂની એક બોટલ પણ મળી હતી. માયાએ એકાદ મહિનાથી આ મકાન ભાડે રાખ્યું હોઇ ત્યારથી અહિ ગેરપ્રવૃતિ ચાલતી હોવાની શક્યતા છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ માયા મુળ મુસ્લિમ જ્ઞાતિની છે, તેના પિતાનું નામ અયુબભાઇ પઠાણ છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયા, હેડકોન્સ. સહદેવસિંહ જાડેજા, રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, શબ્બીરખાન મલેક, કોન્સ. મુકેશભાઇ સબાડ, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, કોન્સ. પ્રેક્ષાબેન આહિર, શિલ્પાબેન વીંઝવાડીયા સહિતે આ કામગીરી કરી હતી. (૧૪.૯)
(2:23 PM IST)










