News of Saturday, 20th December 2025
રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં ભાજપની સમરસ પેનલ ઉપર બુલડોઝર ફરી વળ્યું
આર.બી.એ. પેનલના પ્રમુખ સહિત ૧૩ ઉમેદવારો વિજયી : સમરસ પેનલને નકારાત્મક પ્રચાર નળ્યોઃ ભાજપ લીગલ સેલનું ધોવાણઃ આર.બી.એ. પેનલના ઉમેદવારોની જીત બાદ રાત્રીના ઢોલ નગારા સાથે આતશબાજી સાથે ટેકેદારો ઝુમી ઉઠયાઃ જેટલો નેગેટીવ પ્રચાર એટલી મોટી જીત : સુમિત વોરા સૌથી નાની વયે પ્રમુખ બન્યાઃ ઉપપ્રમુખના હોદા ઉપર સિધ્ધરાજસિંહ જાડેજા વિજયી : કુલ ૧૬ માંથી ૧૩ ઉમેદવારોની જીતથી આર.બી.એ પેનલે ઐતિહાસિક જીત મેળવી

આર.બી.એ.પેનલના વિજેતા ઉમેદવારો : રાજકોટ : બાર એસો.ની ચુંટણીનું ગઇ મોડી રાત્રીએ ૧.૩૦ વાગે આખરી પરીણામ જાહેર થયું હતું. જેમાં આર.બી.એ. પેનલના ૧૬ માંથી ૧૩ ઉમેદવારોની ઐતિહાસિક જીત થયેલ હતી. ઉપપ્રમુખ પદે સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરીમાં નિલેષ પટેલ, ટ્રેઝરરમાં પ્રગતીબેન માકડીયા, જોઇન્ટ સેક્રેટરીમાં જયેન્દ્ર ગોંડલ તેમજ મહિલા અનામત અને કારોબારી પેનલના સભ્યોની પ્રચંડ જીત થઇ હતી. પ્રસ્તુત તસ્વીરોમાં વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવીને સમર્થકોએ જીતની ખુશી મનાવી હતી. (તસ્વીરોઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૨૦ : રાજકોટ બાર એસો.ની ગઇકાલે યોજાયેલ ચુંટણીમાં આર.બી.એ. પેનલની ઐતિહાસિક જીત થયેલ હતી. આ પેનલના પ્રમુખ-હોદેદારો, મહિલા અનામત અને કારોબારી મળીને કુલ ૧૩ ઉમેદવારોની જીત થયેલ હતી.
રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં પ્રમુખપદે આર.બી.એ. પેનલના સૌથી નાની વયે સુમીત વોરાએ પ૦૦ થી વધુ મતોથી તેમના હરીફ ઉમેદવાર ભાજપની સમરસ પેનલના સુરેશભાઇ હળદુને પરાજીત કરીને વિજેતા થયા હતા.
ઉપપ્રમુખની જગ્યા ઉપર સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા વિજયી થયા હતા. પરંતુ પેનલને ટેકો કરતા તેઓ પોતાના વ્યકિતગત દમ ઉપર ચુંટણી જીત્યા હતા. આ જગ્યા ઉપર આર.બી.એ. પેનલના બિમલ જાની પરાજીત થયા હતા.
જયારે સેક્રેટરીની જગ્યા ઉપર આર.બી.એ. પેનલના નિલેષ પટેલ, જોઇન્ટ સેક્રેટરી પદે જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરરમાં પ્રગતીબેન માકડીયા, લાઇબ્રેરી સેક્રેટરીમાં કેતન મંડ વિજેતા થયા હતા.
કારોબારી અને મહિલા અનામતની જગ્યા ઉપર પણ આર.બી.એ. પેનલનો દબદબો કાયમ રહયો હતો. આ જગ્યા ઉપર પેનલના મહિલા અનામતના ઉમેદવારો નીશાબેન લુણાગરીયા, મિનલબેન સોનપાલ તથા સ્તવન મહેતા, ભાર્ગવ પંડયા, વિજય રૈયાણી, સંજય ડાંગર, અશ્વિન રામાણી, કલ્પેશ સાકરીયાએ જીત મેળવી હતી.
જયારે ભાજપની લીગલ સેલની સમરસ પેનલમાંથી જે ઉમેદવારો ચુંટાયા છે. તેમાં ઉપપ્રમુખ પદના સિધ્ધરાજસિંહ જાડેજા તેમજ કારોબારીમાંથી દિપ વ્યાસ અને કિરણબેન જોષી માત્ર ત્રણ ઉમેદવારો જ ચુંટાઇ આવ્યા હતા.
રાજકોટ બાર. એસો.ની ચુંટણીમાં ખાસ કરીને તાજેતરમાં યોજાયેલ નેશનલ લીગલ સેમીનારમાં થયેલા કહેવાતા ભ્રષ્ટાચાર તેમજ સંદીપ વેકરીયાના મુદાને ઉલેખીને ભાજપની લીગલ સેલની સમરસ પેનલ દ્વારા ખુબ જ નકારાત્મક પ્રચાર કરવામાં આવ્યો હતો. વકીલ વર્તુળોમાં ચર્ચાય છે કે, ભાજપ લીગલ સેલ પેનલના સમર્થકોએ જેટલો નકારાત્મક પ્રચાર કર્યો તેટલી જ આર.બી.એ. પોતાની જંગી બહુમતીથી જીત થયેલ છે.
બાર એસો.ની ચુંટણીમાં આર.બી.એ. પેનલના પ્રખર ટેકેદાર દિલીપભાઇ પટેલ અને પરેશભાઇ મારૂએ પેનલને જીતાડવા ભારે કમર કસી હતી. સામાપક્ષે ભ્રષ્ટાચાર સહીતના આક્ષેપો કર્યા હોવા છતા આ બંનેએ ટેકેદારોએ તેનો વિરોધ કરવાના બદલે પેનલને જીતાડવા કામે લાગી ગયા હતા.
બાર એસો.માં આર.બી.એ. પેનલની જીતથી આગામી બાર કાઉન્સીલની ચુંટણીમાં દિલીપભાઇ પટેલનો માર્ગ ખુલ્યો છે. ખાસક રી બાર કાઉન્સીલની આગામી ચુંટણીમાં દિલીપભાઇની હાર થાય તેવા લક્ષ સાથે પરાજીત પનેલના સમર્થકોએ સેમીનારના ભ્રષ્ટાચાર અને સંદીપ વેકરીયાનો મુદ્દો ચગાવ્યો હતો. બાદ એસો.ના ગત વર્ષના પ્રમુખ પરેશભાઇ મારૂની સ્વચ્છ પ્રતિભા હોવા છતા તેઓને લાંછન લગાડવા પ્રયાસ થયો હતો. જયાં સુધી પરેશભાઇ મારૂને લાગે વળગે છે. ત્યાં સુધી તેઓ ખુબ જ સ્વચ્છ અને ઉમદા વ્યકિતત્વ ધરાવે છે. તેઓ વિશે અપપ્રચાર કરનારને મતદારોએ જાકારો આપ્યો છે.
બાર એસો.ની ચુંટણીના મતગણતરીના છેલ્લા રાઉન્ડ સુધી સમરસ પેનલના પ્રમુખપદના ઉમેદવાર સુરેશભાઇ ફળદુ મતગણતરીના દરેક રાઉન્ડમાં પાછળ રહયા હતા અને પ્રથમ ૪પ મતો નીકળ્યા તે તમામ સુમીત વોરાને મળ્યા હતા. બાર એસો.ની ચુંટણીમાં આર.બી.એ. પેનલનો દબદબો ફરી આ વર્ષે પણ ઝળવાઇ રહયો હતો.
(11:14 AM IST)










