<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

શાપર-વેરાવળમાં ગુજરાત ગેસની પાઇપલાઇન તોડી ૪૫ લાખની ગેસની ચોરીઃ ૫ સામે ફરિયાદ

ઇથર કોર્પોરેશનના સંચાલક કિશન ભાલોડીયા અને રાજકોટના ૪ સહિત પ સામે ફરિયાદઃ કારખાનામાં એક વર્ષથી બારોબાર ગેસ વાપરતા'તા!

રાજકોટ તા.૧૯: શાપર-વેરાવળમાં ગુજરાત ગેસની મુખ્‍ય પાઇપલાઇન તોડી ૪૫ લાખની ગેસની ચોરી કરનાર કારખાનેદાર સહિત પ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગુજરાત ગેસ કંપનીના ટેકનીકલ ડેપ્‍યુટી મેનેજર મુકેશભાઇ બલદાણીયાએ કારખાનેદાર ઇથર કોર્પોરેશનના સંચાલક કિશન ધરમશીભાઇ ભાલોડીયા રે. મેડી તા.કાલાવાડ, જય દિનેશચંદ્ર સભાયા, દિનેશચંદ્ર દેવરાજભાઇ સભાયા, સેજલબેન મહેન્‍દ્રકુમાર ઝણકાર તથા ધરમશી કાનજીભાઇ ભાલોડીયા રે.શ્રી હરી રઘુનાથ પાર્ક પર્ણકુટીર સોસાયટી પાછળ નાનામોૈવા મેઇન રોડ રાજકોટ સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીને ગુજરાત ગેસ લીમીટેડ દ્વારા ગેસ વપરાશ માટે કનેકશન આપેલ હોય જે ગેસ પાઇપ લાઇનમાં ચેડા કરવાથી માનવ જીંદગી જોખમાઇ શકે તેવુ જાણવા છતા કંપનીની મુખ્‍ય લાઇનમાંથી  કંપનીની જાણ બહાર કે કંપનીને જાણ કર્યા વગર સતત એક વર્ષ સુધી પોતાના અંગત ફાયદા સારૂ ગેરકાયેદસર રીતે ગેસ પાઇપલાઇનમાં હોલ પાડી, બગાડ કરી ગેસ કનેકશન લઇ અંદાજે આશરે ૫૯,૦૦૦/- યુનિટ ગેસ કિ.રૂ.આશરે ૪૫,૦૦,૦૦૦/-નો ગેસ સતત એક વર્ષ સુધી વાપરી ગેસની ચોરી કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે શાપર-વેરાવળ પોલીસે ઉકત પાંચેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે

(4:19 PM IST)